News of Thursday, 6th February 2025
ચાલો પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા

આજના આધુનિક યુગની પૃથ્વી પરની છઠ્ઠી મહાસતા અને જગતની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ તેજ રફતારથી પ્રયાણ કરી રહેલો આપણો ગૌરવવંતો દેશ ભારત પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ પર્વમાં માનવ ઉત્પતિથી માંડીને અત્યાર સુધીમાં એકઠા થયેલા સૌથી મોટા માનવ મહેરામણનો સાક્ષી બન્યો છે.
આદી અનાદીકાળથી અસ્તિત્વમાં રહેલા આપણાં સનાતન હિન્દુ ધર્મની શાન સમો તેમજ આલોકિક શુદ્ધિકરણ અને નવીનીકરણના પ્રતીક એવા મહાકુંભના આ મેળાને વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ મેળાવડો માનવામાં આવે છે જે મુખ્યત્વે લાખો હિન્દુ યાત્રાળુઓ ને તેમની માતા સમાન પૂજનીય પવિત્ર નદીઓમાં ધાર્મિક સ્નાન કરાવીને તન, મન, ધન અને કર્મોથી શુદ્ધ કરવા સાથે જીંદગીભરનું પુણ્યભાથું એકસાથે કમાઇ લેવાની અમુલ્ય તક પ્રદાન કરે છે.
આસ્થા અને સંસ્કૃતિ સાથે આપણાં સનાતન હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરા ને દર્શાવતો આ મહાકુંભ મેળો વ્યાપારીક રીતે પણ પૃથ્વીના ચહેરા પરના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે ઓળખાય છે જે પોરાણિક કાળ થી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ભવ્યાતિ ભવ્ય અહેમિયત ધરાવે છે.
કુંભમેળો એ આપણાં સનાતન હિન્દુ ધર્મનો એક એવો મુખ્ય તીર્થ અને તહેવાર છે જેમાં તમામ જ્ઞાતિઓના હિન્દુઓ સહિત સંતો, બાવાઓ, સિદ્ધ પુરુષો, ભક્તો, અખાડાઓ, યાત્રાળુઓ સાથે દુનિભરમાંથી આવેલા આમંત્રિત મહેમાનો અને વિદેશી મુલાકાતીઓ હોંશે હોંશે ભાગ લે છે.
આપણાં અખંડ ભારતના તમામ તીર્થ સ્થાનોમાં સૌથી વિશેષ મહત્વ ધરાવતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલુ વર્ષમાં યોજાયેલો આ મહા કુંભ ભારતના ઊંડા સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને પ્રકાશિત કરે છે જે ગંગા, યમુના અને સરસ્વતીના અધ્યાત્મિક કિનારાઓ પર આવેલા ત્રિવેણી સંગમના પવિત્ર દ્યાટો પર ઉજવવામાં આવ્યો છે જે ૧૩મી જાન્યુઆરીથી પોષ પૂર્ણિમાંના સ્નાન સાથે શરૂ થયેલો છે અને ૨૬મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના સ્નાન સાથે સમાપ્ત થશે.
આપણાં સનાતન હિન્દુ ધર્મની આસ્થા તેમજ વિશ્વાસના પ્રતિક એવા જગતના આ સૌથી મોટા પ્રસંગ, તહેવાર અને પૂર્ણ મહાકુંભના અતિ ભવ્ય કાર્યક્રમમાં શાહી સ્નાન એ આ મેળવડામાં કેન્દ્ર સ્થાને છે જેનું હિન્દુ ધર્મના મૂળ સુધી વિશેષ મહત્વ રહેલું છે. આ પ્રસંગ માત્ર એક ધાર્મિક ઉત્સવ ના બનતા એક ભવ્યાતિ ભવ્ય તહેવાર પણ છે જેમાં શાહી સ્નાન સહિત અન્ય બીજી ઘણી બધી પ્રકારની વિવિધ ધાર્મિક વિધિઓ પણ સામેલ છે.
મહાકુંભ દરમિયાનઅખાડાઓના સંતોને ખૂબજ આદર આપવામાં આવે છે જેમના દ્વારા શાહી સ્નાન ખુબજ વિધિપૂર્વક કરવામાં આવે છે અને ત્યારબાદ સામાન્ય ભક્તો દ્વારા તેમને અનુસરવામાં આવે છે. મહાકુંભના આ માનવ મેરામણવાળા મહામેળામાં ગમે તે દિવસે સ્નાન કરવાથી સ્નાન કરનારને પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ, મહાકુંભમાં શાહી સ્નાન કરવાનું ખુબજ અનેરું મહત્વ છે કારણ કે શાહી સ્નાન કરવાથી તેનું વિશેષ પુણ્ય અને ફળ મળે છે જેનું માતમ અને ઇતિહાસ આપણાં હિન્દુ સનાતન ધર્મના મૂળ સુધી રહેલું છે.
શાહી સ્નાન કે રોયલ બાથ એ એક એવા પ્રકારનું પવિત્ર સ્નાન છે કે જે વિવિધ અખાડાઓ કે ધાર્મિક જૂથોના સંતો અને સિદ્ધ પુરુષો દ્વારા પવિત્ર નદીમાં અન્ય કોઈપણ હિન્દુ યાત્રાળુઓની સમક્ષ લેવામાં આવે છે અને તેમના દ્વારા સ્નાન કર્યા બાદ જાહેર જનતાને તેજ જગ્યાએ સ્નાન કરવાનો વિશેષ લાભ મળે છે. ચાલુ વર્ષ ૨૦૨૫માં યોજાનારા આ પૂર્ણ મહાકુંભમાં કુલ છ સ્નાનો છે જેમાં મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના ત્રણ શાહી સ્નાનો અને ત્રણ મુખ્ય સ્નાનોમાંના બે સ્નાનો અચલા સપ્તમી અને માઘી પૂર્ણિમાંના સમાપ્ત થઈ ચૂક્યા છે અને બાકી બચેલા મહાશિવરાત્રીના છેલ્લા સ્નાન સાથે આ મહાકુંભ મેળો સમાપ્ત થશે.
મહાકુંભ મેળાના પવિત્ર પાણીમાં તહેવારનું નિમજ્જન પાપને શુદ્ધ કરવા સાથે વ્યક્તિને જન્મ અને મૃત્યુના અનંત ચક્રમાંથી મુક્ત કરે છે.
ભારતમાં આવેલા તમામ તીર્થોના રાજા એવા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલુ વર્ષે યોજાયેલો મહાકુંભનો પવિત્ર મેળો એ આસ્થા અને આધ્યાત્મિકતાના તીર્થયાત્રાની ભવ્ય ઉજવણી છે જયાં સનાતન હિન્દુ ધર્મના અતિ પૌરાણિક અને દેશની પ્રાચીન સંસ્કૃતિની અમુલ્ય ધરોહર સમા ૧૩ હિન્દુ સંત અખાડાઓ ભેગા થઈને વિવિધ પ્રકારની આલોકિક અને અધ્યાત્મિક પ્રવૃતિઓનું પ્રદર્શન કરે છે જે આ અવિસ્મરણીય પ્રસંગે સમૃદ્ધ પરંપરાઓ અને આધ્યાત્મિક પ્રથાઓને એકજ જગ્યાએ એકસાથે માણવા અને અનુભવવાનો અનેરો આનંદ પ્રાપ્ત કરાવે છે. આ મહાકુંભમાં હાજર રહેનારા ભરતમાતાની પવિત્ર ભૂમિ પરના ૧૩ મુખ્ય અખાડાઆ દરેક કુંભમેળામાં તેમની અચૂકપણે રહેલી હાજરીથી કુંભની ગરિમાને ચાર ચાંદ લગાવી દે છે અને કુંભની ઉજવણીમાં યાદગાર રહી જાય તેવી ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે.
આ અખાડાઓએ ધાર્મિક, અધ્યાત્મિક અને આલોકિક જ્ઞાનને આત્મ સાત કરવાના મિશન ઉપરાંત વિદેશી આક્રમણોને નિવારવા માટે શષા-સંચાલન બ્રિગેડ પણ ઉભા કર્યા હતા. ઉત્તર ભારતથી ગોદાવરી નદી સુધીના તમામ સંપ્રદાયોના તપસ્વીઓને કુલ ૧૩ સંઘોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને આ તમામ ૧૩ સંઘો એટલે સનાતન હિન્દુ ધર્મના પાયાના પથ્થરો સમાન ગૌરવ લેવા જેવા ૧૩ અખાડાઓ છે.
આ ૧૩ અખાડાઓમાં નિરંજની અખાડા, જુના અખાડા, આવાહન અખાડા, આનંદ અખાડા, અગ્નિ અખાડા અને નયા ઉદાસીન અખાડા એ છ અખાડા છે જે અન્ય જૂથ બનાવે છે. તેમની ગંભીર તપસ્યા અને શારીરિક સહનશક્તિ સુપ્રસિદ્ધ છે જે ધાક અને આદર બંનેને આકર્ષે છે. આ ૧૩ અખાડાઓના સાધુઓમાં સાત શૈવ, ત્રણ વૈષ્ણવ, બે ઉદાસીન અને એક શીખ છે જેમણે પરંપરાગત રીતે કુંભ મેળામાં ભાગ લીધો હતો.
વિશ્વના આ સૌથી મોટા મંડળના ‘શાહી સ્નાન' તરીકે ઓળખાતા રોયલ બાથ એટ્લે કે પવિત્ર સ્નાન કરનારા તેઓ સૌપ્રથમ સંતો હતા જેની શરૂઆત અટલ અખાડા, મહાનિર્વાણીની અખાડા, અનનદા અખાડા, નિરંજની, આવાહન અને અગ્નિ અખાડાઓ સાથે પ્રાચીન સમયથી થઈ હતી અને ત્યારપછી નિર્વાણી અખાડા, દિગંબરા અખાડા, નિર્મોહી અખાડા, બડા ઉદાસીન અખાડા, નયા ઉદાસીન અખાડા અને છેલ્લે નિર્મલ અખાડા તરીકે ઓળખાતા એકલા શીખ અખાડા દ્વારા અનુસરવામાં આવે છે.
કુંભ મેળામાં આ ૧૩ અખાડાઓમાંથી નાગા અખાડા શાહી સ્નાન એટ્લે કે રોયલ બાથનું નેતૃત્વ કરે છે અને સૌપ્રથમ તેઓ ધાર્મિક સ્નાનની શરૂઆત કરે છે. કુંભ મેળામાં હાજર રહેતા આ તમામ ૧૩ અખાડાઓમાંથી નાગા અખાડા સૌથી પહેલા શાહી સ્નાન કરે છે કારણ કે તેમણે ધર્મના અને દેશના રક્ષણ કાજે પોતાનું બલિદાન આપેલ છે.
ધર્મની રક્ષા કાજે શષાોની કરવામાં આવતી પુજા આદિ શંકરાચાર્યએ છઠ્ઠી શતાબ્દીમાં નાગા સાધુઓ દ્વારા શરૂ કરાવેલી જે આજ દિન સુધી અસ્તિત્વમાં છે. નાગા સાધુઓ કુંભના મેળા બાદ હિમાલયની કંદરા અને જંગલોની ગુફાઆ સિવાય આ મઢીઓમાંજ રહેતા હતા. નાગા સાધુઓની શૌર્યગાથાની સાક્ષી પૂરતી એવી સેંકડો મઢીઓ આજેપણ ભરતભરમાં ઘણી જગ્યાઓએ અસ્તિત્વમાં છે જયાં ધર્મની રક્ષા કાજે વીરતા દેખાડનાર નાગા સાધુઆની સમાધિઓ પણ છે. તરેનના યુદ્ધમાં સેંકડો નાગા સાધુઓને વીરગતિ પ્રાપ્ત થયેલ જેમની વિરતાને બિરદાવવા માટે પૃથ્વીરાજ ચૌહાણે તેમને ધર્મરક્ષક સન્યાસીઓનું બિરુદ આપીને કુંભના મેળામાં સૌપ્રથમ શાહી સ્નાન કરવાનું બહુમાન આપેલું અને ત્યારથી દસનામી નાગા સાધુઓ દરેક કુંભના મેળામાં સૌપ્રથમ શાહી સ્નાન કરે છે.
આ વખતના મહાકુંભ મેળામાં ૧૩ અખાડાઓ અને એક મહિલા અખાડો મળીને કુલ ૧૪ અખાડાઓ ઉપરાંત અલગ અલગ પ્રકારના બાબા ઓમાં ઘોડાવાળા બાબા, રિક્ષાવાળા બાબા, રુદ્રાક્ષબાબા, પર્યાવરણ બાબા, સાઈકલવાળા બાબા અને હઠ યોગ કરતાં બાબા દરેક પોતાનું સંકલ્પ અને પોતાની અલગ તપશ્યા લઈને શ્રદ્ધાપૂર્વક આવ્યા છે.
પૂર્ણકુંભ દર ૧૨ વર્ષમાં એકવાર પ્રયાગરાજની પાવન ધરતી પર યોજાય છે જેનું ધાર્મિક, અધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખુબજ મહત્વ છે. જેમ કુંભમેળાનો ઇતિહાસ ખુબજ પ્રાચીન છે તેવીજ રીતે પ્રયાગરાજનું અસ્તિત્વ રામાયણ અને મહાભારત પહેલાનું ખુબજ પૌરાણિક છે જેનો ઉલ્લેખ છેક સુષ્ટિની રચનાના સમયથી કરવામાં આવે છે જેમાં સુષ્ટિના રચયેતા બ્રહ્માજીએ પોતાના મનથી મનુની ઉત્પતિ કર્યા બાદ સતરૂપાને ઉત્પન્ન કરેલી જેમાંથી આ સમગ્ર સુષ્ટિ બનવા પામેલ છે.
બ્રહ્માજીએ સુષ્ટિની રચના કરતાં પહેલા આખી ધરાને પાવન કરવા માટે તેના પર એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને આખી પૃથ્વીનું સર્વેક્ષણ કર્યા બાદ તેમને ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના મિલનવાળું ત્રિવેણી સંગમનું એ પવિત્ર સ્થળ યજ્ઞ માટે પસંદ પડ્યું જયાં યજ્ઞ કર્યા બાદ તેમણે તેને પ્રયાગરાજ એવું પવિત્ર નામ આપ્યું.
પ્રયાગરાજ એટ્લે સૌથી પવિત્ર તીર્થસ્થાન જેને સ્વયં બ્રહ્માજી દ્વારા પૃથ્વી પર યજ્ઞ કરવા માટે પસંદ કરાતા તેને તીર્થોના તીરથ એટ્લે કે મહાતીરથ અને હિમાલયમાં વહેતી હિન્દુઓની પાંચ પવિત્ર નદીઓના સંગમનું સ્થળ તે વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ સહિતના પાંચ પ્રયાગોમાં જે સૌથી પવિત્ર અને મોખરે છે એવા પાંચય તીર્થોના રાજા તરીકે પ્રયાગરાજને સંબોધવામાં આવે છે.
ત્રેતા યુગમાં આજ સંગમ નગરી પ્રયાગરાજમાં ઋષિ ભારદ્વાજનો આશ્રમ હતો અને પ્રભુ શ્રીરામે વનવાસ જતાં પહેલા અને લંકા પર વિજય મેળવ્યા પછી બંને વખત આ આશ્રમની મુલાકાત લઈને સંત ભારદ્વાજના આશીર્વાદ મેળવેલા જે એતિહાસિક દ્રષ્ટિયે ત્રેતા અને દ્વાપર યુગનું સંધિ કાળ હતું. હજારો વર્ષો પહેલાના પ્રાચીનકાળમાં રચાયેલા સ્કંદપુરાણ જેવા પૌરાણિક ગ્રંથો તેમજ સંત તુલસીદાસ રચિત રામચરિતમાનસ, વાલ્મીકિ રચિત રામાયણ અને મત્સ્યપુરાણના કેટલાયે અધ્યાયોમાં પ્રયાગરાજનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેમજ દ્વાપર યુગના મહાભારતમાં મારકંડેય દ્વારા ધર્મરાજ યુધિસ્ઠિરને કલ્પવાસનું મહત્વ સમજાવતા સર્વે પાપોને નાશ કરનારા પ્રયાગરાજનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તો તથાગત ગૌતમ બુદ્ધે પણ પ્રયાગરાજમાં પોતાના પવન પગલાઓ પાડેલા છે.
કુંભમેળાના પ્રથમ લેખિત પુરાવાનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં મળે છે ત્યારબાદ તેના અન્ય લેખિત પુરાવાનો ઉલ્લેખ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ૬૨૯ થી ૬૪૫ એ.ડી.માં ભારતની મુલાકાત લેનાર ચીની પ્રવાસી સુઆન ત્સાંગ અથવા ઝુઆનઝાંગની કૃતિઓમાં જોવા મળે છે. આ ઉપરાંત સમુદ્ર મંથન વિશે ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત અને રામાયણમાં પણ તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે.
આઠમી સદીમાં હિંદુઓના મહાન સંત અને ફિલસોફર શ્રી આદિ શંકરાચાર્યને પરંપરાગત રીતે કુંભ મેળાને ઔપચારિક બનાવવાનો શ્રેય આપવામાં આવે છે કારણ કે તેમનો ઉદ્દેશ હિંદુ ધર્મના દાર્શનિક પાયાને મજબૂત કરવાનો હતો. ભારતીય ઉપખંડમાં હિંદુ મઠોના સમુદાયમાં દાર્શનિક પ્રવચન અને ચર્ચાઓ માટે મોટો મેળાવડો સ્થાપીને હિન્દુઓની એકતાની ભાવનાને ઉત્તેજન આપી તેના સાધકો વચ્ચે સહિયારો હેતુ સાધવાનો તેમનો ખુબજ નેક ઈરાદો હતો.
હજારો વર્ષોથી ભારતમાતાની પાવન ધરા પર કુંભનો જે મેળો યોજાય છે તે કુંભ શબ્દ એ કળશ પરથી લેવામાં આવ્યો છે જે અમૃતમંથન વખતે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ હતો.
સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલા અમ્રુત કળશમાંથી અમ્રુતપાન કરવા માટે દેવ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયેલું જે ૧૨ દિવસ સુધી ચાલેલું અને સ્વર્ગના ૧૨ દિવસ એ પૃથ્વી પરના ૧૨ વર્ષો બરાબર હોય પૂર્ણ કુંભ દર ૧૨ વર્ષે યોજાય છે. સંસારને અસૂરોના અધર્મ કૃત્યોથી બચાવવા માટે દાનવોને અમરત્વ પ્રાપ્ત ના થાય એવા શુભ હેતુથી દેવોએ અમ્રુત કળશ લઈને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું અને તેમના હાથમાં રહેલા કળશમાંથી અમૃતની બુંદો છલકાઈને પૃથ્વીના જે ચાર ભાગો પર પડી તે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનની ભૂમિઆ અને નદીઓ અમૃતમય બનીને પવિત્ર થઈ ગઈ અને ત્યારથી સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરાઓથી કુંભને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કુંભ મેળાના કુલ ચાર પ્રકારો છે. કુંભ મેળો, અર્ધ કુંભ મેળો, પૂર્ણ કુંભ મેળો અને મહાકુંભ મેળો જેમાં કુંભ મેળો દર ત્રણ વર્ષે આવે છે, તો અર્ધ કુંભ મેળો દર છ વર્ષે હરિદ્વાર અને સંગમના કિનારે યોજાય છે. દર ૧૨ વર્ષે પૂર્ણ કુંભ મેળો અને દર ૧૪૪ વર્ષે મહાકુંભ મેળો પ્રયાગરાજના પવિત્ર સંગમ દ્યાટ પર યોજાય છે. બીજી એક માન્યતા અનુસાર ગુરુ અથવા બૃહસ્પતિ ગ્રહને દેવોના ગુરુ માનવામાં આવે છે અને ગુરુ ગ્રહને પૂર્ણ રાશિમાં પરિવર્તિત થવામાં લગભગ ૧૨ વર્ષનો સમય લાગે છે તેથી પૂર્ણકુંભ દર ૧૨ વર્ષો પછી એક જ જગ્યાએ ઉજવવામાં આવે છે. કુંભ મેળા માટેનું સ્થળ સૂર્ય, ચંદ્ર અને ગુરુ તે સમયગાળામાં જુદી જુદી રાશિઓમાં ભ્રમણ કરે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.
હિંદુ પૌરાણિક કથાઓ અને પ્રાચીન પરંપરાઓ અનુસાર કુંભ મેળો હિન્દુઓનો એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે જે દર ત્રણ વર્ષમાં એકવાર અને દર ૧૨ વર્ષમાં ચાર વખત ભારતની પવિત્ર નદીઓના કિનારે આવેલા ચાર તીર્થસ્થાનો વચ્ચે ઉત્સવની માફક ઉજવવામાં આવે છે જેનું સ્થાન દર ત્રણ વર્ષે ફરતું રહે છે. આ સ્થાનો ઉત્તરાખંડમાં ગંગા નદી પર આવેલા હરિદ્વાર, મધ્ય પ્રદેશમાં શિપ્રા નદી પર આવેલ ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી પર આવેલ નાસિક અને ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુના અને સરસ્વતી જેવી ત્રણ પવિત્ર નદીઓના પ્રયાગરાજ ખાતે આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પર ઉજવવામાં આવે છે.
ઉતર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી ખુદ પોતે પણ ગોરખપુરમાં આવેલા હિન્દુ ગોરખનાથ મઠના પ્રમુખ મહંત હોય તેમણે મહાકુંભમાં અંગત રસ દાખવીને તેને લોકોના અવિસ્મરણીય સંભારણામાં તબદીલ કરવા માટે દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમુલ્ય સલાહ, સહકાર, સૂચના અને ૭૫૦૦ કરોડની ગ્રાન્ટની મદદથી વર્ષ ૨૦૨૫ના આ મહાકુંભ ડિજિટલ મેળાને ધરતી પરની અત્યાર સુધીની સૌથી મોટી મેગા ઈવેન્ટમાંથી જાયન્ટ ઈવેન્ટમાં કન્વર્ટ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.
આશરે ૪૫ ચોરસ કિ.મી.ના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા મહાકુંભ મેળાને મહા જીલ્લામાં કન્વર્ટ કરીને તેમાં સ્નાન કરવા માટેના ૧૨ કિ.મી.ના ૪૪ દ્યાટો બનાવવામાં આવેલા છે તેમજ રોજ રાત્રે મેળામાં જળ હળતી વિશેષ રોશની સંગમ શહેરની ભવ્યતામાં અનહદ વધારો કરે છે.
હવાઈ માર્ગે પ્રયાગરાજ સુધી પહોંચવા માટે સૌથી નજીકનું હવાઈ મથક પ્રયાગરાજ એરપોર્ટ છે જે સંગમ ઘાટથી ૧૮ કિલોમીટરના અંતરે આવેલું છે. રેલ માર્ગે પ્રયાગરાજ સુધી પહોંચવા માટે પ્રયાગરાજના કુલ ૧૦ રેલ્વે સ્ટેશનો છે જે શહેરના જુદા જુદા વિસ્તાર, કોલોની અને વોર્ડમાં સેવા આપે છે પરંતુ પ્રયાગરાજનું મુખ્ય રેલ મથક પ્રયાગરાજ જંકશન છે જે સંગમ ઘાટથી માત્ર ૮ કિલોમીટર દૂર છે. રોડ માર્ગે પ્રયાગરાજ સુધી પહોંચવા માટે સિવિલ લાઇન્સમાં આવેલું પ્રયાગરાજ બસ સ્ટેન્ડ સૌથી નજીકનું બસ સ્ટોપ છે જે સંગમ ઘાટથી માત્ર ૬ કિલોમીટરના અંતરે આવેલું છે.
૧૨ વર્ષના ચક્રમાં યોજાતો પૂર્ણ કુંભમેળો પૂરા ૧૨ પૂર્ણ કુંભમેળા પૂરા કર્યા પછી ૧૪૪ વર્ષે મહાકુંભ તરીકે ઉજવાય છે અને આ ચાલુ વર્ષ ૨૦૨૫માં ઉજવાનારો મહાકુંભનો આ મહામેળો પૂરા ૧૪૪ વર્ષો પૂરા કર્યા પછી આપણાં બધાના નસીબજોગે આપણાં સમયમાં આવ્યો છે તો ચાલો અત્યાર સુધીની પૃથ્વીના ઇતિહાસની સૌથી વધુ માનવ મહેરામણવાળી બધાયથી મોટી મેગા ઈવેન્ટ તરીકે ઉજવાનારા મહાકુંભના મહામેળામાં સ્નાન કરનારા અંદાજિત ૪૫ કરોડ કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ, ભક્તો, ભાવિકો, યાત્રાળુઓ અને મુલાકાતીઓમાંથી આપણે પણ એક હોવાનું સદભાગ્ય, સૌભાગ્ય અને સદનસીબ પ્રાપ્ત કરીએ.
મહાકુંભ મેળાની બુકિંગ સંબંધિત તેમજ અન્ય તમામ પ્રકારની માહિતી www.irctctourism.com/ mahakumbhgram તેમજ mahakumbh.in ની તેમની ઓફિસિયલ વેબસાઇટો તેમજ મોબાઈલ એપ Maha Kumbh Mela 2025 પર ઉપલબ્ધ છે તો ચાલો પ્રયાગરાજ જઈએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી ત્યાંની આધ્યાત્મિક સફરની આલોકિક અનુભૂતિ કરવા.

(2:33 PM IST)










