News of Thursday, 6th February 2025
સામે કેમ જોવો છો, મારું સોશિયલ નેટવર્ક જોયુ છે? તમારી પથારી ફેરવી નાંખીશ કહી કોમલ, હર્ષ સહિતની મારામારી
રિલાયન્સ મોલના બીજા માળે ડિસેમ્બરમાં થયેલી ધમાલમાં એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો :કટારીયા ચોકડી પાછળ રહેતો પ્રદિપ દાફડા પોતાની ભાણેજ, મિત્રો સાથે મોલના બીજા માળે નાસ્તો કરવા ગયો ત્યારે એક ટેબલ પર બેઠેલી યુવતિએ સામે કેમ જોવો છો? કહી ડખ્ખો કર્યા હતોઃ ઇન્સ્ટા આઇડી પરથી ઓળખ મેળવી પ્રદિપે હવે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૬: કટારીયા ચોકડી પાછળ ક્વાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાનને ગત ડિસેમ્બરમાં રિલાયન્સ મોલમાં મામાના દિકરા, ભાણેજ, મિત્રો સાથે ગયેલ ત્યારે સામેના ટેબલમાં બેઠેલી યુવતિએ આ યુવાનને તમારા મિત્રો કેમ સામે જોવે છે? કહી ઝઘડો કરી માથાકુટ કરતાં અને બાદમાં પાર્કિંગમાં જઇ ફરીથી ઝઘડો કરી તમે મારુ સોશિયલ મિડીયા નેટવર્ક જોયુ છે? તમારી પથારી ફેરવી નાખીશ કહી બીજા શખ્સો સાથે મળી ફરી મારકુટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે કટારીયા ચોકડી પાછળ પંડિત દિનદયાળ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં. જે-૧૦૦૨માં રહેતાં અને છુટક મજૂરી કરતાં પ્રદિપ લાલજીભાઇ દાફડા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કોમલ ગોસાઇ, હર્ષ, જીશાંત અને બે અજાણી છોકરી તથા તપાસમાં ખુલે તેની સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રદિપ દાફડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને છુટક મજૂરી કરુ છું. ૧૯/૧૨/૨૪ના રોજ હું અને મારા મામાનો દિકરો જતીન રમેશભાઇ પરમાર એમ બંને ૧૫૦ ફુટ રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં ઉપરના ભાગે બીજા માળે ફૂડ ઝોન છે ત્યાં ગયા હતાં. ત્યારે મારો ભત્રીજો સંકેત નરેશભાઇ દાફડા, ભાણેજ સેજલબેન ધાધલ અને મારો મિત્ર રાજ, જય સહિતના બેઠા હતાં. આ વખતે સામેના ટેબલમાં બેઠેલ કોમલ નામની યુવતિએ મારા મિત્રોને તું કેમ અમારી સામે તાકીને જુએ છે? તેમ કહેતાં મારા મિત્રોએ અમે તમારી સાથે નથી જોયુ તેમ જણાવવા છતાં કોમલ અને સાથેની છોકરીએ ગાળો દીધી હતી. અમે તેને અમારી સાથે પણ લેડીઝ છે આ રીતે ગેરવર્તન ન કરો તેમ કહેતા તેણે વધુ ગાળો દીધી હતી.
ઝઘડો શાંત કરવા મેં મારા મિત્રો રાજ અને જયને ત્યાંથી રવાના કરી દીધા હતાં. એ પછી ફરીથી કોમલ તથા સાથેનો હર્ષ અમારા ટેબલ પાસેઅ ાવ્યા હતાં અને મારા મિત્રો જતાં રહ્યા હોઇ તેના નામ અને મોબાઇલ નંબર માંગતા અને કેવા છે? તેમ પુછતાં મેં તેને અમે બધા દલિત છીએ તેમ જણાવ્યું હતું. આથી તેણે વધુ ઉશ્કેરાઇ જઇ જેમ તેમ બોલી સોશિયલ મિડીયાનું નેટવર્ક જોયુ છે? તમારી પથારી ફેરવી નાંખીશ. તેમ કહી ધમકી આપી હતી. આ વખતે સિક્યુરીટીવાળ આવતાં બધા વિખેરાઇ ગયા હતાં.
ત્યારબાદ અમે પાર્કિંગમાં ગાડી લેવા જતાં ત્યાં પણ આરોપીઓએ આવીને જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી ઉપર શું હોશીયારી કરતો તો? તારી સાથેનાઓને શું કામ ભગાડી દીધા? એને બોલાવ હવે મેથીપાક આપવો છે તેમ કહેતાં હું મિત્રને ફોન કરતો હતો ત્યાં આ લોકોએ મને મારકુટ ચાલુ કરી હતી.
એ દરમિયન હર્ષ નામના છોકરાએ પેન્ટના નેફામાંથી છરી કાઢી આ તારી સગી નહિ થાય તેમ કહી ધમકી આપી હતી. બાદમાં મને માર મારતાં ઉપરના ભાગે લઇ ગયા હતાં. ત્યારે મિત્ર જનતીન આવી જતાં મને બચાવ્યો હતો. તેને પણ આ લોકોએ માથા, આંખ પાસે અને શરીરે ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ કહ્યું હતું કે-આ બધાને ઓફિસે લઇ જઇ મજા ચખાડીએ. આ વખતે ફરી સિક્યુરીટી સ્ટાફ આવી જતાં અમને બચાવ્યા હતાં. પછી અમે પોલીસને ફોન કર્યો હતો. જે તે વખતે મારા મોટા ભાઇ અજયભાઇને જાણ કરતાં તે પણ આવી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલે લઇ ગયા હતાં. જતીનને ઓપીડી સારવાર અપાઇ હતી.
એ પછી અમે સોશિયલ મિડીયા ઇન્સ્ટાગ્રામમાં કોમુ ગોસાઇ નામ સર્ચ કરતાં આઇડીમાં અમારી સાથે ઝઘડો કરનાર યુવતિ જણાઇ હતી. તેની સાથે ફ્રેન્ડલિસ્ટમાં રાજા સંધીનું આઇડી હતી તે અમારી સાથે માથાકુટ કરનાર શખ્સ હતો. બીજાનું આઇડી પણ અમને મળ્યું હતું. તેની નકલ મેળવવામાં સમય જતાં મોડી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં પ્રદિપે કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએઅસાઇ આર. આર. કોઠીયાએ ગુનો દાખલ કરતાં એસીપી જે.વી. પટેલે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(4:06 PM IST)










