તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
લગ્નની સિઝનમાં વધારાની બસો દોડાવવાને બદલે રૂટીન રૂટો કેન્સલ કરતું એસ.ટી. તંત્ર
મુસાફરોને પડતી હાલાકી સામે હિતરક્ષક સમિતિએ ઉઠાવ્યો અવાજ

રાજકોટ તા. ૬ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલાની સંયુકત યાદીમાં જણાવે છે કે હાલ રાજકોટ એસ.ટી ડેપોમાં આવતી બસો અને રાજકોટ ડેપોની ઉપરથી બસો ધડાધડ કેન્સલ કરવામાં આવતા લગ્નગાળાની સીઝનમાં જ મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્ય ાછે.
અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ મેયર, ધારાસભ્યો પ્રયાગરાજ અને નવી આધુનિક વોલ્વો બસોને લીલી ઝંડી આપી વાહ વાહી મેળવે છે, ત્યારે સિક્કાની બીજી બાજુ મુસાફરોને રોજિંદી વર્ષોથી રૂટ પર ચાલતી બસો ડ્રાઇવર કંડકટરની અછતને પગલે બસ બંધ કરી દેવામાં આવે છે. ચાર પાંચ દિવસ સુધી જો ડ્રાઇવર કંડકટર રજા ઉપર હોય તો બસ ઉપડતી નથી.
રાજકોટ ડેપોમાં આજે તા.૬ ના સવારે ૫ વાગે ઉપડતી અને ૫-૨૦ ઉપડતી રાજકોટ જામનગર રાજકોટની રૂટની બસો બંધ છે. તદઉપરાંત ઉપરથી રાજકોટ આવતી બસો પણ કેન્સલ થઈ રહી છેે.
રાજકોટ અમદાવાદ રાજકોટ બસમાં કંડકટર વગરની બસો ચાલી રહી છે. તેમાં પણ એસ.ટી ને ભારે નુકસાન સહેવું પડે છે કારણ કે ચોટીલાથી અમદાવાદ જવા માટે ૧૦ પેસેન્જરો હોય તો એ પેસેન્જરોને કંડકટર ન હોવાને પગલે લઈ શકાતા નથી. જે પગલે આ મુસાફરોને પ્રાઇવેટ બસો તરફ નાછુટકે વળવુ પડે છે.
ડ્રાઇવર કંડકટરોની અછત હોય તો નવી ભરતી માટે ઉમેદવારી કરનારાઓને તક આપવી જોઇએ. આ અંગે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરી જુદા જુદા ડેપોમાં ફરજ પર લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.
(4:07 PM IST)










