<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રાજકોટમા ૧૩.૩ ડીગ્રીઃ પવનના લીધે ઠંડીનો વધુ અનુભવ

ગઇકાલ કરતા આજે ત્રણ ડીગ્રી તાપમાનમાં વધારો, ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન

રાજકોટઃ છેલ્લા બે ત્રણ દિવસથી ફરી ઠંડીનો અનુભવ થઇ રહયો છે. ફૂંકાતા ઠંડા પવનના લીધે વધુ ઠંડી વર્તાઇ રહી છે. રાજકોટ શહેરમાં આજે ૧૩.૩ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ૧૪ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાઇ રહયો છે.

કેટલાક દિવસોથી વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હતો. પહાડી પ્રદેશોમાં ફરી હિમવર્ષા થતાં રાજયમાં તાપમાનમાં ફરી ધટાડો થયો છે. રાજકોટમાં ગઇકાલે ન્‍યુનતમ તાપમાન ૧૦.૭ ડીગ્રી હતું જે આજે ૧૩.૩ ડીગ્રી નોંધાયું છે. તાપમાનમાં ત્રણેક ડીગ્રીનો વધારો થયો છે. પણ ઠંડા પવન ફૂંકાઇ રહયા છે. જેના લીધે વધુ ઠંડીનો અહેસાસ થઇ રહયો છે.

ઠંડીમાં વધઘટ થવાના લીધે શરદી, ઉધરસના કેસોમાં વધારો થયો છે. હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે આગામી દિવસોમાં ન્‍યુનતમ તાપમાન ૧૩ થી ૧પ ડીગ્રી આસપાસ રહેશે. હવે ધીમે-ધીમે ન્‍યુનતમ નોર્મલ તાપમાન વધશે. સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થશે. જયારે દિવસ દરમ્‍યાન આંશિક ગરમીનો અહેસાસ થશે.

 

(11:03 AM IST)