તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 7th February 2025
સાળાની ખબર કાઢી રાજકોટ પહોંચેલા ઇમિટેશનના વેપારી અલ્પેશભાઇ કલોલાનું હૃદય બેસી જતાં મોત
અમદાવાદથી રાજકોટ આવતી વખતે છાતીમાં દુઃખાવો થતાં રાજકોટ સગાને જાણ કરી બસમાંથી ઉતરી કાર મારફતે ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યાઃ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ પેડક રોડ કેયુર પાર્કના પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાની વધુ એક ઘટનામાં સામા કાંઠાના વેપારીનું મૃત્યુ થયું છે. તેઓ અમદાવાદથી સાળાની ખબર કાઢી રાજકોટ આવ્યા બાદ આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ પેડક રોડ કેયુર પાર્કમાં ક્રિષ્ના ખાતે રહેતાં અલ્પેશભાઇ તળશીભાઇ કલોલા (ઉ.વ.૪૬) ગઇકાલે તેમના સાળા વિપુલભાઇને અમદાવાદ ખાતે ઓપરેશન માટે દાખલ કરાયા હોઇ તેમની ખબર કાઢવા ગયા હતાં. સાંજે પરત રાજકોટ આવવા તેઓ અમદાવાદથી બસમાં બેઠા હતાં. બસ રાજકોટ નજીક પહોંચી ત્યારે તેમને છાતીમાં દુઃખાવો ઉપડતાં એક કાર રાજકોટ તરફ આવી રહી હોઇ તેના ચાલકે બસ ડ્રાઇવર સહિતે ઉભા રાખી અલ્પેશભાઇને ઝડપથી રાજકોટ પહોંચાડવા વિનંતી કરતાં કાર ચાલકે મદદ કરી હતી.
આ દરમિયાન અલ્પેશભાઇએ તેમના કુટુંબીજનોને જાણ કરતાં કુટુંબીજનો ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા હતાં. અલ્પેશભાઇને ત્યાંથી બેભાન જેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હાર્ટએટેક જીવલેણ નીવડયાનું સ્વજનોએ જણાવ્યુ઼ હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે ભાઇમાં અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. મોભીના મૃત્યુથી કલોલા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જમતી વખતે ઉલ્ટી થયા બાદ નેપાળી પ્રોૈઢનું મોત
સર્વેશ્વર ચોક બાલજી સ્ક્વેર બિલ્ડીંગમાં ચોકીદારની રૂમમાં પરિવાર સાથે રહેતાં અને અહિ જ ચોકીદારી કરતાં નેપાળના ડંબરબહાદુર ઉદયબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.૫૪) રાતે જમતા હતાં ત્યારે ઉલ્ટીઓ થવા માંડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:14 AM IST)










