<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રૈયાધારનો નરેશ ઓનલાઇન ગેમમાં રૃપિયા હારતાં બાઇક, પત્નિના દાગીના ગિરવે મુકી ૯૦ હજાર લીધાઃ પિતા વસ્તુ છોડાવવા જતાં ધમકી

રામાપીર ચોકડીએ મામાની મોજ નામે દૂકાન ધરાવતાં સંદિપસિંહે તમારે ૯૦ હજાર નહિ ૨.૮૨ લાખ દેવાના છે કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી બાબુભાઇને દૂકાનમાંથી કાઢી મુકયાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો :સામા પક્ષે દૂકાનદાર સંદિપસિંહ જાડેજાની પોતાની સાથે નરેશ જાદવે મની ટ્રાન્સફરના નામે વિશ્વાસ કેળવી ૩.૯૦ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૭ઃ રૈયાધાર કવાર્ટરમાં રહેતો યુવાન મોબાઇલમાં ઓનલાઇન ગેમમાં નાણા હારી જતાં તેણે પત્નિના સોનાના દાગીના અને પોતાનું બાઇક રામાપીર ચોકડીએ આવેલી મામાની મોજ નામની દૂકાનમાં મની ટ્રાન્સફરનું કામ કરતાં વેપારી પાસે ગિરવે મુકી ૯૦ હજાર લીધા હોઇ આ વાતની જાણ તેના પિતાને થતાં તે સગા પાસેથી ૯૦ હજાર લઇ દૂકાનદારને આપી દાગીના, બાઇક છોડાવવા જતાં દૂકાનદારે તમારે ૯૦ હજાર નહિ ૨,૮૨,૦૦૦ દેવાના છે તેમ કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી દૂકાનમાંથી કાઢી મુકતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે દૂકાનદાર વેપારીએ પણ રૈયાધારના શખ્સે વિશ્વાસ કેળવી અલગ અલગ સગાઓને અને ગેમીંગ એપમાં કટકે કટકે રૃા. ૩.૯૦ લાખ ટ્રાન્સફર કરાવડાવી રકમ ન ચુકવી ઠગાઇ કર્યાનો ગુનો દાખલ કરાવતાં તપાસ શરૃ થઇ છે.

આ બનાવમાં રૈયાધાર બાર માળીયા કવાર્ટર બી વીંગ કવાર્ટર નં. ૮૧૦માં રહેતાં રિક્ષાચાલક પિતા બાબુભાઇ રામજીભાઇ જાદવ (ઉ.વ.૪૬)એ રામાપીર ચોકડીએ દેવજીવન હોટેલ પાસે મામાની મોજ નામે મની ટ્રાન્સફરના કામની દૂકાન ચલાવતાં સંદિપસિંહ જાડેજા વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. બાબુભાઇએ જણાવ્યું છે કે મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. જેમાં મોટાનું નામ નરેશ છે. તા. ૨૬/૧/૨૫ના રોજ નરેશનું મોટરસાઇકલ ઘરે જોવા ન મળતાં મેં તેને આ બાબતે પુછતાં તેણે કહેલુ કે વીમામાં મુકયું છે, તે ખોટુ બોલતો હોવાનું લાગતાં તેને ડારો દઇને પુછતાં તેણે કહેલુ કે હું મોબાઇલમાં ગેમ રમવાના કારણે રૃીપયા હારી જતાં પૈસાની જરૃર ઉભી થતાં પત્નિ પાયલ પાસેથી સોનાના બે ચેઇન, સોનાનું પેનડલ, બે સોનાની વીંટી લીધી હતી અને મારુ શાઇન બાઇક જીજે૦૩એલઇ-૫૨૫૨ લઇને હું દેવજીવન હોટલ પાસે મામાની મોજ નામે દૂકાન ચલાવતાં સંદિપસિંહ જાડેજા પાસે ગયો હતો અને મેં આ બધી વસ્તુ ગિરવે મુકી તેની પાસેથી રૃા. ૯૦ હજાર લીધા છે તેમ કહ્યું હતું.

આથી હું સંદિપસિંહની દૂકાને ગયો હતો અને દાગીના, બાઇકની સામે માત્ર ૯૦ હજાર જ આપ્યા છે? તે અંગે પુછતાં અને અમે નાના માણસો હોઇ તેમ વાત કરતાં તેણે ૯૦ હજાર આપ્યા છે બીજો હિસાબ કરવાનો બાકી છે તેમ કહ્યું હતું. ત્યારબાદ મેં મારા બનવી મનસુખભાઇ રાઠોડને વાત કરતાં તે મને ૨૮/૧/૨૫ના રોજ ૯૦ હજાર આપી જતાચં હું આ રકમ સંદિપસિંહને આપી મારા દિકરાએ ગીરવે મુકેલ સોનાના દાગીના, બાઇક છોડાવવા જતાં સંદિપસિંહ તમારી પાસેથી ૯૦ હજાર નહિ, ૨,૮૨,૦૦૦ લેવાના નીકળે છે, તમારા દિકરાએ આ રકમ ટ્રાન્સફર કરાવી છે તેમ કહેતાં મેં તેને કટકે કટકે રકમ આપી દઇશ તેમ જણાવતાં તેણે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી પુરેપુરા પૈસા આપવા પડશે તેમ કહી થાય ધમકી આપી દુકાનમાંથી કાઢી મુકતાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં બાબુભાઇએ જણાવતાં  પીએસઆઇ આર. કે. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે ગાંધીગ્રામ ધરમનગર કવાર્ટર બ્લોક નં. ૧/૩૦ ખાતે રહેતાં સંદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી રૈયાધાર મેઇન રોડ સ્લમ કવાર્ટર નં. ૧૨માં રહેતાં નરેશ બાબુભાઇ જાદવ અને તપાસમાં ખુલે તેની સામે રૃા. ૩,૯૦,૦૦૦ની ઠગાઇનો ગુનો દાખલ કરાયો છે.

સંદિપસિંહ જાડેજા રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલની બાજુની શેરીમાં મામાની મોજનામે દૂકાનમાં બેસી બાર વર્ષથી વેપાર કરે છે. તેણે જણાવ્યું છે કે મારા બેંક એકાઉન્ટ ઇન્ડીયન બેંકમાં અને ફેડરલ બેંકમાં છે. તેમજ મની ટ્રાન્સફર કરવાનું એરટેલ પેમેન્ટ બેંક મારફત લાયસન્સ ધરાવુ છું. પાંચેક મહિના પહેલા રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો નરેશ બાબુભાઇ જાદવ મારી પાસે રૃપિયા ટ્રાન્સફર કરાવવા આવ્યો હતો. મેં તેને રકમ ટ્રાનસફર કરી આપી હતી. એ પછી નરેશ અવાર-નવાર આ કામ કરાવતો હોઇ હું તેને ફોન આવે તો પણ વિશ્વાસ રાખી પૈસા ટ્રાનસફર કરી દેતો હતો. તે પણ સમયસર રૃપિયા પાછા આપી જતો હોઇ અમારી વચ્ચે વિશ્વાસ બંધાયો હતો. બાદમાં ગત તા. ૯/૯/૨૪ના રોજ નરેશે મારી દુકાને આવી રૃા. ૨ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં અને પૈસા પછી આપી જશે તેમ કહ્યું હતું. જો કે થોડા દિવસ પછી મેં પૈસા પાછા માંગતા તેણે જો મેં કહેલા પૈસા ટ્રાન્સફર નહિ કરો તો તમારા બાકીના પૈસા નહિ આપુ તેમ કહ્યું હતું. મેં નરેશના કહેવાથી કટકે કટકે જુદી જુદી રકમ મારા બેંક ખાતાઓમાંથી ગૂગલ પે, ફોન પે, ઓનલાઇન નરેશના સગા સંબંધીઓને ટ્રાન્સફર કરી દીધી હતી. તેમજ નરેશના ઓનલાઇન ગેમીંગ સ્કેનરમાં પણ રકમ ટ્રાન્સફર કરી આપી હતી. આ રીતે મેં કુલ રૃા. ૩,૯૦,૦૦૦ની રકમ તેને આપી હતી. આ રકમ તેણે પાછી ન આપી ઠગાઇ કરતાં અંતે પોલીસને જાણ કરવી પડી હતી. તેમ વધુમાં સંદિપસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. એન. એમ. વાવેચાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(3:03 PM IST)