News of Friday, 7th February 2025
પાલિકા ચૂંટણીઃ ૪૧૧૦ કર્મચારીઓ તૈનાતઃ ૪પ૭ પોસ્ટલ બેલેટ ઇસ્યુ
કલેકટર પ્રભવ જોષીએ જાહેર કરેલ વિગતોઃ પાંચ પાલિકામાં ૭ બેઠકો બિનહરીફ જાહેરઃ કુલ ૧૬૮ બેઠકો ઉપર ૪૬૯ ઉમેદવારો મેદાનમાં : ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણી-૧૮ મીએ મત ગણત્રીઃ ૧૧ નોડલ ઓફિસરોઃ ખાસ કન્ટ્રોલ રૂમ નંબર (૦ર૮૧-ર૪૭૧પ૭૩) જાહેર કરાયો : તમામ પાલીકા-પંચાયતની બેઠકોની ચૂંટણી અંગે જુદા જુદા રિસીવીંગ-ડીસ્પેચીંગ તથા મતગણતરી કેન્દ્રો જાહેર કરાયા... : તમામ બૂથ ઉપર સ્ટાફ માટે પીવાનું પાણી-બેડીંગ-ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ... પાંચ સખી મતદાન મથકો બનાવાયા...

રાજકોટ તા. ૭ :.. રાજકોટ જીલ્લાની પ નગરપાલીકા તથા તાલુકા પંચાયતની ૬ બેઠકોની પેટા ચૂંટણી અંગે કલેકટરશ્રી પ્રભવ જોષીએ મહત્વની વિગતો જાહેર કરી, તેમણે જણાવેલ કે, આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કૂલ ૬ તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, તેમાં જસદણ નગરપાલિકામાં ૧ થી ૭ વોર્ડ માટેની ૨૮ બેઠકો પર ૬૪ ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે, જેમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ૧ થી ૧૧ વોર્ડ માટેની ૪૪ બેઠકો પર ૧૪૦ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે.
ધોરાજી નગરપાલિકામાં ૧ થી ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો પર ૧૧૦ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ભાયાવદર નગરપાલિકામાં ૧ થી ૬ વોર્ડ માટેની ૨૪ બેઠકો પર ૬૮ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ઉપલેટા નગરપાલિકામાં ૧ થી ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો પર ૮૭ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીઓમાં કૂલ ૧૬૮ બેઠકો પર કૂલ ૪૬૯ ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અત્યાર સુધીમાં કૂલ સાત બેઠકો બિન-હરીફ જાહેર કરાઈ છે.
નગરપાલિકાની ચૂંટણીઓની સાથોસાથ તાલુકા પંચાયતની કૂલ ૬ બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ગોંડલની એક બેઠક, ઉપલેટાની બે બેઠક, જેતપુરની એક બેઠક અને જસદણની બે બેઠક થઈને કૂલ ૬ બેઠક પર કૂલ ૧૨ ઉમેદવારોએ નામાંકન કર્યું છે.
નગરપાલિકાઓમાં ચૂંટણી ખર્ચની જોગવાઈ મુજબ, જે નગરપાલિકામાં ૯ કે તેથી ઓછા વોર્ડ હોય ત્યાં ઉમેદવાર દોઢ લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે. જે નગરપાલિકામાં ૯ કે તેથી વધુ વોર્ડ હોય ત્યાં ઉમેદવાર રૂ. ૨.૫ લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે છે.
નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ વહીવટી તંત્રના ૪૧૧૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે ૨૮૪ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સર્વીસ વોટર્સ માટે કૂલ ૧૭૩ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
ચૂંટણીની વિવિધ કામગીરી માટે કૂલ ૧૧ નોડલ ઓફિસરોની નિંમણુંક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હેલ્પલાઈન તથા ફરીયાદ કરવા માટે ૦૨૮૧-૨૪૭૧૫૭૩ નંબર નક્કી કરવામાં આવ્યો છે. તમામ બુથ ઉપર ચૂંટણી ફરજના સ્ટાફ માટે પીવાનું પાણી, બેડીંગ, ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કૂલ પાંચ સખી મતદાન મથકો નકકી કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ બેઠકોનું મતદાન આગામી તા. ૧૬/૦૨/૨૦૨૫ના રોજ કરવામાં આવશે અને મત ગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ કલાકથી કરવામાં આવશે.
નગરપાલિકા તથા તાલુકા પંચાયત માટે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ઘોરાજી નગરપાલિકા તથા મત ગણતરી કેન્દ્ર નવી ભગતસિંહજી હાઈસ્કૂલ,-ધોરાજી રહેશે. જેતપુર- નવાગઢ નગરપાલિકા સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ નેશનલ હાઇવે નવાગઢ જેતપુર રહેશે, ઉપલેટા નગરપાલિકા ટાવરવાળી તાલુકા શાળા, ઉપલેટા ભાયાવદર નગરપાલિકા કન્યા વિદ્યાલય ભાયાવદર રહેશે. જસદણ નગરપાલિકા મોડેલ સ્કુલ, જસદણ રહેશે.
તમામ મતદાન મથકો ઉપર સંવેદનશીલતાને ધ્યાને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
(3:06 PM IST)










