<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

નાના મવા રોડ નહેરૂનગરમાં યશ વરમોરાને ૪ મિત્રોએ છરીના ઘા ઝીંક્‍યાઃ હત્‍યાનો પ્રયાસ

મિત્રના લગ્નના ભોજન સમારંભમાંથી બહાર નીકળતાં જ જુના ચાર મિત્રોએ ઘેરી ડખ્‍ખો કર્યો : અમારે જેની સાથે ભળતું નથી એ વિપુલ બગથરીયા સાથે તું કેમ વારંવાર બેસે છે અને સંબંધ રાખે છે? કહી શાહરૂખ, જમાલ, સિકંદર અને કરણ બોરીચા તૂટી પડયાઃ માલવીયાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૭: શહેરના કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્ક પાસે રહેતાં અને ઓનલાઇન કંપનીના ડિલીવરીમેન તરીકે નોકરી કરતાં યુવાનને તે રાતે નાના મવા રોડ પર નહેરૂનગરમાં મિત્રના લગ્નપ્રસંગમાં જમીને  બહાર નીકળી બાજુની શેરીમાં પહોંચ્‍યો ત્‍યારે તેના જ જુના મિત્રોએ તેને આંતરી અમારે વિપુલ બગથરીયા સાથે ભળતું નથી તો તું શુ઼ કામ એની સાથે વારંવાર બેસે છે? કહી ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે ચાર શખ્‍સો સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્ક પાસે આદર્શ વાટીકા સોસાયટીમાં રહેતાં યશ રાજેશભાઇ વરમોરા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી નાના મવા રોડ નહેરૂનગરના કરણ બોરીચા, આરએમસી ક્‍વાર્ટરના શાહરૂખ કાસમ, જમાલ શેખ, સિકંદર ઉર્ફ સિકલો વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

યશ વરમોરાએ જણાવ્‍યું હતું કે હું ઓનલાઇન કંપનીના ડિલીવરીમેન તરીકે કામ કરી ગુજરાન ચલાવુ છું. ગુરૂવારે મારા મિત્ર વિક્રમસિંહ જાડેજા કે જે નાના મવા રોડ નહેરૂનગર--૪માં રહે છે તેના લગ્ન હોઇ હું તેમાં હાજરી પુરવા મારા મિત્ર જયમીન ગાજીપરા સાથે ગયો હતો. આ વખતે મારા મિત્રો કરણ બોરીચા, શાહરૂખ, જમાલ અને સિકંદર પણ લગ્નમાં આવ્‍યા હતાં. લગ્નમાંથી જમીને બહાર નીકળ્‍યા અને નહેરૂનગર-૫માં પહોંચ્‍યા ત્‍યારે મારા જુના મિત્ર કરણ, શાહરૂખ સહિતના સામે મળ્‍યા હતાં. આ વખતે શાહરૂખે મને ઉભો રાખ્‍યો હતો. મારે વિપુલ બગથરીયા સાથે મિત્રતા હોઇ તેની સાથે શાહરૂખ, કરણ સહિતને ભળતું નથી.

મને શાહરૂખ, કરણ સહિતે ઉભો રાખી કહેલું કે અમારે વિપુલ સાથે જુની અદાવત ચાલે છે, તું કેમ વિપુલ સાથે અવાર-નવાર બેસે છે? તેની સાથે તું કેમ સંબંધ રાખે છે? કહી ઝઘડો કર્યો હતો. એ દરમિયાન સાથેના કરણ, જમીલ, સિકંદર પણ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને હુમલો કરી મને ઢીકાપાુટનો માર માર્યો હતો. તેમજ કરણ, સિકંદર સહિતે છરીથી હુમલો કરી મને મારી નાખવાના ઇરાદે માથા, શરીરે ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. મને ગંભીર ઇજા પહોંચી હોઇ મારા મિત્રએ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

 

(3:08 PM IST)