<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

બ્રહ્મસમાજની વિરાટ સંસ્થા દુર્ગાધામ દ્વારા સંસ્કાર મૂલ્યોના જતન માટે રવિવારે 'સનાતનનો શંખનાદ'

બ્રહ્મસમાજનું ગીત પણ લોન્ચ કરાશે ઃ કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરતા પત્રકારો,મહાનુભાવોનું સન્માન તથા પરિચય મેળાનુ બાવળા પાસેના ગોરાણી રીસોર્ટ ખાતે આયોજન

રાજકોટ તા.૭ ઃ બ્રહ્મસમાજની વિરાટ સંસ્થા દુર્ગાધામ દ્વારા તા.૯ના રવિવારે સનાતનનો શંખનાદ, કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરતા મહાનુભાવોનું સન્માન તથા પરિચય મેળાનુ આયોજન ગોરાણી કલબ એન્ડ રિસોર્ટ ભામસરા-કાણોતર રોડ, તા. બાવળા, જિ. અમદાવાદ ખાતે સવારે ૯  વાગ્યાથી કરાયું છે.

આ કાર્યક્રમમાં ૧૦ જેટલા ધારાસભ્યો, ૧૦૦ જેટલી જ્ઞાતિઓના પ્રતિનિધિઓ સહિત સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ, સામાજિક કાર્યકરો અને યુવાનો, ગુજરાતનાં ઈતિહાસમાં પ્રથમવાર અંદાજીત ૧૦૦ જેટલી બ્રાહ્મણ જ્ઞાતિ અને અંદાજિત ૧૫,૦૦૦ જેટલા ભુદેવો ઉપસ્થિત રહેશે.તેમ દુર્ગાધામના વડા ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું.

સનાતનનો શંખનાદ કાર્યક્રમનો હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો, જ્ઞાતિ સંસ્કાર અને પરંપરાગત મૂલ્યો મજબૂત બનાવવાનો છે. રામમંદિર નિર્માણ, ત્રણ તલ્લાકનો નિર્ણય, વકફ બોર્ડમાં સંશોધન, ૩૭૦ કલમથી કાશ્મીરમાં મુકિત મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન આપવા ધન્યવાદ પ્રસ્તાવ પણ આ પ્રસંગે કરાશે.

ઉપરાંત દીકરીનાં લગ્નની ઉંમર ૧૮ ને બદલે ૨૧ વર્ષ કરવા અંગે ચર્ચા કરીને ઠરાવ મૂકવામાં આવશે. આંતરજાતીય લગ્ન અટકાવવા માટે જ્ઞાતિસંસ્કાર યજ્ઞના આયોજન માટેની પણ ચર્ચા કરાશે.

કાર્યક્રમમાં સરકારને ત્રણ મુદ્દા ઊપર વિચારણા કરવા અપીલ કરવામાં આવશે. 'સધર્મી લગ્ન કાનુન' લાવવા તેમજ છૂટાછેડાની બાબતમાં ઓનલાઇન ડેટા સાર્વજનિક કરવા પોર્ટલ બનાવવામાં આવે તેવી માંગણી છે.

સંસ્થા દ્વારા 'પરિચયથી પરિણય' પસંદગી મેળાનું પણ આયોજન કરાયું છે. ૧૧ દેશો અને ૧૩ પ્રદેશોના બ્રાહ્મણ પરિવારોનું પ્રથમ સંમેલન તેમજ સ્થળ પર ૨૦૦ મીટીંગનું પણ આયોજન કરાયું છે.

મોટી વયે થતાં લગ્નો રોકવામાં સકારાત્મક પરિવર્તન લાવવામાં પ્રયાસરૃપે ૨૫ વર્ષની ઉંમરે લગ્ન કરનાર ૧૦૦ દીકરીઓને ગોરાણી રિસોર્ટ ખાતે રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા અપાશે. તેમ ભાવેશ રાજયગુરૃ અને વિશ્વાસ શુકલની સંયુકત યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(3:10 PM IST)