<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સરાજાહેર નજીવી બાબતોમાં હથીયારો ઉગામી લેતા તત્‍વો સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી : પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા

બંને પક્ષે સમાધાન થઇ જશે તો પણ પોલીસ લીગલ એકશન લેશે

રાજકોટ, તા., ૭: નજીવી બાબતે સરાજાહેર હુમલાની ઘટનાઓ શહેરમાં વધી રહી છે. આ બાબતે આમજન અસલામતી અનુભવતો હોવાની અનેક ફરીયાદો માધ્‍યમોને મળી રહી છે ત્‍યારે આ બાબતે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, આવા બનાવો ક્ષણીક ગુસ્‍સાના કારણે બનતા હોય છે. પરંતુ તેની ઉંડી અસરો આમજન ઉપર પડે છે. આવી ઘટનાઓ અટકાવવા જે તે પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ અધિકારીઓને કડક વલણ અખત્‍યાર કરવા સુચના આપવામાં આવી છે. તાજેતરમાં સામાન્‍ય વાહન અકસ્‍માતમાં મહિલા સામે એક પુરૂષે યાજ્ઞીક રોડ ઉપર લોકોની ભરચક્ક અવર-જવર વચ્‍ચે ધારીયા જેવુ શષા ઉગામી લીધાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના સહિતની અનેક આવી ઘટનાઓથી શહેરના પ્રબુધ્‍ધ નાગરીકો ચિંતીત બન્‍યા છે. જો આવા કિસ્‍સામાં બંને પક્ષે સમાધાન થઇ જાય તો પણ પોલીસ યોગ્‍ય તપાસ કરી જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે તેવું પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝાએ જણાવ્‍યું હતું. તેમણે કહયું કે, ગંભીર ગુન્‍હાઓ ર થી વધુ વખત આચરતા ગુન્‍હેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી અને રાજકોટ સહિતના જુદા જુદા જીલ્લાઓમાંથી તડીપાર સહીતની કાર્યવાહી કરવામાં આવતી જ રહે છે. સરાજાહેર હુમલાની ઘટનાઓમાં પણ કડક પગલા લેતા પોલીસ અચકાશે નહિ.

(3:52 PM IST)