તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 7th February 2025
કાયદો હાથમાં લેનારાઓ ચેતે : પોલીસ પાસાનું શષા સજાવ્યું : એક વર્ષમાં ૧૦૧ અસામાજિકોને જેલના સળિયા ગણતા કરી લેવામાં આવ્યા
દારૂ, જુગાર, હત્યા, ચોરી, લુંટ, સાયબર ક્રાઇમ, હુમલા સહિતના બે થી વધુ ગુન્હા જેના શીરે નોંધાયેલા હતા તેવા ૧૦૧ અસામાજીકોને ૨૦૨૪ના વર્ષમાં જેલમાં ધકેલાયા : ર૦રપની શરૂઆતની ૩૮ દિવસમાં જ ૧૩ સામે પાસાનું શષા ઉગામતા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા

રાજકોટ, તા., ૭ : પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટીઝ એકટ (PASA) હેઠળ ૨ થી વધુ હળવા કે ભારે ગુન્હાઓ આચરતા ગુન્હેગારોને સમાજના હિતમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે. પાસાનું આ અમોઘ શષા ગુન્હેગારોની શાન ઠેકાણે લાવવા અને આમજનને સીધી જ અસર કરતી ગુન્હાહીત પ્રવૃતિ ઉપર લગામ નાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. પાસા હેઠળ કાયદાકીય પગલા લેવાની સતા પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ કમિશ્નર શ્રીની હોય છે. જયારે જીલ્લામાં જીલ્લા પોલીસ વડાની ભલામણ બાદ કલેકટર દ્વારા પાસા હેઠળના હુકમો થતા હોય છે. ર૦ર૩ ની સરખામણીમાં રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ર૦ર૪ ના વર્ષમાં વધુ ૪૧ ગુન્હેગારોને જેલના સળીયા ગણતા કરી દેવાયા હતા.
ર૦ર૩ની સાલમાં રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશન, બી ડીવીઝન પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ, ભકિતનગર, આજી ડેમ, થોરાળા, એલસીબી ઝોન-૧, પ્રદ્યુમન નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, રાજકોટ તાલુકા, એલસીબી ઝોન-ર, પીસીબી અને ડીસીબી દ્વારા ૬૦ ગુન્હેગારોને પાસામાં ધકેલવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશ્નર શ્રી દ્વારા મંજુરી મ્હોર મારવામાં આવી હતી. ર૦ર૪માં આ સંખ્યા વધીને ૧૦૧ ઉપર પહોંચી હતી. એટલે કે ર૦ર૩ની સરખામણીએ વધુ ૪૧ ગુન્હેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
હત્યા, હત્યાની કોશીષ જેવા શરીર સંબંધી અને ધાડ, લુંટ, સાયબ્ર ક્રાઇમ જેવા મિલ્કત વિરોધી ગુન્હાઓ ર થી વધુ વખત આચરનાર તત્વો સામે જે તે પોલીસ સ્ટેશન અને બ્રાન્ચ દ્વારા પાસા હેઠળ કાર્યવાહીની દરખાસ્ત કરવામાં આવે છે. જેનું યોગ્ય વિશ્લેષણ કરી જે તે અસામાજીકને પોલીસ કમિશ્નરશ્રીના હુકમથી જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ દરમિયાન કેદીઓને ગુન્હાહીત રસ્તો છોડી સમાજની મુખ્ય ધારામાં જોડાઇ જવા સમજાવવામાં આવે છે. કેટલાક ગુન્હેગારો સુધરીને બહાર આવે છે જયારે કેટલાક ગુન્હેગારો વધુ રીઢા બની બહાર આવે છે અને ફરી ગુન્હાઓ આચરે છે. પાસા હેઠળની કાયદાકીય પ્રક્રિયાનો મુખ્ય ઉદ્રેશ્ય ગુન્હાહીત પ્રવૃતિ તરફ વળેલા અસામાજીકોને ફરીથી સામાજીક બનાવવાનો છે.
ર૦રપની શરૂઆતના ૩૮ દિવસમાં જ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા વધુ ૧૩ ગુન્હેગારો સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ર૦ર૪ અને ર૦રપ ના શરૂઆતના દિવસોમાં મળીને ૧૧૪ અસામાજીકોને પાસા હેઠળ જેલના સળીયા ગણતા કરી દેવાયા છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સુચનાથી પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયા, રાજુભાઇ રામેશ્વર દયાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયા દ્વારા પાસાની દરખાસ્ત તો તૈયાર કરવામાં આવી હતી. જયારે જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર્સ શ્રી દ્વારા પણ પોતાના વિસ્તારના અસામાજીકો સામે પાસાની દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી. જેને શ્રી બ્રજેશ ઝાએ મંજુરી આપી હતી.
(3:53 PM IST)










