News of Friday, 7th February 2025
વાંચન અને લેખનનું વારંવાર પુનરાવર્તન એ સર્વાધિક માર્ક્સ મેળવવાનો સચોટ માર્ગ છે : કેશોદમાં ડો. સોમૈયાની ટીપ્સ

રાજકોટ : આશા, ઉત્સાહ, જિજ્ઞાસા, આતુરતા અને ધ્યાનપૂર્વક વાંચેલી, સાંભળેલી અને વિશેષ કરીને લખેલી અભ્યાસલક્ષી માહિતી કયારેય ભૂલાઈ નથી. દરરોજ નિયમિત વાંચન અને લેખનનું વારંવાર સ્મરણ, મનન તેમજ પુનરાવર્તન એ સર્વાધિક માર્ક્સ મેળવવાનો અને સફળતાનો સચોટ માર્ગ છે : આવા વિચારો પ્રેક્ટિકલ મોટીવેશનલ સ્પીકર ડૉ. ભાણજી એચ સોમૈયાએ સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદ મધ્યે વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા છાત્રો, સિદ્ધાર્થ હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષણના સારથિઓ એવા બાબુભાઈ રાવલિયા, પ્રિ. ભૂપતભાઈ ચાવડા, ગોવિંદભાઈ માવદિયા, ગગનભાઈ સોંદરવા, ભાણજીભાઈ મકવાણા, હરેશભાઈ રાવલિયા, જીવાભાઈ પરમાર, કે. પી. ગોહિલ, કનકસિંહભાઈ ગોહિલ, રણવીરભાઈ પરમાર, માનસિહભાઈ ડોડીયા, સી. કે. પરમાર, નારણભાઈ મકવાણા, કાંતિભાઈ ચુડાસમા, ભાણજીભાઈ રાઠોડના વરદહસ્તે ડૉ. ભાણજી એચ. સોમૈયા લિખિત પુસ્તક પાવર ઓફ માઈન્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં પ્રિન્સિપાલ ભૂપતભાઈ ચાવડાએ આવકાર આપીને ત્રિવિધ કાર્યક્રમ અંગે પ્રકાશ પાડયો હતો. વિવિધ છાત્રાલયોનું સંચાલન કરતા સંચાલકો તેમજ શાળામાં શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષા સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
(3:55 PM IST)










