તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
જેની સાથે પાંચ દિવસ પહેલા દિયરવટુ કર્યુ એણે ભાવના વાજેલીયાને પૈસાના ડખ્ખામાં પતાવી દીધી
જામનગર રોડ પર શેઠનગર સામેની ઝૂપડપટ્ટીનો બનાવઃ પરમ દિવસે મારકુટ થતાં અકસ્માતમાં ઇજા થયાનું કહી સારવાર અપાવાઇ હતી, ગઇકાલે બેભાન હાલતમાં ફરીથી હોસ્પિટલે ખસેડાતાં મૃત જાહેર થઇ હતીઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથામાં ઇજાનો રિપોર્ટ આવતાં ખૂનનો ગુનો નોંધાયો : હત્યા બાદ હીરો વાજેલીયા ગાયબઃ તેને શોધવા ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ડી. સ્ટાફની ટીમ કામે લાગી

રાજકોટ તા. ૮: શહેરના જામનગર રોડ પર શેઠનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતી ૩૦ વર્ષિય ભાવનાબેન અરજણ વાજેલીયા ગઇકાલે બપોર બાદ ઝૂપડામાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેણીને તબિબે મૃત જાહેર કરતાં મૃતકની હત્યા થયાનો આક્ષેપ તેણીની માતાએ કર્યો હતો. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં માથામાં ઇજાનો રિપોર્ટ આવ્યો હતો. તેના આધારે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ભાવનાબેનના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયા બાદ હજુ પાંચ દિવસ પહેલા જ તેણીએ દિયર હીરા વાજેલીયા સાથે દિયરવટુ કર્યુ હતું. આ બીજા પતિએ પૈસા મામલે કે અન્ય કારણે માથાકુટ કરી ધોકાના ઘા ફટકારી હત્યા કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરમ દિવસે ભાવનાબેનને અકસ્માતમાં ઇજા થયાની સારવાર સાથે દાખલ કરાયેલ, પછી રજા લઇ લીધી હતી. ગઇકાલે ફરીથી તેણીને બેભાન હાલતમાં લાવવામાં આવી હતી અને મૃત જાહેર કરાઇ હતી.
જાણવા મળ્યા મુજબ શેઠનગર સામે રહેતી ભાવનાબેન અરજણભાઇ વાજેલિયા (ઉ.વ.૩૦)ને ગઇકાલે સાંજે ચારેક વાગ્યે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણી ઘરે બેભાન થઇ ગયાનું જણાવાયું હતું. તબિબે તેણીને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીમેડમ, પીએઅસાઇ પી. જી. રોહડીયા, રાઇટર અમિતભાઇ કોરાટ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મળતકના ભાવનાબેનના શરીર પર ઈજાના કેટલાક નિશાન હતા, પરંતુ તે નિશાન તાજા છે કે જૂના તે સ્પષ્ટ ન થતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં માથામાં બોથડ ઇજાથી મોતનો રિપોર્ટ આવ્યો હતો.
ગઇકાલે જ મળતક ભાવનાબેનના માતા જીવતીબેન કવાભાઇ વાજેલિયાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે મારી દિકરી ભાવનાબેનના લગ્ન અરજણ વાજેલિયા સાથે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે, પતિ અરજણનું બે વર્ષ પહેલા બીમારીથી મળત્યુ થયું હતું. પાંચ દિવસ પહેલા જ ભાવનાબેનું દિયરવટુ અરજણના ભાઇ હિરા સાથે કરવામાં આવ્યું હતું, હિરો વાજેલિયા પણ પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. એક વર્ષ પહેલા તેના એક પુત્રનું મળત્યુ થયું હતું. જીવતીબેને વધુમાં કહ્યું હતું કે બુધવારે હિરો અને મારી દિકરી ભાવનાબેન વચ્ચે પૈસા મામલે ડખ્ખો થયો હતો. મારી દિકરીએ પૈસા આપવાની ના કહેતા હિરો ઉશ્કેરાયો હતો અને તેણે ધોકાના આડેધડ ઘા ભાવનાને માર્યા હતા.
પરમ દિવસે ભાવનાબેનને હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યારે તેણી ઇજાગ્રસ્ત હોઇ અકસ્માતમાં ઇજા થયાનું કહેવાયું હતું. પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી અને ગઇકાલે ફરી બેભાન હાલતમાં સિવિલમાં લાવવામાં આવી ત્યારે તેણીને મૃત જાહેર કરાઇ હતી. હીરો આ બનાવ પછી ગાયબ હોઇ હત્યાની શંકા દ્રઢ બની હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી જતાં પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ પી. જી. રોહડીયા, રાઇટર અમિતભાઇ, હંસરાજભાઇ સહિતે હત્યાનો ગુનો નોંધવા અને ડી. સ્ટાફની ટીમે આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
(3:52 PM IST)










