તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
હિરાસર એરપોર્ટઃ કાલે નવ નિર્મિત ટર્મિનલનું દબદબાભેર લોકાર્પણ
ઇન્ટરનેશનલ ફલાઇટ હેન્ડલ કરવા માટે તમામ જરૂરી છે ઇન્ફ્રાસ્ટકચર તૈયારઃ ર૦ ચેક-ઇન કાઉન્ટરઃ ૭ બોર્ડિંગ ગેટઃ પ કન્વેયર બેલ્ટની સુવિધા : એ-૩ર૧ પ્રકારના વિમાનો ઉતરી શકશેઃ ૪ એરોબ્રિજઃ ર૮૦૦ પ્રવાસીઓ હેન્ડલ થઇ શકશેઃ ઇમીગ્રેશન-કસ્ટમ્સ કાઉન્ટર પણ તૈયાર... : બે વીઆઇપી લોન્જઃ ર-બેબી કેર રૂમ, ૩-સ્મોકીંગ રૂમઃ ૩૦૦ કાર તથા ૭પ-ટુ વ્હીલર પાર્ક થઇ શકશે :પેસેન્જરો માટે ર૦ ચેક-ઇન કાઉન્ટરઃ ફુડ-બેવરેજીસ ઉપલબ્ધ ૪પ૦ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા :ડિર્પાચર અને અરાઇવલ એમ બંને હોલમાં કુલ ર૮ ઇમીગ્રેશન કાઉન્ટર બંને સ્થળે ખાસ કસ્ટમ્સ કાઉન્ટર

રાજકોટ, તા. ૮: જાન્યુઆરી - રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ તબક્કાવાર નિર્માણ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જેનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ગત તા. ૨૭ જુલાઈ, ૨૦૨૩ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હિરાસર એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના સંચાલન માટે જરૂરી સુવિધાઓમાં નિરંતર ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થઈ ચૂકયું છે. જેનું લોકાર્પણ આવતી કાલે દબદબાભેર સમારોહ કરવામાં આવશે.
આ બિલ્ડીંગ અંગે વિગત આપતા એરપોર્ટ અધિકારી સુત્રોએ જણાવ્યું કે, આ નવું ટર્મિનલ કુલ ૨૩ હજાર ચો.મી.ના વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જે પીક અવર્સ દરમિયાન ૨૮૦૦ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ કરાયું છે. અહીં કુલ ૭ ર્બોડિંગ ગેટ છે, જેમાં ૩ ગ્રાઉન્ડ ફલોર ર્બોડિંગ ગેટ દૂરથી પાર્ક કરેલા અને નાના એરક્રાફટના મુસાફરોના ઉપયોગ માટે છે. જયારે અન્ય ૪ ર્બોડિંગ ગેટ્સમાં પેસેન્જર ર્બોડિંગ બ્રિજ (એરોબ્રિજ) છે. જે ટર્મિનલને ૪ ર્પાકિંગ બેઝ સાથે જોડે છે. જે એ-૩૨૧ પ્રકારના એરક્રાફટને હેન્ડલ કરવા માટે સક્ષમ છે.
અહીં પેસેન્જરની સુવિધાઓમાં ૨૦ ચેક-ઇન કાઉન્ટર (કુલ ૩૬ કાઉન્ટરો માટે જોગવાઈ છે), ૫ કન્વેયર બેલ્ટ અને ફૂડ અને બેવરેજીસ (ખાદ્ય અને પીણા) સહીતની શોપ્સ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હાલમાં ટર્મિનલ બિલ્ડીંગમાં ૪૫૦ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે જરૂર પડે ત્યારે બેઠક ક્ષમતા વધારી શકાય એમ છે. બિલ્ડિંગમાં અરાઇવલ અને ડિપાર્ચર હોલમાં એક-એક એમ કુલ બે વીઆઇપી લાઉન્જ છે. અહીં ૨ બેબી કેર રૂમ અને ૩ સ્મોકિંગ રૂમ છે. એરપોર્ટના શહેરની બાજુનો વિસ્તાર ૩૦૦ કાર અને ૭૫ ટુ-વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથે વિકસાવવામાં આવ્યો છે.
નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. ડિપાર્ચર હોલમાં ૧૨ ઈમીગ્રેશન કાઉન્ટર અને અરાઈવલ હોલમાં ૧૬ ઈમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા છે. ડિપાર્ચર હોલ અને અરાઈવલ હોલમાં એક કસ્ટમ્સ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે.
(3:19 PM IST)










