<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કોઠારીયામાં પિન્‍ટુભાઈના ફલેટમાંથી ૧.૮૦ લાખની ચોરીઃ ઓળખીતો શખ્‍સ રાજ સીસીટીવીમાં દેખાયો

લાદી કામના કારીગરના પત્‍નિને બહાર જવું હોઈ કબાટમાં જોતાં દાગીના - રોકડ ગાયબ જણાયાઃ આજીડેમ પોલીસે શકમંદની શોધખોળ શરૂ કરી

રાજકોટ, તા.૮: કોઠારીયા નજીક રોલેક્ષ રોડ પર આવેલા સ્‍કાય વ્‍યુ એપાર્ટમેન્‍ટમાં રહેતા યુવાનના ફલેટને નિશાન બનાવી તેના જ ઓળખીતા શખ્‍સે ફલેટમાં પ્રવેશ કરી રોકડ તથા દાગીના મળી રૂ.૧.૮૦ લાખની માલમતા ચોરી જતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ પાસે રોલેક્ષ રોડ પર આવેલા સ્‍કાય વ્‍યુ એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૩૦૪માં રહેતા અને લાદી કામ કરતા પિન્‍ટુભાઈ વિનોદભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) એ આજીડેમ પોલીસમાં શકમંદ તરીકે રાજ મનીશભાઈ મેંદપરા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી છે. પિન્‍ટુભાઈએ જણાવ્‍યું છે કે હું લાદી કામ કરૂ છું. ગત તા.૧૬.૧૧.૨૪ના રોજ બપોરે હું મારા કામ અર્થે કુવાડવા રોડ, ડી.માર્ટ મોલ પાછળ હતો. ત્‍યારે પત્‍નીનો ફોન આવતા તેણે કહેલ કે ‘આપણા કબાટની તીજોરીમાં રોકડા રૂપીયા તથા ઘરેણા જોવામાં આવતા નથી.' તેમ વાત કરતા હું તુરંત જ ઘરે આવતા, પત્‍નીએ કહેલ કે મારે રૂપીયાની જરૂરત હોઈ જેથી કબાટની તીજોરીમાં જોતા તેમાં રાખેલ સોનાની વીટી ત્રણ, સોનાનો પેંડલ સાથેનો ચેઈન, નાકનો દાણો તથા રૂ.૧.૨૨ લાખ રોકડા જોવામાં આવેલ નહી. તેમ વાત કરતા મેં ફલેટ નીચે આવેલ અવધ મેડીકલ વાળા ઘનશ્‍યાનભાઈને અને મારી બાજુના ફલેટમાં રહેતા ભાઈ હરેશભાઈ રાઠોડને જાણ કરી હતી. ત્‍યારબાદ હું તથા મારોભાઈ ફલેટના સીસીટીવી કેમેરા જોતા ગઈ તા.૧૪/૧૧ના રોજ સાંજના સમયે અમે મહેમાન સાથે ફલેટનો દરવાજો લોક કરી જમવા માટે ગયા હતા. ત્‍યારે ફલેટ નીચે આવેલ અવધ મેડીકલ સ્‍ટોર પાસે અમારી સાથે બેસતો રાજ મનીશભાઈ મેંદપરા નામનો   શખ્‍સ એપાર્ટમેન્‍ટની લીફટમાં જતો દેખાયો હતો.

 બાદ આ રાજ મેંદપરાની શોધખોળ કરતા તેનો કોઈ પતો લાગ્‍યો ન હતો. બાદ ગઈ કાલે આજીડેમ પોલીસમાં જાણ કરતા પીએસઆઈ આર.એસ.સાખરા સહિતે સ્‍થળ પર પહોંચી પીન્‍ટુભાઈની ફરિયાદ દાખલ કરી શકમંદ રાજ મેંદપરાની શોધખોળ આદરી છે. આ બનાવમાં પીન્‍ટુભાઈ એ જણાવ્‍યું હતું કે એપાર્ટમેન્‍ટની નીચે આવેલા અવધ મેડીકલ સ્‍ટોર વાળા ઘનશ્‍યામભાઈ પાસે અવારનવાર બેસવા જતો હોય. ત્‍યાં છેલ્લા ચારેક મહિનાથી આ રાજ મેંદપરા ત્‍યાં બેસવા માટે આવતો હોઈ, તેથી મારે તેની સાથે આંખની ઓળખાણ હતી. ગત તા.૧૪/૧૧ના રોજ ઘરે મહેમાન આવ્‍યા હોઈ, તેથી તેની સાથે જમવા માટે બહાર ગયા હતા. ત્‍યારે મારા મોબાઈલમાં આ રાજનો ફોન આવેલ તેણે કહેલ કે ‘તમે કયાં છો' મેં કહેલ હું બહાર છું. તેણે કહેલ કે કેટલી વાર લાગશે? તેમ કહયું હતું. બાદ અમે જમીને પરત ઘરે આવી ગયા હતા. બાદ તા.૧૬/૧૧ના રોજ હું કામ અર્થે બહાર હતો, પત્‍નીને રાજનગર ચોક પાસે કાકાના ઘરે કથામાં જવાનું હોઈ અને તેને પૈસાની જરૂર પડતા તે કબાટમાંથી પૈસા કાઢવા જતા રોકડા તથા દાગીના જોવા ન મળતા મને જાણ કરી હતી. બાદ મેં તપાસ કરતા ગત તા.૧૪/૧૧ના રોજ આ રાજ મેંદપરા મારા ફલેટે આવ્‍યા હતો. ત્‍યારે પાડોશી તેને જોઈને ‘કોનું કામ છે?' પુછતા રાજે કહેલ કે હરેશભાઈનું કામ છે. તેમ કહયું હતું અને સીસીટીવી ફૂટેજમાં પણ રાજ એપાર્ટમેન્‍ટમાં પ્રવેશ કરી બાદ લીફટ મારફતે નીચે સેલરમાં પાર્કીંગની જગ્‍યામાંથી બહાર નીકળતો દેખાયો હતો. આથી પીન્‍ટુભાઈએ આ રાજ મેંદપરાએ ફલેટની ડૂપલીકેટ ચાવી બનાવી ચોરી કર્યાની શંકા વ્‍યકત કરી છે.

(4:03 PM IST)