તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
હવેથી કલેકટર કચેરીના દરેક પ્રાંત - મામલતદારોનું કાયમી મુસાફરી ભથ્થુ રદ્દઃ લોગબુક આધારીત વાહનોનો ઉપયોગ કરાશે
રાજકોટ સહિત રાજયભરના કલેકટરો ઉપર પરિપત્ર મોકલાયોઃ ગઇકાલથી જ અમલવારી... : અધીકારીઓ દ્વારા જે મુસાફરી કરાય તે માટે પેટ્રોલ-ડીઝલનો ખર્ચ તથા દૈનિક ભથ્થાનો ખર્ચ ચૂકવવાનો રહેશે

રાજકોટ તા. ૮: મહેસૂલ વિભાગ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારોને સરકારી કામકાજ અર્થે ફાળવવામાં આવેલ પેટ્રોલ/ડિઝલ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થુ ચૂકવવામાં આવે છે.
પેટ્રોલ/ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારો લક્ષમાં લઈ સરકાર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં ઠરાવથી સુધારો કરવામાં આવેલ હતો.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી સતત ચાલતી પ્રવળત્તિઓ, યોજનાઓ, કાર્યક્રમોને અસરકારક બનાવવા માટે ક્ષેત્રીય કામગીરી કરતા અધિકારીઓને અવાર-નવાર સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોઈ હવેથી પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓની જેમ લોગબુક ઉપર લાવવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
કાળજી પૂર્વકની પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વંચાણે લીધા ક્રમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૧/૨૦૨૨નો ઠરાવ આથી રદ કરી તેની જગ્યાએ પ્રાંત અધિકારી અને મામલતદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુક આધારીત વાહનનો ઉપયોગ કરવા આદેશો કરાયા છે.
વધુમાં આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાનો ખર્ચ ચુકવવાનો રહેશે.
લોગબુક આધારીત વાહનોના ઉપયોગ માટે ગુજરાત મુલ્કી સેવા (મુ.ભ.) નિયમો, ૨૦૦૨ તથા તેને આધિન સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વખતો વખતની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, આ પરીપત્ર ગઇકાલે બહાર પડયો છે, અને તે દિવસથી અમલમાં આવી ગયો છે.
(4:00 PM IST)










