<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ગોૈમાંસ વેંચવાના કેસમાં ફારૂક મુસાણી સહિત ત્રણ રિમાન્‍ડ પરઃ માંસ ક્‍યાંથી લાવ્‍યો તેની તપાસ

એફએસએલનો રિપોર્ટ ગોૈમાંસનો હોવા છતાં ફારૂકે એ માંસ પાડાનું હોવાનું રટણ ચાલુ રાખ્‍યું: આઇપી મિશન પાછળ ખાડાના મકાનમાં અગાઉ દરોડો પાડવામાં આવ્‍યો હતો

રાજકોટ તા. ૮: કેસરી પુલ રોડ આઇપી મીશન સ્‍કૂલ પાછળ ખાડામાં જય વેલનાથ મકાનની આગળ બે માળવાળા મકાનમાં ગોૈપ્રેમીઓએ ત્રાટકી ગોૈ માંસ વેંચાતુ હોવાની અરજી કરી હતી. બાદમાં તેના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં અંદર મળત પશુનું ચામડું ઊંધુ પડ્‍યું હતું, અને માંસના છુટાછવાયા ટુકડા પડ્‍યા હતા, કાળા કલરના શિંગડાવાળું માથું પણ મળ્‍યું હતું અને માંસ કાપવાના છરા પણ કબજે થયા હતા. પોલીસે સ્‍થળ પરથી કબજે કરેલા માંસમાંથી બે ડબ્‍બીમાં ૫૦-૫૦ ગ્રામ માંસના સેમ્‍પલ લઇને એફએસએલમાં મોકલ્‍યા હતા. સેમ્‍પલનું માંસ ગૌમાંસ હોવાનો ગત તા.૩ના એફએસએલ રિપોર્ટ આવ્‍યો હતો. આ રિપોર્ટને આધારે હેડકોન્‍સ. લાભુભાઇ જતાપરાની ફરિયાદ પરથી બે દિવસ પહેલા એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વકફ બોર્ડના આગેવાન સહિત ત્રણની ધરપકડ કરી રિમાન્‍ડ મેળવ્‍યા છે.

પોલીસે મોચીબજાર ખાટકીવાસના ફારૂક ઇબ્રાહીમ મુસાણી તેમજ  મનાન હારૂનભાઇ લીંગડીયા (જંગલેશ્વર) અને આબીદ ઉર્ફ યુનુસ મુસાણી (રહે. ખાટકીવાસ મોરબી રોડ)ની ધરપકડ કરી છે. ત્રણેયના એક દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં. આ લોકો ગોૈમાંસ ક્‍યાંથી લાવ્‍યા? કેટલા દિવસથી વેંચતા હતા? તે સહિતની તપાસ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ગોૈપ્રેમી ભાવીનભાઇ ઘીયાડ સહિતના કાર્યકરોએ ૧૭/૧ના રોજ અરજી આપી હતી કે આઇપી મિશન સ્‍કૂલ પાછળ ખાડામાં આવેલા મકાનમાં ગોૈ માંસ વેંચાય છે. તેમજ રિક્ષામાં પણ પશું માંસ પડયું છે. આ મામલે પોલીસે તપાસ કરી હતી અને માંસના ટુકડા નમુના માટે લઇ એફએસએલમાં મોકલ્‍યા હતાં. જેનો રિપોર્ટ આવ્‍યા બાદ ગુનો નોંધાયો હતો.

જો કે ઝડપાયેલો ફારૂક મુસાણી એફએસએલમાં ગોૈમાંસનો રિપોર્ટ આવ્‍યો હોવા છતાં એ માંસ પાડાનું હોવાનું રટણ કરી રહ્યો છે. આવતીકાલે પોલીસે ફારૂક સહિત ત્રણને રિમાન્‍ડ પુરા થયે કોર્ટમાં રજૂ કરશે.

(3:45 PM IST)