તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને છોડી દેવાનું માતાએ કહેતાં ૧૮ વર્ષિય યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત
વામ્બે આવાસ કવાર્ટરમાં બનાવઃ નર્સિંગની તૈયારી કરતી યુવતિ જલસારાણીએ માતા પાસે પહેરવાના બહાને સાડી માંગી અને રૂમમાં જઇ લટકી ગઇઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૮: શહેરના કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી અને નર્સિંગની તૈયારી કરી રહેલી અઢાર વર્ષની યુવતિને માતાએ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને છોડી દેવાનું કહેતાં તેણીને માઠુ લાગી જતાં માતાની સાડી પહેરવાના બહાને માંગી રૂમમાં જઇ સાડીથી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતી જલસારાણી જયંતિભાઇ પરીછા (ઉ.વ.૧૮) નામની યુવતિએ સવારે ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબીબ મારફત થતાં કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જે તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર જલસારાણી ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા હાઉસ કીપીંગનું કામ કરે છે. આ પરિવાર મુળ ઓરીસ્સાનો વતની છે.
પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ કહ્યું હતું કે જલસારાણી ધોરણ બાર કોમર્સનો અભ્યાસ કર્યા પછી નર્સિંગના અભ્યાસની તૈયારી કરી હતી. તે કેટલાક સમયથી કચ્છ તરફના વિનય નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડશીપમાં હતી. પરિવારને આની જાણ થતાં તેણીને આ ફ્રેન્ડશીપ મુકી દેવા સમજાવી હતી. આ કારણે માઠુ લાગતાં તેણે સવારે માતા પાસે પોતાને પહેરવી છે તેમ કહીને સાડી માંગી હતી અને બાદમાં તેનાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હેડકોન્સ. કિશનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન અને આશાસ્પદ દિકરીના આ પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:49 PM IST)










