News of Monday, 10th February 2025
ડી.ડી.ઓ. તરીકે ચાર્જ સંભાળતા આનંદુ સુરેશ ગોવિંદ
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં વિકાસને વધુ વેગ આપવા બેઠકોનો દોર

રાજકોટના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયત ખાતે શ્રી આનંદુ સુરેશ ગોવિંદએ ચાર્જ સંભાળેલ તે પ્રસંગની તસ્વીરમાં તેમને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ ઇલાબેન ગોહીલ, પ્રિયંક ગલચર અને જય ગોસ્વામી આવકારી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુકત થયેલા યુવા સનદી અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદએ આજે સવારે કાર્યભાર સંભાળ્યો છે. ડો.નવનાથ ગવ્હાણેની સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી બાદ એક મહિનાથી જગ્યા ખાલી પડી હતી. આજે તેમણે કાર્યકારી ડી.ડી.ઓ. શ્રી એ.કે.વસ્તાણી પાસેથી ચાર્જ સંભાળી જિલ્લા પંચાયત અંગેની પ્રાથમિક જાણકારી મેળવી હતી.
૩ર વર્ષના યુવા અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદ મૂળ કેરલના વતની અને ર૦૧૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ બી.ટેક (કેમીકલ એન્જીનીયરીંગ)ની પદવી ધરાવે છે. વલસાડના પારડીમાં મદદનિશ કલેકટર તરીકે તેમજ નવસારીના વાસંદામાં આદિવાસી ક્ષેત્ર સબપ્લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચુકયા છે. રાજકોટમાં ડી.ડી.ઓ. તરીકે જવાબદારી સંભાળતા તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમણે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં વિકાસ યાત્રાને વધુ વેગ આપવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
(2:18 PM IST)










