News of Monday, 10th February 2025
હનુમાન મઢી પાછળ રંગઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે દારૂડીયા કરે છે સોૈનું સ્વાગત!: રહેવાસીઓ ત્રાહીમામ : જુઓ વિડિયો
પાનની દુકાનના ખુણે ખુલ્લેઆમ કોથળીયું ખુલે, રંગ ઉપવનના ગેઇટ પાસે પણ આ જ રોજીંદો ક્રમ કોઇ નશાખોરોને ટપારે તો ગાળો ભાંડેઃ અગાઉ પોલીસે કડક કાર્યવાહી કરતાં શાંતિ હતીઃ ફરીથી ત્રાસ વધ્યો

રાજકોટ તા. ૧૦: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ આવેલી રંગ ઉપવન સોસાયટીના દ્વારે જ દારૂડીયાઓ રોજબરોજ અડ્ડો જમાવીને પડયા રહે છે. જે કોઇ આ સોસાયટી કે હિરામનનગર તરફના રસ્તે જાય તેનું આ નશાખોરો નાકા પર જ સ્વાગત કરે છે! આ રોજીંદો ક્રમ થઇ ગયો છે. ખુલ્લેઆમ કોથળીયું ખોલી ત્યાં જ ઢીંચે છે અને ત્યાં જ બેભાન થઇ પડયા રહે છે. કોઇ તેને હટાવવા જતાં તો ગાળોનો વરસાદ વરસાવે છે. આ મામલે આજે રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓએ રોષ પુર્વક રજૂઆત કરી હતી અને આવા નશેડીઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા અરજ કરી હતી.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે અહિ ઘણા વર્ષોથી નશોખોરો સોસાયટીના પ્રવેશદ્વાર પાસે પડયા પાથર્યા રહે છે. ગયા વર્ષે પણ અમે આ રજૂઆત કરી હતી ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પણ હવે ફરીથી આ ત્રાસ શરૂ થઇ ગયો છે. અમારે અહિ રહેવું મુશ્કેલ થઇ ગયું છે અને બહેન દિકરીઓને સોસાયટીમાંથી બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે તેવું થઇ ગયું છે. નશાખોરો સોસાયટીના નાકે જ કોથળીઓ ખોલે છે અને ત્યાં જ ઢીંચે છે, પછી ત્યાં જ પડી જાય છે. આ મામલે અગાઉ ધારાસભ્ય, પોલીસ કમિશનર સહિતને રજૂઆતો થતાં થોડો સમય શાંતિ રહી હતી. હવે ફરીથી નશાખોરો ત્રાસરૂપ બની ગયા છે. પોલીસ આકરી કાર્યવાહી કરી કાયમને માટે આ ત્રાસમાંથી રહેવાસીઓને મુક્ત કરાવે તેવી આજે ફરી એક વખત રહેવાસીઓએ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે માત્ર સાંજે જ નહિ સવારથી જ નશાખોરો નાકા પર ભેગા થઇ જાય છે અને દારૂની કોથળીઓ ખોલે છે. સંડેરી ડેરીવાળા રસ્તાના ખુણે પાનની દૂકાન પાસે આવા શખ્સો પડયા પાથર્યા રહે છે, અહિથી રંગ ઉપવન અને હિરામન નગરમાં જઇ શકાય છે. તો બીજી તરફ રંગ ઉપનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પણ આવા નશાખોરો પડયા પાથર્યા રહે છે. ઘણીવાર તો લોકોના ઘરની ડેલીઓ ખખડાવી પૈસા માંગે છે. તેને કોઇ ટપારે તો માથાકુટ કરવા માંડે છે. રહેવાસીઓએ નશાખોરોના વિડીયો, ફોટો પણ રજૂ કર્યા હતાં. તેમજ કાયમી પોલીસ ચોકી ચાલુ કરવા પણ માંગણી કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:07 PM IST)










