News of Monday, 10th February 2025
જૂગારની ઓનલાઇન આઇડીમાં ૨૦ લાખ હારી જતાં શાકભાજીના ધંધાર્થી રવિનું અપહરણઃ બેફામ ધોલાઇ
તારે ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ, નહિતર ગાડી બોલાવવી પડશ કહી પોલીસના નામે ધમકી : રામેશ્વર સોસાયટીનો ૨૫ વર્ષનો યુવાન ભાર્ગવ ચોટલીયા પાસેથી આઇડી લઇ રમ્યો હતોઃ ભાર્ગવ, ધ્રુવરાજ અને બે અજાણ્યાએ સહકાર રોડ પરથી ટુવ્હીલરમાં અપહરણ કરી રેસકોર્ષ રોડ પર લઇ જઇ પટ્ટા-ઢીકાપાટુનો માર માર્યોઃ ધમકી દઇ છોડી મુક્યોઃ ભક્તિનગર પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૧૦: ઓનલાઇન જૂગારના દૂષણને કારણે વધુ એક યુવાનને સહન કરવું પડયું છે. શાકભાજીનો ધંધો કરતો આ યુવાન એક પરિચીત શખ્સ પાસેથી આઇડી લઇ જૂગાર રમ્યો હોઇ આ યુવાનનું ૨૦ લાખની ઉઘરાણી મામલે આઇડી આપનાર સહિત ચાર જણાએ સહકારનગર રોડ જે માડી હોટલ પાસેથી અપહરણ કરી રેસકોર્ષ રોડ, બાલભવન પાસે લઇ જઇ કમરપટ્ટા, ઢીકાપાટુનો બેફામ માર મારી કાલ સુધીમાં રૂપિયા આપી દેજે નહિતર જીવતો નહિ રહે તેમ કહી ધમકી આપી છોડી મુકતાં તે સારવાર માટે દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કરી ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બે શખ્સે તારે રૂપિયા આપવાના જ છે, ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ, નહિતર ગાડી બોલાવવી પડશે કહી પોલીસના નામે ધમકી આપી હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે રામેશ્વર સોસાયટી-૯માં સ્કૂલ પાસે ખોડિયાર પાન નજીક રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં રવિ રમેશભાઇ ધ્રાંગીયા-જાદવ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ગોકુલનગરના ભાર્ગવ ચોટલીયા, ધ્રુવરાજ અને બે અજાણ્યા સામે ઓનલાઇન જૂગારની આઇડીના રૂા. ૨૦ લાખની ઉઘરાણી મામલે ટુવ્હીલરમાં અપહરણ કરી પટ્ટા અને ઢીકાપાટુનો માર મારી તેમજ ગુપ્ત ભાગે અનેજમણા હાથે પણ મુંઢ માર મારી ઇજા કરી ખૂનની ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રવિ ધ્રાંગીયાએ જણાવ્યું છે કે હું શાકભાજી વેંચી ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઇઓ છીએ, માર લગ્ન થયા નથી અને મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. શનિવારે રાતે સાડા દસેક વાગ્યે હું અને મ ારા કાકાનો દિકરો અશોક ભરતભાઇ જાદવ અમે બંને સહકારનગર મેઇન રોડ પર ‘જે માડી' નામની ચાની હોટલ પાસે બેઠા હતાં તે વખતે સાડા અગિયારેક વાગ્યે ભાર્ગવ ચોટલીયા એક્ટીવા લઇને આવ્યો હતો. હું બે વર્ષથી ઓનલાઇન આઇડી પર જૂગાર રમુ છું, છએક મહિનાથી ભાર્ગવના સંપર્કમાં આવતાં મેં તેની આઇડી લઇ તેમાં ઓનલાઇન જૂગાર રમવાનું ચાલુ કર્યુ હતું. જેથી મારે ભાર્ગવને આ જૂગારના રૂા. ૨૦ લાખ આપવાના હતાં.
ભાર્ગવે મારી પાસે આવી રૂપિયાની ઉઘરાણી કરી હતી. તે વખતે અજાણ્યો બીજો શખ્સ પણ ટુવ્હીલર લઇને આવ્યો હતો અને ભાર્ગવ પાસે ઉભો રહી ગયો હતો. બાદમા઼ બંનેએ મને કહેલું કે-તને ઘણા સમયથી શોધીએ છીએ. આ પછી બીજા બે અજાણ્યા એક્સેસ લઇને આવ્યા હતાં. તેણે પણ કહેલુ કે તારે ૨૦ લાખ આપવાના છે, એ આપી દે અને ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ, નહિતર ગાડી બોલાવીશ. આમ કહી મારો હાથ પકડી પરાણે એક્સેસ ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી દીધો હતો.
કાળા શર્ટવાળો અજાણ્યો ગાડી ચલાવતો હતો. તેની પાછળ મને બેસાડયો હતો અને મારી પાછળ જે બેઠો હતો તેને આગળવાળો ધ્રુવરાજ કહીને બોલાવતો હતો. ભાર્ગવ અને બીજો અજાણ્યો તેના વાહનમાં અમારી પાછળ આવતાં હતાં. આ બધા મારુ અપહરણ કરી મને રેસકોર્ષ બહુમાળી ચોકથી આગળ રોડ પર લઇ ગયા હતાં. જ્યાં સાઇડમાં ઉભો રાખી ચારેયએ પટ્ટાથી અને ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કર્યુ હતું. ધ્રુવરાજે મારા જમણા હાથની પહેલી આંગળી વાળી દીધી હતી. એ દરમિયાન ધ્રુવરાજને કોઇનો ફોન આવ્યો હતો. જેથી ભાર્ગવ અને અજાણ્યો ત્યાંથી જતા રહ્યા હતાં.
એ પછી ધ્રુવરાજ અને કાળા શર્ટવાળાએ મને ફરીથી એક્સેસમાં બેસાડયો હતો અને રેસકોર્ષ બાલભવનના ગેઇટની સામે લઇ ગયા હતાં. થોડીવાર ત્યાં ઉભા રહેતાં ફરીથી ભાર્ગવ અને અજાણ્યો આવ્યા હતાં. ફરીથી આ લોકોએ તારે ૨૦ લાખ દેવાના છે, નહિતર જીવતો નહિ રહેવા દઇએ કહી ફરી માર મારી ધમકી આપી હતી. ફરી ત્યાંથી ટુવ્હીલરમાં મને વચ્ચે બેસાડી ગેલેક્સી પાન સામે લઇ ગયા હતાં. આ વખતે ધ્રુવરાજના ફોનમાં ફોન આવેલો જેથી ધ્રુવરાજે મને કહેલુ કે-તારા બાપાનો ફોન ઉપાડ અને કહે કે હું મારા મિત્ર સાથે છું, સવારે આવી જઇશ. મેં આમ કરવાની ના પાડતાં મને કહેલુ કે કાલના દિવસમાં ૨૦ લાખની વ્યવસ્થા કરી નાખજે નહિતર જીવતો નહિ રહે. આ વખતે ધ્રુવરાજ પર ફરી કોઇનો ફોન આવેલો. બાદ મને કહેલુ કે તું અહિથી જતો રહે, આગળ બહુમાળી ચોકમાં તારા બાપા ઉભા છે. જેથી હું ત્યાં જતાં ત્યાં મારા પિતા નહોતાં. હું રિક્ષા કરી સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો.
એ પછી મારા પિતાનો ફોન આવતાં મેં તેને હું હોસ્પિટલે હોવાનું કહેતાં તે તથા બીજા સગા આવ્યા હતાં અને મને વધુ સારવાર માટે મધુરમ્ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. મને વાંસાના ભાગે, ગુપ્ત ભાગે અને જમણા હાથની આંગળીમાં વધુ દુઃખાવો હતો. માથામાં પણ મુંઢ માર માર્યો હોઇ સારવાર માટે દાખલ કરવામા઼ આવ્યો હતો. મારે ભાર્ગવને ઓનલાઇન આઇડીના ૨૦ લાખ આપવાના હોઇ તે રૂપિયા કઢાવવા તેણે બીજા શખ્સો ધ્રુવરાજ અને બે અજાણ્યાનો સાથ લઇ મારુ અપહરણ કરી બેફામ માર મારી ધમકી આપી હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં રવિએ કહેતાં ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રાઠોડે ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઇ વસાવાએ હાથ ધરી છે. (૧૪.૧૧)
(2:52 PM IST)










