News of Monday, 10th February 2025
બકાલી પાસેથી ટમેટા લેવા ઉભેલા જ્યોતિબાના ગળામાંથી બે બુકાનીધારી ચેઇન ખેંચી ગયા
કાલાવડ રોડ સ્વીમિંગ પૂલ પાછળ નંદનવન સોસાયટીમાં પંચરત્ન ટાવર પાસે બનાવ પોણા બે તોલાના ચેઈનની ઝોંટ મારી બંને બાઇક પર છનનનઃ યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૦: શહેરમાં ફરી ચિલઝડપકારો સક્રિય થયા છે. કાલાવડ રોડ સ્વીમિંગ પૂલ પાછળ નંદનવન સોસાયટીમાં રહેતાં મહિલા ઘર નજીક શાકભાજીની લારીએ ટમેટા લેવા ઉભા ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી ગળામાંથી પોણા બે તોલાનો ચેઇન ખેંચી ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ચેઇન ખેંચાવાના કારણે મહિલાને ગળામાં ઉઝરડો પણ થઇ ગયો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ સ્વીમિંગ પૂલ પાછળ નંદનવન સોસાયટી-૬, માતૃછાંયા ખાતે બ્લોક નં. ૩૦/૩માં રેતાં જ્યોતિબા સહદેવસિંહ વાળા (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યોતિબા વાળાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે બે દિકરા અને એક દિકરી છે. તા. ૮/૨ના રાતે નવેક વાગ્યે હું મારા ઘર પાસે વોકીગ કરતી હતી ત્યારે અમારા ઘરની બાજુમાં પંચરત્ન ટાવરના ગેઇટ નજીક શાકભાજીની લારીવાળો આવતાં હું શાકભાજી લેવા માટે લારી પાસે ઉભી હતી. અહિ હું ટમેટા વીણતી હતી અને દરમિયાન મારી ડોકમાં ઓચીંતુ ખેંચાણ આવતાં મેં જોતાં ગળામાંથી આશરે પોણા બે તોલાનો ચેઇન ખેંચીને બે શખ્સ બાઇક પર ભાગતાં દેખાયા હતાં. આ બંનેએ મોઢા પર રૂમાલ બાંધેલા હતાં. મેં બંનેને ઉભા રહો એવો અવાજ કર્યો હતો. પરંતુ બંને ભાગી ગયા હતાં.
ચેઇનની ચિલઝડપ થવાને કારણે મારા ગળા પર ઉઝરડો પડી ગયો હતો. હું તુરત ઘરે ગઇ હતી અને પતિ તથા પુત્ર કુલદિપસિંહને જાણ કરી હતી. તેમણે બહાર આવી તપાસ કરી હતી.
બાદમાં બીજા દિકરા કિરીટસિંહને પણ ઘટનાની જાણ કરાઇ હતી. અમે ઘરમેળે તપાસ કર્યા બાદ ચિલઝડપકારનો પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએઅસાઇ જયસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
(4:58 PM IST)










