News of Monday, 10th February 2025
RTO ના કર્મચારીઓ-ઇન્સ્પેકટરો આંદોલનના માર્ગે આજે રાજયભરમાં લોગઇન ઠપ્પઃ કાલે ૧ દિ'ની હડતાલ
રાજકોટમાં ડ્રાઇવીંગ ટેસ્ટ-લાયસન્સ-નામ ટ્રાન્સફર-લોન-ફિટનેસ-સહિતની કામગીરી અટકી ગઇ... : પડતર અનેક પ્રશ્નોઃ ખાસ કરીને ર૦૧૮ની નિમણુંક વાળાને હજુ કાયમી ઓર્ડર નથી અપાયા પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો ૧પમીથી બેમુદતી હડતાલ...

રાજકોટ તા. ૧૦: રાજકોટ સહિત રાજયભરમાં RTO કર્મચારીઓ-ઇન્સ્પેકટરો-આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરો આજથી આંદોલનના માર્ગે ચડયા છે, હજારો કર્મચારીઓ-ઇન્સ્પેકટરોએ આજે રાજકોટ સહિત રાજયભરમાં લોગઇન નહીં કરતા અનેક કામગીરીઓ અટકી પડી હતી.
રાજકોટમાં ડ્રાઇવીંગ ટેસ્ટ, લાયસન્સ, નામ ટ્રાન્સફર, લોન, ફિટનેસ, સહિતની કામગીરી અટકી જતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો, પડતર અનેક પ્રશ્નોનો નિકાલ થયો નથી, ખાસ કરીને ર૦૧૮ની નિમણુંક વાળાને હજુ કાયમી ઓર્ડર નથી અપાયા તે મુખ્ય પ્રશ્ન છે, રાજકોટમાં કૂલ રપ ટેકનિકલ અધિકારીઓ આંદોલનમાં જોડાયા છે, જો હજુ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો કાલે રાજકોટ સહિત રાજયભરના હજારો RTO કર્મચારીઓ ૧ દિવસની હડતાલ ઉપર ઉતરી જશે, અને આમ છતાં કોઇ બાબત હલ નહિં થાય તો, ૧પમીથી બેમુદતી હડતાલનું પણ એલાન અપાયું છે.
રાજકોટના રપ સહિત રાજયભરના અનેક RTO ઇન્સ્પેકટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરના પડતર પ્રશ્નોને લઇ હાલ જંગ ચાલી રહ્યો છે. રાજકોટમાં ર૦૧૮માં નિમણુંક થયેલા ૧ર આસી. ઇન્સ્પે.માંથી માત્ર ૪ને પ્રોબેશનલ પૂર્ણ આવ્યું પરંતુ હજુ સુધી ૮ને ન આવતા તેમનું પ્રમોશન અને કાયમી ધોરણ થતા અટકયું છે. વારંવાર રજુઆત છતાં પણ ચાર વર્ષથી પ્રમોશન હુકમ ન થતા આંદોલન શરૂ કર્યું છે. જેમાં પહેલા અધિકારીઓને આવેદન પત્ર લખ્યા બાદ કાળી પટ્ટી બાંધીને ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં અને વર્ક ટુ રૂલ તરીકે વિરોધ દર્શાવ્યો હતો.
(3:00 PM IST)










