<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ફાકી, સિગારેટ, પાણી લીધા પછી પૈસા દેવાને બદલે રવિએ છરી કાઢી વેપારીને ધમકાવ્‍યા

ગોંડલ રોડ ચોકડીએ આવેલી દૂકાને મોડી રાતે લુખ્‍ખાગીરીની ઘટના એકેય રૂપિયો આપવાનો થતો નથી, પોલીસ પણ મારું કંઇ ન કરી શકે કહી સીન જમાવી બીજા ગ્રાહકો સામે પણ ખેલ કર્યાઃ આજીડેમ પોલીસે વેપારી છગનભાઇ જોલાંધરાના પુત્ર નીતિન જોલાંધરાની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૧૦: ગોંડલ રોડ ચોકડીએ ચા-પાનની દૂકાન ધરાવતાં વેપારી રાતે દૂકાને હતાં ત્‍યારે એક શખ્‍સે આવી ફાકી, સિગારેટ અને પાણીની બોટલ લીધા બાદ વેપારીએ પૈસા માંગતા ‘એકેય રૂપિયા આપવાના થતાં નથી' કહી ગુંડાગીરી આચરી જો ફરિયાદ કરશો તો મારી નાંખીશ કહી છરી બતાવી ધમકાવતાં અને બીજા ગ્રાહકો સામે પણ સીનસપાટા કરતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા ડાયમંડ પાર્ટી પ્‍લોટ સામે જય પાર્કમાં રહેતાં અને ગોંડલ ચોકડીએ મહિરાજ હોટલ પાસે ત્રિલોક હોટલ આગળ ચા-પાણીની દૂકાન ચલાવતાં નીતિનભાઇ છગનભાઇ જાલોંધરા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી રવિ ગોસ્‍વામી સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

નિતીનભાઇએ જણાવ્‍યું છે કે રવિવારે સવારે નવેક વાગ્‍યે હું મારા ઘરે હતો તે વખતે મારા પિતાજી છગનભાઇ જાલોંધરા કે જેઓ રાત્રે દુકાન સંભાળે છે તેમણે દુકાનેથી ઘરે આવી વાત કરી હતી કે રાતે ત્રણેક વાગ્‍યે તે તથા કારીગર અમિત અને નાનજીભાઇ દુકાને હતાં ત્‍યારે રવિ ગોસ્‍વામીએ દૂકાને આવી સિગારેટ, ફાકી-માવો અને પાણીની બોટલ માંગ્‍યા હતાં. આ વસ્‍તુ તેને આપ્‍યા બાદ તેની પાસે પૈસા માંગતા તેણે ‘એકેય રૂપિયા આપવાના થતાં નથી' કહી નેફામાંથી છરી કાઢી ‘જો મારી પાસે રૂપિયા માંગ્‍યા તો આટલી જ વાર લાગશે' કહી છરી બતાવી ગાળો દીધી હતી. તેમજ રવિએ બીજા ગ્રાહકો ઉભા હોઇ તેને પણ હેરાન કર્યા હતાં.

આ ઉપરાંત રવિએ પોલીસ પણ મારુ કંઇ કરી નહિ શકે તેમ કહી જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ વાત મારા પિતાજીએ મને કરતાં અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં નીતિનભાઇએ કહેતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:27 PM IST)