News of Monday, 10th February 2025
ઢેબર રોડ પહોળો કરવા મકાન કપાતની નોટીસઃ રોષ
આવાસ યોજનામાં આવાસ ફાળવવા મુદે મ્યુનિસિપલ કમિશનરે વિસ્તારવાસીઓની રજુઆત

રાજકોટ તા. ૧૦: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક ભારણને હળવો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પહોળા કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત અનેક રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકી કપાતમાં આવતી મિલ્કતોને નોટીસ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ઢેબર રોડ ઉપર બાબરિયા કોલોની વિસ્તારમાં લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ રોડ પહોળો કરવા દરમિયાન કપાતમાં આવતા ૧૯ મકાન માલીકોને નોટીસ અપાતા તેઓએ આજે કોર્પોરેશન ખાતે આવી ઘરનો આશરો છીનવવામાં ન આવે તેવી વિનંતી સાથે આવાસ યોજનામાં દરેક પરિવારોને આવાસ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આ અંગે વિસ્તારવાસીઓની રજુઆતમાં જણાવેલ છે કે, રાજકોટના સર્વે નં. ૩૨૫ પૈકીની આવેલ જમીમાં અમો કુલ ૧૯ વ્યકિતઓના પરિવાર રહે છે, સદરહુ જમીન અમોને મામલતદાર શહેરી જમીન ટોચ મર્યાદા, રાજકોટ તરફથી તા.૩૧ માર્ચ ૧૯૯૨ ના રોજ અમોને ફાળવવામાં આવેલ છે.
૧૯ લોકો અમારા પરિવાર સાથે છેલ્લા ૩૩ વર્ષથી વસવાટ કરીએ છીએ, કપાતગ્રસ્ત પાસે રહેવા માટે અન્ય કોઈ જગ્યા નથી તેમજ અમો ખુબ ગરીબ વર્ગના માણસો છીએ શાકભાજીનું વેચાણ કરીને અમારા પરિવારનું ભરણપોષણ કરીએ છીએ. સદરહુ જગ્યા પર ટી.પી. સ્કીમ અંતર્ગત કપાત થવા અંગેની નોટીસ અમોને નીચે દર્શાવેલ સંદર્ભના પત્રથી મળેલ છે. જેમાં અમો ૧૯ પરિવારમાંથી ૮ પરિવારના મકાન પુરેપુરા કપાત થાય છે તેમજ અન્ય ૧૦ પરિવારના મકાન થોડા ઘણા અંશે કપાતમાં આવે છે. આમ સદરહુ ટી.પી. સ્કીમ અંતર્ગત કપાત થતા ઉપરોકત ૧૯ પરિવારને રહેવા લાયક મકાનો રહેતા નથી.
અમારી રજુઆત છે કે સદરહુ ટી.પી.સ્કીમ અંતર્ગત કપાત થતી જગ્યાના અવેજમાં અમોને અમારા રહેણાંકની નજીકમાં અન્ય જગ્યાએ રહેવા માટે કોઈ વૈકલ્પીક જગ્યા/જમીન ફાળવી આપવા વિનંતી છે અથવા તો અમોને કપાત થતી જગ્યાની અવેજમાં સરકારશ્રી તરફથી બનાવવામાં આવતા આવાસોમાં દરેકને આવાસ ફાળવી આપવા માટે વિનંતી છે. જો અમોને વૈકલ્પિક જગ્યા ફાળવાતા પહેલા ખાલી કરાવવામાં આવશે તો અમો તથા અમારો પરિવાર આશરા વિહોણો અને રોડ પર આવી જશુ જેથી અમોને ખાલી કરાવડાતા પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવવા નમ્ર અરજ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૨.૧૮)
(3:35 PM IST)










