News of Monday, 10th February 2025
અમીન માર્ગ પર નીલ્સ મોબાઇલમાંથી કર્મચારી ૧.૩૧ લાખના ચાર મોબાઇલ ફોન ચોરી ગયો
એક મહિનાથી નોકરી કરતો મીત શુક્લા દુકાનની બીજી ચાવી પોતાની પાસે રહેતી હોઇ તેનો ઉપયોગ કરી હાથફેરો કરી ગયોઃ ઘટના કેમેરામાં કેદઃ વેપારી નીલ તન્નાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: શહેરના અમીન માર્ગ પર મોબાઇલ ફોનની દૂકાન ચલાવતાં વેપારી યુવાને એક મહિનાથી નોકરી પર રાખેલો શખ્સ તેની પાસે દુકાનની બીજી ચાવી રહેતી હોઇ તેનાથી તાળા ખોલી અલગ અલગ કંપનીના રૂા. ૧,૩૧,૦૦૦ના ચાર મોબાઇલ ફોન ચોરીને ગાયબ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવી છે. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે કોઠારીયા રોડ ચારણવાડીની પાછળ ગ્રીનપાર્ક-૬માં રહેતાં અને અમીન માર્ગ પર નીલસ્ મોબાઇલ નામે દૂકાન ધરાવતાં નીલ મહેશભાઇ તન્ના (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ જે કે ચોક પાસે પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં રહેતાં મીત પ્રતિકભાઇ શુક્લ વિરૂધ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.
નીલ તન્નાએ જણાવ્યું છે કે હું નીલ્સ મોબાઇલ નામે દૂકાનમાં બેસી વેપાર કરુ છું. મારી આ દુકાનમાં મીત શુક્લા એકાદ મહિનાથી નોકરી કરતો હતો. દુકાનની એક ચાવી મીતને મેં આપી હતી. તા. ૧૬/૧૨/૨૪ના બપોરે બે વાગ્યે હું દુકાને હતો ત્યારે દુકાનમાં સેમસંગ, વન પ્લસ, એપલના ફોન વેપાર અર્થે રાખેલા હોઇ તે દુકાનના ટેબલના ખાનામાં ઓછા જોવા મળતાં મેં કેમેરા ચેક કરતાં તા. ૧૫/૧૨ના રાતે અગિયારેક વાગ્યે મારી દુકાનમાં કામ કરતો મીત શુક્લા દુકાનો ખોલી મોબાઇલ ફોન ચોરી કરી લઇ જતો દેખાયો હતો.
મીત મારી દૂકાનમાંથી સેમસંગ ગેલેક્સી એસ-૨૨ રૂા. ૩૫ હજારનો, એપલ આઇફોન ૧૩ પ્રો રૂા. ૩૮ હજારનો, વન પ્લસ નોર્ડ સીઇ-૨ રૂા. ૧૮ હજારનો અને સેમસંગ ફોલ૯ રૂા. ૪૦ હજારનો મળી કુલ રૂા. ૧,૩૧,૦૦૦ના ફોન હતાં. મેં મીતનો મારી રીતે સતત કોન્ટેક્ટ કરતાં તેનો ફોન બંધ આવતો હોઇ અને શોધખોળ કરવા છતાં તે મળતો ન હોઇ તેને હું ઓળખતો હોવાથી તે ફોન આપી દેશે તેમ લાગતું હોઇ મેં તેના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે તેના માતાએ પણ મીત તારા ફોન આપી દેશે તેમ કહ્યું હોઇ મેં રાહ જોઇ હતી. પરંતુ આજ સુધી તેણે મારા ફોન ન આપતાં અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં નીલ તન્નાએ કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:07 PM IST)










