<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજકોટના ભુઇ ચકુમાના ધતિંગ બંધ કરાવતુ વિજ્ઞાન જાથા

૧૨૬૧ મો પર્દાફાશ : ઘરમાં જ માતાજીનો મઢ બનાવી દોરા ધાગાની વિધિ કરાતી : રૂ.૫ હજારથી લઇને રૂ.૧ લાખ સુધીની ફી વસુલાતી

રાજકોટ તા. ૧૦ : અહીંના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દોરા-ધાગા જોવાનું કામ કરતા ભુઇ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઇ ભોજાણીના ધતીંગનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરી આવી ધતીંગલીલા કાયમ માટે બંધ કરાવી છે.

વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્‍યા મુજબ જાથાના કાર્યાલયે થોડા દિવસ પહેલા મેઘમાયાનગરના લોકોએ રૂબરૂ આવી ભુઇમાના કરતુતો સંબંધી માતી આપી હતી. ભોજાણી પરિવારના ભૂઇમા દોરા-ધાગા, મંત્ર-તંત્ર, માતાજીનો ખૌફ બતાવી ભોળા લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોવાની વાત કરાઇ હતી. લીંબુ-મરચા, લોટના પૂતળા, ઉતારની વિધિ કરી ગમે તેના આંગણામાં ફેંકતા હોય આસપાસના લોકોને ત્રાસ વધી ગયો છે. કોઇ કાઇ કહે તો ડરાવી ધમકાવી કાઢી મુકતા.

ભૂઇમાનો પતિ સાયકલ પર કેમીકલ્‍સનું વેંચાણ કરે છે. જયારે ભુઇમાં દોરા-ધાગાની વિધિ કરવાના પ હજારથી લઇને રૂ.૧ લાખ જેવી રકમ વસુલતા હોવાની વાત આ રજુઆતમાં કરાઇ હતી.

જાથાની ટીમે માહીતીના આધારે ખરાઇ કરતા ભુઇમાંએ તેમને પણ ચાર ચોકમાં વિધિ કરવાની વાત કરી ચાર પાંચ હજારનો ખર્ચ બતાવતા ટોકન રકમ આપી દેવાઇ હતી. બાદમાં પોલીસ બંદોબસ્‍ત સાથે પુરી તૈયારી કરી જાથાની ટીમ પર્દાફાશ માટે પહોંચી ગઇ હતી.

જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, ભાર્ગવ જોશી, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઇ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલ, સ્‍થાનિક માલવીયાનગર પોલીસ સ્‍ટાફના એ.એસ.આઇ. ડી. જી. ઝાલા, મહીલા પોલીસ રશ્‍મિતાબેન, નુરીબેન, પો.કર્મી. દિગ્‍વિજયસિંહ, ભાવીકભાઇ સહીતનાની ટીમ પોલીસ જીપ્‍સી સાથે ભુઇ ચકુમાના ઘરે પહોંચી હતી.

જાથાની ટીમે પરીચય આપતા જ ભુઇમાં સ્‍તબ્‍ધ થઇ ગયા હતા. તેમના દિકરાએ ઉંચા અવાજે બોલવાનું શરૂ કરતા પોલીસે કાયદાની ભાષામાં સમજાવી દીધો હતો. જો કે ભુઇ મહિલા અને તેમના પરિવારે દોરા-ધાગા અને જોવાનું કામ કાયમી માટે બંધ કરવાનું કબુલાતનામુ આપતા મામલો પુર્ણ જાહેર કરાયો હતો.  ભુઇ નિતાબેન ભોજાણીએ પણ લોકોની માફી માંગી કાયમ માટે જોવાનું દોરા-ધાગાનું કામ બંધ કરાવા કબુલાતનામામાં સહી કરી આપી હતી. પોલીસે અટકાયતી સંબંધી પગલા લીધા હતા. તેમ જાથાની યાદીમાં જણાવાયુ છે.

(4:14 PM IST)