News of Monday, 10th February 2025
૪ દાયકા જુની ધમસાણીયા કોલેજ ક્રમશઃ બંધ થશે
ધંધાદારી ખાનગી કોલેજોને છુટો દૌરઃ સરકારી ગ્રાન્ટેડ કોલેજ સામે સરકારની કડકાઇ, નાણાંભીડ, સ્ટાફની અછત સહીતના પ્રશ્ને ટ્રસ્ટે રાજય સરકાર- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બંધ કરવા માંગ કરતી રજુઆત કરી

રાજકોટ તા.૧૦: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેનાર શ્રી એમ.ટી.ધમસાણીયા કોલેજ ઓફ કોમર્સ ક્રમશઃ બંધ કરવાનો પત્ર દ્વારા રજુઆત કરતા શિક્ષણ હિત ચીંતકો માટે ચીંતાનો વિષય બન્યો છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એમ.ટી.ધમસાણીયા કોલેજ ઓફ કોમર્સ છેલ્લા ૪૦ વર્ષથી કોમર્સ અને બીબીએનો અભ્યાસક્રમ ચલાવે છે. વિદ્યાર્થીઓની દર વર્ષે પ્રવેશ માટે ભારે ઉત્સુકતા હોય છે ત્યારે કેટલીક સરકારી નિતીને કારણે ટ્રસ્ટ દ્વારા કંટાળીને બંધ કરવાની સ્થિતી નિર્માણ પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ એમ.ટી. ધમસાણીયા કોલેજ બંધ કરવા કોલેજ સંચાલક મંડળ દ્વારા રાજય સરકારની ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને પત્ર દ્વારા વર્તમાન સમયમાં કોલેજ ચલાવવી મુશ્કેલ હોય બંધ કરવા માંગણી કરતી રજુઆત કરી છે.
એમ.ટી.ધમસાણીયા કોલેજમાં બાર સ્ટાફનો મહેકમ સામે હાલ માત્ર છનો સ્ટાફ જ કાર્ય કરી રહયો છે. ધમસાણીયા કોલેજે તેના સ્ટાફનો તેની સહીયોગી કોલેજમાં સમાવવા મંજુરી માંગી હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી કોલેજો ગ્રાન્ટેડ અને સરકારી અનેક કોલેજો બંધ થઇ છે. રાજય સરકારની નિતીથી કંટાળીને કેળવણીકારો નજીવી ફી એ શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું બંધ કર્યુ છે. રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં નવા સ્ટાફની ભરતી અટકાવી દીધી છે. કોલેજ ચલાવવા માટે અપાતી ગ્રાન્ટ હાસ્યાસ્પદ છે. માત્ર વિજળીનું બીલ ભરાતુ હોય તેવી ફરીયાદ ઉઠી છે. કેટલીક માતબર સંસ્થાઓએ છેલ્લા કેટલાક સમયથી વિઝીટર્સ અધ્યાપકોને બોલાવીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યુ હતું. લાંબા ગાળે આ ખર્ચો પણ ના પરવળતા આખરે કોલેજ બંધ કરવાની સ્થિતી ઉભી થઇ છે.
રાજય સરકારના નિયમો ખાનગી ધંધાદારી કોલેજોને છુટોદોર આપ્યો હોય તેમ નિયમોનો ઉલાળ્યો કરીને મંજુરી આપવામાં આવે છે. જયારે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોને નિયમોના નામે કડકાઇ કરવામાં આવી રહી હોવાની છાપ ઉભી થઇ છે.
(4:48 PM IST)










