News of Monday, 10th February 2025
દીનદયાળજી વૈચારિક અને નૈતિક પ્રેરણાનાસ્ત્રોત હતા : મુકેશ દોશી
શહેર ભાજપ દ્વારા કાલે પૂષ્પાંજલી કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૦ : શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાઘ્યાયજીના સમર્પણદિને તેમને શત શત વંદન કરતા જણાવેલ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક એવા નેતા હતા કે જેણે જીવનભર ઈમાનદારી અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાનાસ્ત્રોત હતા. તદન સૌમ્ય અને સરળ સ્વભાવના વ્યકિત હતા.રાજનીતિ ઉપરાંત સાહિત્યમાં તેની ખૂબ અભિરૂચિ હતી.
વિદ્યાર્થીકાળમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય બની ગયા હતા. કોલેજ છોડ્યા પછી તેઓ તરતજ આરએસએસના પ્રચારક બની ગયા અને તેમનો એકાત્મવાદ સૌપ્રથમ ૧૯૬૪માં જનસંઘના ગ્વાલીયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો અને પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશનમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ૧૯૬૭ના કાલિકટ અધિવેશનમાં તેઓને ભારતીય જનસંઘના અઘ્યક્ષપદે પસંદ કરવામાં આવ્યા. અને ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮માં મુગલસરાઈમાં તેમનો દેહાંત થયો હતો.
પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીના સમર્પણદિને આવતીકાલે તા. ૧૧ના પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીની પ્રતિમાને તેમની પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પિત કરી પુણ્યાત્મા અર્થે પ્રાર્થના કરવામાં આવશે. તેના જીવન કવન અંગે વકતવ્ય યોજાશે, કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
(4:49 PM IST)










