News of Tuesday, 11th February 2025
ડબલ મર્ડરઃ બપોરે વચેટ ભાઇ આકાશને પડોશી વિજય સાથે થયેલો ઝઘડો રાતે તેના બે ભાઇઓની હત્યાનું કારણ બન્યો : જુઓ વિડિયો
રાજકોટના આર્યનગરમાં રાત્રે ઘટનાઃ બે દિવસ પહેલા પત્નિ કહ્યા વગર વતન જતી રહી હોઇ આકાશ જૈન બપોરે તેણી સાથે ફોનમાં જોર જોરથી ઝઘડો કરતો હોઇ સામે જ રહેતાં વિજય ગુપ્તાએ દેકારો શું કરો છો કહી ડખ્ખો કરેલોઃ રાતે આકાશનો ભાઇ અમિત નીચે સંડાસમાં હતો ત્યારે વિજયના સાળા છોટુએ ‘અંદર કોણ હરામી છે?' કહી ગાળો ભાંડી પછી બનેવી વિજય સાથે મળી છરીના ઘા ઝીંક્યા, વચ્ચે પડેલા અમિતના નાના ભાઇ વિક્કીનો પણ જીવ ગયોઃ બી-ડિવીઝન પોલીસે કરી કાર્યવાહીઃ અમિત રાજુભાઇ જૈન (ઉ.વ.૨૯)ને બચાવાવ નાનો ભાઇ વિક્કી રાજુભાઇ જૈન (ઉ.વ.૨૬) વચ્ચે પડતાં બંનેને યુપીના સાળા-બનેવીઍ છરીના ઘા ઝીંકી પતાવી દીધાઃ અમિતની હત્યાથી ૧૧ માસની દિકરી સ્વીટી અને ૭ વર્ષના પુત્ર રાજઍ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પિતા-પત્નિ-ભાઇનું કરૂણ આક્રંદ : મુળ મધ્યપ્રદેશ જબલપુરનો સોનવાની-જૈન પરિવાર દોઢેક વર્ષથી આર્યનગરમાં દિપકભાઇ ઉંધાડના મકાનમાં ઉપરના ભાડેથી રહે છેઃ સામે જ યુપીનો વિજય ગુપ્તા અને નીચેના માળે તેનો સાળો છોટુ ઉર્ફ સંજય ગુપ્તા રહે છેઃ મકાન માલિક દિપકભાઇ ઉંધાડ પણ આ મકાનમાં નીચેના માળે રહે છેઃ હત્યારા રાતોરાત ઝડપાયા

જ્યાં ડબલ મર્ડરની ઘટના બની તે સંત કબીર રોડ આર્યનગર-૧/૬ના ખુણે આવેલુ દિપકભાઇ ઉંધાડનું ઘર, ઘટના સ્થળે ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, બી-ડિવીઝન પોલીસ, એલસીબી, ડીસીબીનો કાફલો તથા નીચેની તસ્વીરોમાં હત્યાનો ભોગ બનેલો અમિત જેન તથા તેનો ફાઇલ ફોટો, છેલ્લે વિકકી જૈન અને તેનો ફાઇલ ફોટો તથા વચ્ચે વિગતો જણાતાં આ બંનેના પિતા રાજુભાઇ પુરણલાલ જૈન જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૧: શહેરના સામા કાંઠે સંત કબીર રોડ આર્યનગરમાં રાત્રીના ડબલ મર્ડરની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. મુળ મધ્યપ્રદેશના જબલપુરના ૨૯ વર્ષના અમિત રાજુભાઇ જૈન અને ૨૬ વર્ષના વિક્કી રાજુભાઇ જૈન નામના બે સગા ભાઇઓની છરીના ઘા ઝીંકી પોતે જ્યાં રહેતાં હતાં એ જ મકાનમાં ઉપર-નીચે રહેતાં મુળ યુપીના સાળા-બનેવીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યારા શહેર મુકી ભાગી જાય એ પહેલા રાતોરાત પકડી લેવાયા હતાં. હત્યાનો ભોગ બનેલા અમિતનો બીજા નંબરનો ભાઇ આકાશ કે જે ૨૮ વર્ષનો છે તેની પત્નિ અનુ બે દિવસ પહેલા ઘરે જાણ કર્યા વગર વતન જતી રહી હોઇ આકાશ બપોરે જોર જોરથી ફોનમાં પોતાની પત્નિ સાથે ઝઘડો કરતો હતો. આ કારણે સામે રહેતાં વિજય ગુપ્તા સાથે ડખ્ખો થયો હતો. એ પછી રાતે અમિત નીચેના ભાગે લઘુશંકા કરવા ગયો ત્યારે નીચેના રૂમમાં રહેતાં વિજયના સાળા છોટુ ગુપ્તાએ સંડાસમાં કોણ હરામી છે? કહીને ગાળો દઇ ફરી ઝઘડો કર્યો હતો અને બનેવી વિજય સાથે મળી અમિતને તથા બચાવવા વચ્ચે પડેલા વિક્કીને છરીના ઘા ઝીંકી દીધા હતાં અને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનેલા બે ભાઇઓ પૈકી મોટા ભાઇ અમિતની પત્નિ મુળ મધ્યપ્રદેશના જબલપુર જીલ્લાના રાજીબડેપથ્થર ગામની વતની અમીના અમિત સોનવાની (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી મકાનના નીચેના ભાગે રહેતાં મુળ યુપીના છોટુ ઉર્ફ સંજય શંકરભાઇ ગુપ્તા અને ઉપરના માળે અમિત અને અમિનાની સામે જ રહેતાં છોટુના બનેવી વિજય ગુપ્તા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૩ (૪), ૫૪, ૨૯૬ (બી) મુજબ હત્યાનો ગુનો નોંધી બંનેને દબોચી લીધા છે.
અમીના સોનવાનીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં અમે સંત કબીર રોડ આર્યનગર-૧/૬ના ખુણે ગોવિંદબાગ શાક માર્કેટ પાસે દિપકભાઇ નાગજીભાઇ ઉંધાડના મકાનમાં ભાડેથી રહીએ છીએ. અમારુ મુળ વતન એમપી જબલપુરનું રાજીબડેપથ્થર છે. એકાદ મહિનાથી અમે અહિ રહીએ છીએ. મારી સાથે મારો પતિ અમિત રાજુભાઇ સોનવાની-જૈન (ઉ.વ.૨૯) રહેતો હતો. તે પેડક રોડ પર ડીએસએ કંપનીમાં ચાંદી કામ કરતો હતો. અમારા લગ્નનને નવ વર્ષ થયા છે અને મારે દિકરો રાજ (ઉ.વ.૭) અને દિકરી સ્વીટી (ઉ.૧૧ મહિના) છે. મારા પતિને બે ભાઇઓ છે. મારા પતિ મોટા હતાં, તેનાથી નાનો આકાશ (ઉ.વ.૨૮) અને તેનાથી નાનો વિક્કી (ઉ.વ.૨૬) છે.
મારા બંને દિયર આકાશ અને વિક્કી પણ અમારી સાથે રહે છે તેમજ મારા સસરા રાજુભાઇ પુરણલાલ સોનવાની પણ અમારી સાથે જ રહે છે. મારા દિયર આકાશની પત્નિ અનુબેન બે દિવસ પહેલા જ ઘરે જાણ કર્યા વગર તેના પિયર એમપી જબલપુર રિસાઇને જતી રહી હતી. અમે જે મકાનમાં ભાડેથી ઉપરના માળે રહીએ છીએ એ મકાનમાં જ ઉપરના માળે બીજા રૂમમાં વિજય ગુપ્તા તેના પરિવાર સાથે ભાડેથી રહે છે. તેમજ નીચેના માટે તેનો કુટુંબી સાળો છોટુ ઉર્ફ સંજય ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. અમારા મકાન માલિક દિપકભાઇ ઉંધાડ પણ નીચેના માળે તેના પરિવાર સાથે રહે છે. અમારા ચારેય વચ્ચે એક જ સંડાસ બાથરૂમ નીચેના માળે આવેલા છે.
અમીનાબેને વધુમાં જણાવ્યું હતું કે સોમવારે ૧૦મીએ બપોરે બારેક વાગ્યે મારો દિયર આકાશ રૂમમાં બેઠો બેઠો તેની પત્નિ અનુ ઘરે કોઇને કહ્યા વગર નીકળી ગઇ હોઇ જેથી તે બે દિવસથી ખુબ ગુસ્સામાં હતો. આકાશ તેની પત્નિ અનુ સાથે ફોનમાં ગુસ્સે થઇ મોટા અવાજે જોર જોરથી બૂમો પાડીને વાતો કરતો હતો. આ વખતે અમારી સામે રહેતાં વિજય ગુપ્તાએ આવી ઝઘડો કરી કહેલુ કે-તમારા ઘરમાંથી કેમ મોટે મોટેથી અવાજ આવે છે? કહી તેણે મારા દિયરને અને મને ધમકાવતાં અમે ઝઘડો ન થાય એ માટે શાંતિ રાખી હતી અને તેને કોઇ જવાબ આપ્યો નહોતો. આથી બપોરે ઝઘડો ટળી ગયો હતો.
ત્યારબાદ સાંજે છ સાત વાગ્યે મારો પતિ અમિત અને દિયર વિક્કી કામેથી પાછા ઘરે આવ્યા હતાં. એ પછી મારા પતિ અમિત રાતે સાડા નવેક વાગ્યે નીચે આવેલા શોૈચાલયમાં લઘુશંકા કરવા ગયેલ. મારા પતિ અંદર હતાં ત્યારે નીચેના માળે રહેતો છોટુ ઉર્ફ સંજય ગુપ્તા પણ પેશાબ કરવા માટે સડાસ પાસે આવ્યો હતો. આ વખતે તેણે બપોરે થયેલા ઝઘડાનો ખાર રાખી જોર જોરથી બૂમો પાડી-અંદર કોણ હરામી ગયેલ છે? તેમ કહી મારા પતિને મા-બહેન સમી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. તેમજ જોર જોરથી ડોલ અને બીજી વસ્તુઓ પછાડી હતી. તેનો અવાજ અમને ઉપર સુધી આવતો હતો. આથી હું ઘર બહાર આવી હતી.
આ વખતે નીચે જોતાં મારા પતિ અમિત સામેવાળા છોટુ અને વિજયને ઝઘડો નહિ કરવા સમજાવતાં હતાં. પરંતુ છોટુ ઉર્ફ સંજય અચાનક ઉશ્કેરાઇ ગયો હતો અને મારા પતિને ઢીકાપાટુ મારવા માંડયો હતનો. મારા પતિએ જોર જોરથી બૂમો પાડતાં છોટુનો બનેવી વિજય ગુપ્તા કે જે ઉપરના માળે અમારા રૂમની સામે જ રહે છે તે દોડીને નીચે ગયો હતો. તે પણ સાળા છોટુ ઉર્ફ સંજય સાથે ભળી ગયો હતો અને મારા પતિને મારકુટ ચાલુ કરી હતી. મારા પતિની બૂમો સાંભળી મારો સોૈથી નાનો દિયર વિક્કી જૈન નીચે દોડી ગયો હતો. એ દરમિયાન મકાન માલિક દિપકભાઇ ઉંધાડ પણ ઘરમાંથી બહાર આવી ગયા હતાં. તેમજ મારા સસરા પણ પાછળથી મારા પતિને છોડાવવા નીચે ગયા હતાં.
પરંતુ એ વખતે છોટુ ઉર્ફ સંજયે ક્યાંકથી છરી કાઢી હતી અને મારા પતિ અમિત તથા દિયર વિક્કીને પેટ, પગના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. જેથી મારા પતિ અને દિયર બંને લોહીલુહાણ થઇ ફસડાઇ પડયા હતાં. આ વખતે છોટુ ઉર્ફ સંજય અને વિજય ગુપ્તા ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ને ફોન કરતાં ગાડી આવી જતાં બંનેને હોસ્પિટલે લઇ જવાયા હતાં. પરંતુ અહિ ડોક્ટરે મારા પતિ અને દિયર બંનેને વારાફરતી મૃત જાહેર કર્યા હતાં. તેમ અમીના જૈનએ વધુમાં કહ્યું હતું. તેની આ હકિકતે આધારે પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ, એલસીબી ઝોન-૧ ટીમનો કાફલો તેમજ ડીસીબીનો અન્ય કાફલો અને એસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં. હત્યારાઓને રાતોરાત પોલીસની ટીમોએ શોધી કાઢયા હતાં અને છરી કબ્જે લેવા તજવીજ કરી હતી. આ બંનેએ એવુ રટણ કર્યુ હતું કે આકાશ દારૂ પી ગાળાગાળી કરતો હોઇ બપોરે તેની સાથે ઝઘડો થયો હતો. બાદમાં રાતે ફરી બોલાચાલી થઇ હતી. બંને આરોપીની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.
ઘટનાને પગલે સામા કાંઠા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. હત્યાનો ભોગ બનનાર અમિત અગાઉ સાતેક વર્ષ રાજકોટ રહી કામ કરી ગયો હતો. લગ્ન બાદ વતન જતો રહ્યો હતો અને એકાદ વર્ષથી ફરી ભાઇઓ, પત્નિ, બાળકો, પિતા સાથે અહિ રહેતો હતો. તેની સાથે તેના નાના ભાઇની પણ હત્યા થઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એસ. એન. સિહોરા, હેડકોનસ. ક્રિપાલસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, રાજદિપભાઇ પટગીર, વિશ્વજીતસિંહ ઝાલા, હાર્દિકભાઇ ગાજીપરા સહિતની ટીમે હત્યારા ભાગી જાય એ પહેલા રાતોરાત સકંજામાં લેવા તજવીજ કરી હતી. (૧૪.૫)
હત્યાનો ભોગ બનનાર બંને ભાઇઓ અમિત અને વિક્કીની પત્નિીઓ પણ સગી બહેનો
તારા પિતા ભેગા રહે તો મારે તારી સાથે નથી રહેવું કહીને વિક્કીને છોડી તેની પત્નિ એક વર્ષ પહેલા જતી રહી હતી
ઞ્જહત્યાનો ભોગ બનેલા બે સગા ભાઇઓ અમિત જૈન અને વિક્કી જૈનની પત્નિઓ અમીના અને હીના પણ સગી બહેનો છે. અમીનાએ કહ્યું હતું કે મારી નાની બહેન હીનાના લગ્ન મારા દિયર વિક્કી સાથે કરાવ્યા હતાં. પણ હીનાને મારા સસરા સાથે રહે તે પસંદ ન હોઇ જેથી તે એક વર્ષ પહેલા જ મારા દિયર વિક્કીને છોડીને માવતરે જતી રહી હતી. બીજી તરફ અમીનાના મોટા દિયર આકાશની પત્નિ અનુ પણ બે દિવસ પહેલા ઝઘડો કરી ઘરે કહ્યા વગર રાજકોટથી માવતરે જતી રહી હતી. આકાશ આ કારણે ગુસ્સે થઇ તેની પત્નિ સાથે ફોનમાં જોર જોરથી દેકારો કરી વાતો કરતો હોઇ તેના કારણે પડોશી વિજય ગુપ્તા સાથે થયેલો ઝઘડો જ આકાશના બે ભાઇઓ અમિત અને વિક્કીની હત્યાનું કારણ બન્યા હતાંં. બીજી તરફ છેડતી અને દારૂ પી ગાળો બોલવાની વાતો પણ રાતે વહેતી થઇ હતી. જો કે પોલીસ તપાસમાં આ વિગતો સામે આવી નથી. (૧૪.૫)

પતિ અને નાના દિયરને ગુમાવનાર અમીના અમિત સોનવાની-જૈન (ઉ.વ.૨૯) પોતાના પતિ અમિત અને નાના દિયર વિક્કીના ડબલ મર્ડરની ઘટનાની વિગતો આપતી તેના બાળકો સાથે દેખાય છે. બાજુમાં જેના કારણે ઝઘડો થયો ઍ બચી ગયેલો અમીનાનો મોટો દિયર આકાશ જૈન જાઇ શકાય છે. (૧૪.૫)
(1:26 PM IST)










