<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજકોટમાં હેલ્‍મેટ વગરના ૨૩૧ સરકારી કર્મચારીઓને દંડ ફટકારાયોઃ અનેક ઠેકાણે પોલીસ સાથે થઇ જીભાજોડી

ડીજીપીના આદેશને પગલે શહેરની તમામ સરકારી કચેરીઓ ખાતે ખાસ ડ્રાઇવ યોજાઇ અનેક ઠેકાણે કર્મચારીઓની સાથે સાથે અરજદારો પણ ઝપટે ચડી ગયાઃ ઝુંબેશ યથાવત રહેશે-એસીપી જે. બી. ગઢવી હેલ્‍મેટ પહેરનારા વાહનચાલકોની પોલીસે પ્રશંસા કરી

શહેરમાં સરકારી કચેરીઓ ખાતે ફરજીયાત હેલ્‍મેટ અંતર્ગત યોજાયેલી ડ્રાઇવમાં પોલીસ હેડક્‍વાર્ટર, મહાનગર પાલિકા કચેરી ખાતે થઇ રહેલી કાર્યવાહીના દ્રશ્‍યો જોઇ શકાય છે. હેલ્‍મેટ વગર આવેલાને પોલીસે દંડ ફટકાર્યો હતો તો હેલ્‍મેટ પહેરીને આવનારાઓની પ્રશંસા કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટઃ રાજ્‍યમાં આજથી ફરી એક વખત તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ, અધિકારીઓ કે જેઓ ટુવ્‍હીલરમાં આવ જા કરે છે તેમણે ફરજીયાત હેલ્‍મેટ પહેરવું તેવો પરિપત્ર ગઇકાલે રાજ્‍યના ડીજીપીએ બહાર પાડતાં આજે રાજ્‍યભરની ટ્રાફિક પોલીસ, જે તે પોલીસ સ્‍ટેશનની પોલીસ દ્વારા પોત પોતાના વિસ્‍તારમાં આવતી સરકારી કચેરીઓ ખાતે હેલ્‍મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી અને જે કર્મચારીઓ, અધિકારીઓ ટુવ્‍હીલર પર હેલ્‍મેટ વગર આવ્‍યા હતાં તેમને અટકાવી દંડ ફટકાર્યો હતો. જો કે આ ડ્રાઇવમાં સરકારી કચેરીઓ ખાતે આવેલા અરજદારો પણ દંડના ડામનો ભોગ બની ગયા હતાં. દર વખતની જેમ આ વખતે પણ આ ડ્રાઇવ અંતર્ગત ઠેકઠેકાણે વાહનચાલકો અને પોલીસ વચ્‍ચે જીભાજોડી થઇ હતી. રાજકોટની સરકારી કચેરીઓ ખાતે ૨૩૧ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્‍યો હતો.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવ્‍યા બાદ રાજ્‍યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્‍હીલર પર હેલ્‍મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્‍યારે આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓ દ્વીચક્રી વાહનો લઇને નોકરી પર આવ જા કરે છે તેમના માટે હેલ્‍મેટ ફરજિયાત કરાયા હતાં. હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્‍યના ડીજીપી વિકાસ સહાયએ ગઇકાલે જ ખાસ ડ્રાઇવ યોજવાનો આદેશ કરતાં આજથી હેલ્‍મેટ વગરના કર્મચારીઓ, અધિકારીઓને દંડ ફટકારવાનું ચાલુ થયું હતું.

રાજ્‍યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્‍મેટ કાયદો ફરજિયાત કર્યો છે. ડીજીપીના પરિપત્ર મુજબ ૧૧મી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં હેલ્‍મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાનું શરૂ થયું છે. રાજ્‍યભરની તમામ સરકારી કચેરીના ગેઇટ  બહાર ટ્રાફિક પોલીસ તહેનાત થઇ હતી અને ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી, અધિકારીઓ તેમજ ટુ-વ્‍હીલર આવતાં બંને વ્‍યક્‍તિઓએ ફરજિયાતપણે હેલ્‍મેટ પહેરવાનો આદેશ કરાયો હતો. અગાઉ પણ આવી ઝુંબેશ થઇ ત્‍યારે સરકારી કર્મચારીઓ અને પોલીસ સ્‍ટાફ વચ્‍ચે માથાકુટ સર્જાઇ હતી. આજે પણ આવા દ્રશ્‍યો વચ્‍ચે વાહનચાલકોએ કચવાટા મને દંડ ભર્યા હતાં. કેટલાક નિયમનું પાલન કરીને હેલ્‍મેટ પહેરીને જ આવ્‍યા હતાં.

રાજકોટમાં મહાનગર પાલિકા, પોલીસ હેડક્‍વાર્ટર, બહુમાળી ભવન, કલેકટ્ર કચેરી સહિતની કચેરીઓ ખાતે હેલ્‍મેટ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં હેલ્‍મેટ વગરના સરકારી કર્મચારીઓ સાથે અરજદારો કે બીજા કામ માટે આવેલા લોકો પણ દંડનો ભોગ બની ગયા હતાં.

દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચનાથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં સવારે સાડા દસથી બાર વાગ્‍યા સુધી જુદી જુદી સરકારી કચેરી ખાતે હેલ્‍મેટ ડ્રાઇવ યોજી ટ્રાફિક પોલીસની ટીમોએ કુલ ૨૩૧ વાહનચાલકોને હેલ્‍મેટ નહિ પહરેવા બદલ રૂા. ૧,૧૮,૫૦૦નો દંડ ફટકાર્યો હતો. આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ એસીપી જે. બી. ગઢવીએ જણાવ્‍યું હતું.

(3:45 PM IST)