તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
પ્રેમિકાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
પ્રેમિકાની સગાઇ નક્કી થતાં ઉશ્કેરાયો'તોઃ પ્રેમિકા અને તેના ભાવી મંગેતરને પણ ધમકાવતો હતોઃ ત્રણેક દિવસ પહેલા તેના વિરૂધ્ધ અરજી કરતાં પોલીસે પગલા લીધા'તા : નવાગામ રંગીલા સોસાયટીના ૩૫ વર્ષના સંજય મકવાણાને હુડકો ચોકડીની ૨૩ વર્ષિય ભારતી સંથારીયા સાથે દસ વર્ષથી પ્રેમ હતોઃ જંગલેશ્વરમાં ભારતી પોતાની બહેન રેખા સાથે મચ્છી વેંચતી'તી ત્યાં જઇ છરીથી તૂટી પડયોઃ પાંચેક ઘા ઝીંક્યા બાદ પોતાના પેટમાં ત્રણેક ઘા મારી દીધાઃ બંને સારવાર હેઠળઃ યુવતિ ગંભીર

રાજકોટ તા. ૧૨: પ્રેમકહાનીઓ ઘણીવાર લોહીયાળ બની જતી હોય છે. શહેરના કુવાડવા રોડ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનને હુડકો ચોકડી નજીક રહેતી અને જંગલેશ્વરમાં ૨૩ વર્ષની યુવતિ સાથે દસેક વર્ષથી પ્રેમ હોઇ હવે પ્રેમિકાની સગાઇ નક્કી થઇ જતાં તેને ન ગમતાં સવારે પ્રેમિકા જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની મોટી બહેન સાથે મચ્છી વેંચવા બેઠી હતી ત્યાં જઇને તેણીને પેટ, છાતી, હાથ, પગમાં છરીના પાંચેક ઘા મારી દીધા બાદ પોતાના પેટમાં પણ ત્રણેક ઘા ભોંકી દેતાં બંને લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં પ્રેમિકાની હાલત ગંભીર છે. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ શહેરના હુડકોમાં રાધાકળષ્ણ સોસાયટી શેરી નં-૧૨માં રહેતી ભારતી અશોકભાઈ સાંથરીયા (ઉ.વ.૨૩) નામની યુવતિ સવારે સવા અગિયારેક વાગ્યે જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની બહેન રેખાબેન સાથે મચ્છી વેંચવા બેઠી હતી તે ખવતે નવાગામ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતો તેનો પ્રેમી સંજય વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૩૫) અચાનક ખુલ્લી છરી સાથે ધસી આવ્યો હતો અને ભારતી કંઇ સમજે એ પહેલા તેના પર તૂટી પડી આડેધડ ઘા મારી દેતાં તેણીને હાથ, પગ, છાતી, પેટમાં ઘા લાગી જતાં લોહીલુહાણ થઇ ઢળી પડી હતી.
દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. લોકો હુમલાખોર સંજયને પકડે એ પહેલા તેણે પોતાના પેટમાં પણ ત્રણેક છરીના ઘા ઝીંકી દીધા હતાં. તે પણ પડી જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. હોસ્પિટલ પોલીસ ચોકના એએઅસાઇ રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ભક્તિનગર પોલીસને જાણ કરતાં ઇન્વે પીએસઆઇ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે હોસ્પિટલે પહોંચી હુમલામાં ગંભીર ઇજા પામનાર ભારતીના બહેનની ફરિયાદ આધારે સંજય મકવાણા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ કરી હતી.
તપાસમાં ખુલ્યા મુજબ પ્રેમીના હુમલામાં ઘાયલ ભારતી ચાર બહેન અને એક ભાઇમાં નાની છે અને જંગલેશ્વર હુશેની ચોકમાં મચ્છીનો થડો રાખી ધંધો કરે છે. જ્યારે હુમલો કરનારા સંજય બે ભાઇમાં નાનો છે અને છુટક મજૂરી કરે છે. ભારતી અને સંજય વચ્ચે છેલ્લા દસેક વર્ષથી પ્રેમસંબંધ છે. દરમિયા અઠવાડીયા પહેલા જ ભારતીની સગાઇ માંગરોળના યુવાન સાથે નક્કી થઇ જતાં આ વાતની પ્રેમી સંજયને ખબર પડતાં તે રોષે ભરાયો હતો અને પ્રેમિકા ભારતીને સગાઇ ન કરવા ધમકી આપવાનું ચાલુ કરી તેની પાસેથી તેણીની સગાઇ જ્યાં નક્કી થઇ એ યુવકના નંબર લઇ તેને પણ ધમકાવવાનું ચાલુ કર્યુ હતું.
આ કારણે ત્રણેક દિવસ પહેલા જ સંજય વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે અટકાયતી પગલા લઇ કાર્યવાહી કરી હતી. દરમિયાન આજે તે પ્રેમિકાને મારી નાખવાના ઇરાદા સાથે જંગલેશ્વરના હુશેની ચોકમાં પ્રેમિકા ભારતીના મચ્છીના થડે પહોંચ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતાં. બાદમાં પોતાના પેટમાં પણ ત્રણેક ઘા મારી દેતાં તેને પણ ગંભીર ઇજા થઇ હતી. બંને હાલ સારવાર હેઠળ છે. જેમાં પ્રેમિકાને ગંભીર ઇજા પહોંચી છે.
(3:03 PM IST)










