<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

વૃધ્‍ધ વિજયભાઇ દવેને એટીએમ પીન જનરેટ કરી આપવાના બહાને ગઠીયો છેતરી ગયો

મવડી ફાયર બ્રિેગડ નજીક અલ્‍કા સોસાયટીની એસબીઆઇ બેંકના એટીએમમાં બનાવ : વૃધ્‍ધે નવુ કાર્ડ આવ્‍યું હોઇ પીન જનરેટ માટે બેંક કર્મીની મદદ માંગતા કર્મચારી સાથે આવ્‍યો, પણ તેને કોઇનો ફોન આવતાં તે જતો રહ્યોઃ અગાઉથી એટીએમમાં ઉભેલા શખ્‍સ પાસે વૃધ્‍ધે મદદ માંગી અને ૩૧ હજાર ગુમાવ્‍યા

 

રાજકોટ તા. ૧૨: એટીએમમાં નવા કાર્ડમાં પીન જનરેટ કરવાનું શીખવવાના બહાને ગઠીયાએ કાર્ડ બદલી વૃધ્‍ધના બેંક ખાતામાંથી ૩૧ હજાર ઉપાડી લઇ ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે. મવડી રોડ અલ્‍કા સોસાયટીમાં આવેલી એસબીઆઇ બેંક બહાર એટીએમમાં આ બનાવ બન્‍યો હતો. વૃધ્‍ધે પીન જનરેટ કરવા બેંક કર્મચારીની મદદ લીધી હતી, પણ આ કર્મચારી ફોન આવતાં વાત કરતો કરતો બહાર નીકળી જતાં અંદર અગાઉથી જ એક શખ્‍સ ઉભો હોઇ વૃધ્‍ધે તેની મદદ લીધી હતી. આ શખ્‍સ ઠગ નીકળ્‍યો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસેકૃષ્‍ણનગર મેઇન રોડ આરએમસી બગીચા પાસે કૃષ્‍ણનગર-૧/૬ના ખુણે તુલજાભવાની કૃપા નામના મકાનમાં રહેતાં અને વિનૃત જીવન જીવતાં નેશનલ હાઇવે ડિવીઝનના નિવૃત કર્મચારી વિજયભાઇ લક્ષ્મીશંકર દવે (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધબી બીએનએસની કલમ ૩૧૮ (૪) મુજબ એટીએમ કાર્ડમાં નવો પીન નંબર જનરેટ કરી દેવામાં  મદદ કરવાના બહાને કાર્ડ બદલી રૂા. ૩૧ હજાર આ વૃધ્‍ધના એટીએમમાંથી ઉપાડી લઇ ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે. આ બનાવમાં વિજયભાઇ દવેએ જણાવ્‍યું છે કે મને તા. ૧૦/૨/૨૫ના રોજ પોસ્‍ટ મારફત એસબીઆઇ તરફથી નવું એટીએમ કાર્ડ આવ્‍યું હતું. જેનો પીન જનરેટ કરવાનો હોઇ મંગળવારે બપોરે બારેક વાગ્‍યે હું મવડી ફાયર બ્રિગેડ પાસે અલ્‍કા સોસાયટીમાં આવેલા એસબીઆઇ બેંક ખાતે ગયો હતો. જ્‍યાં બેંકમાં  મેં કહેલુ કે મને નવા એટીએમમાં પીન જનરેટ કરતાં આવડતું નથી, મારી મદદ માટે કોઇ આવો. જેથી ત્‍યાં હાજર એક કર્મચારી મારી સાથે એટીએમ રૂમમાં આવ્‍યો હતો. પરંતુ આ કર્મચારીને અચાનક ફોન આવતાં તે વાત કરતાં કરતાં બહાર નીકળી ગયો હતો. આ વખતે એટીએમમાં અગાઉથી જ એક આશરે ૩૦ થી ૩૫ વર્ષનો શખ્‍સ ઉભો હોઇ મેં તેને નવા એટીએમમાં પીન જનરેટ કરતાં શીખવવાનું કહેતાં તેણે લાવો તમારુ કાર્ડ આપો હું તમને પીન જનરેટ કરી આપું તેમ કહેતાં મેં તેને એટીએમ આપતાં તેણે પીન જનરેટ કરી આપ્‍યો હતો અને મારા ફોનમાં ઓટીપી આવતાંમેં તેને ઓટીપી દેખાડયો હતો. આ પછી એ શખ્‍સ ત્‍યાંથી નીકળી ગયો હતો. એ પછી મને જે એટીએમ કાર્ડ એ શખ્‍સે આપ્‍યું હતું તે મેં મશીનમાં નાંખતા પ્રોસેસ ન થતાં તુરત જ હું ફરી બેંકમાં ગયો હતો. આ વખતે જ મારા કાર્ડમાંથી રૂા. ૯ હજાર વીડ્રોનો મેસેજ આવ્‍યો હતો. આટલી જ રકમના બીજા બે વીડ્રોના મેસેજ આવ્‍યા હતાં અને છેલ્લે ૪ હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્‍યો હતો. આ રીતે કુલ ૩૧ હજાર મારા ખાતામાંથી ઉપડી ગયા હતાં. મેં બેંકમાં તપાસ કરાવતાં ખબર પડી હતી કે પીન જનરેટના નામે એ શખ્‍સ મારુ કાર્ડ બદલી મને ભળતું કાર્ડ આપી મારા જ કાર્ડનો ઉપયોગ કરી પૈસા ઉપાડી ગયો હતો. આથી મેં તુરત માલવીયાનગર પોલીસ સ્‍ટેશને જઇ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં વિજયભાઇ દવેએ જણાવતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધતાં આગળની તપાસ પીએસઆઇ આર. આર. કોઠીયાએ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. 

(3:43 PM IST)