તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ગાય આધારીત પ્રાકૃતિક કૃષિથી શાકભાજીમાં મળતુ સારૂ ઉત્પાદન
જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયાનો સફળ પ્રયોગ : ૫૦ દિવસ ઉત્પાદન આપતા શાકભાજી ૮૦ થી ૧૦૦ દિવસ ઉત્પાદન આપતા થયા

રાજકોટ : જળક્રાંતિ અને ગોક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ સુત્રની અંતઃસ્ફુરણા થઇ અને છેલ્લા ૨૦ વર્ષથી ગામડે ગામડે ફરી ખેડુતોને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિની પ્રેરણા આપતા રહ્યા છે. રાજકોટથી ૧૫ કિલોમીટર દુર ચિભડા ગામે તેમણે પોતાના જ સંસ્કૃતિ ફાર્મમાં ૨૦ પ્રકારના ગાય આધારીત પ્રાકૃતિક કૃષિના શાકભાજીનું વાવેતર કર્યુ. જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર નિરંતર ભરપુર ઉત્પાદન મળતુ થયુ. કોબીજ, ફુલાવર, રીંગણા, વાલોળ જેવા પાકોમાં વધુમાં વધુ રોગો આવતા હોય છે. આવા પાકોમાં તેઓએ આ પ્રયોગના માધ્યમથી ૧૦૦ ટકા રોગનિયંત્રણની સફળતા મેળવી છે. ૪૫ થી ૫૦ દિવસ ઉત્પાદન આપતા ભીંડો, ગુવાર, તુરીયા જેવા પાકો ૮૦ થી ૧૦૦ દિવસ ઉત્પાદન આપે છે. ૯૦ દિવસ ઉત્પાદન આપતા રીંગણી, ટમેટા, વટાણા, ગલકા, દુધી બારમાસી ઉત્પાદન આપે છે. આ બધો ગાય આધારીત પ્રાકૃતિક કૃષિનો ચમત્કાર હોવાનું મનસુખભાઇ સુવાગીયાએ એક યાદીમાં જણાવ્યુ છે. જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્ર સેવા સાથે સંકળાયેલા લોકોએ આ શાકભાજી ખાઇને તેની મીઠાશ અને સુગંધનો અદ્દભુત અનુભવ શેર કરેલો. ઉલ્લેખનીય છે કે મનસુખભાઇએ તાજેતરમાં તેમના ૨૦ વર્ષના ગાય આધારીત પ્રાકૃતિક કૃષિના સફળ અનુભવો અને સંશોધનોના આધારે ‘કૃષિ સંહિતા'નામે નવો ગ્રંથ લખ્યો છે. જેને ગુજરાતી અંગ્રેજી બન્ને ભાષામાં આવરી દેશ વિદેશમાં પહોંચતો કરવા વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું મનસુખભાઇ (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧)એ યાદીના અંતમાં જણાવ્યુ છે.
(2:23 PM IST)










