<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

માટીનું મૂલ્‍ય સમજાવવા મોહિત નિરંજનનું સાયકલ પર ભારત ભ્રમણ

૧૯ રાજયો ફરી હાલ સૌરાષ્ટ્રમાં માટી બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. ઇશા ફાઉન્‍ડેશનના માટી બચાવો અભિયાનથી પ્રેરિત મોહિતે અત્‍યાર સુધીમાં ૧૭૦૦૦ કિમી નું અંતર સાયકલ પર કાપ્‍યું. ૧૬મી નવેમ્‍બર ૨૦૨૨ના રોજ સાયકલ ચલાવીને મિશનનો પ્રારંભ. યાત્રા માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે. દરરોજ સાઇકલ પર ૬૦ થી ૧૫૦ કિલોમીટરની મુસાફરી કરે છે.

તસ્‍વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોહિત નિરંજન, મીનલબેન રાજગુરૂ અને જતીનભાઇ નિર્મલ તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૧રઃ ઉતર પ્રદેશના લલિતપુરનો એક યુવક દેશના ખેડૂતો સહિત સામાન્‍ય લોકોને માટી બચાવવાનો સંદેશ આપી રહ્યો છે. આ યુવાને જમીનમાં પોષક તત્‍વોનું જતન કરવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવાનો સંદેશ ફેલાવવા હજારો કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળ્‍યા છે. ઉતર પ્રદેશના લલિતપુર જિલ્લાના યુવાન મોહિત નિરંજન સાયકલ ચલાવીને કોઈમ્‍બતુર જઈ રહ્યા છે. ઇશા ફાઉન્‍ડેશનના માટી બચાવો અભિયાનથી પ્રેરિત યુવાન સાયકલ સવાર મોહિત ૧૭૦૦૦ કિ.મી. ભારત ભ્રમણ કરી આજે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે રોકાયા હતા. અકિલા કાર્યાલય ખાતે મોહિત નિરંજને પોતાની સાયકલ યાત્રા વિશે વિગતો આપી હતી.

તેઓ સાયકલ પર એકલા મુસાફરી કરી રહ્યા છે. ક્‍યારેક ગામડાઓમાં ખેડૂતોની વચ્‍ચે પહોંચે છે તો ક્‍યારેક શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની વચ્‍ચે પહોંચીને તેમને માટીને બચાવવા વિશે સમજાવે છે. અત્‍યાર સુધીમાં લગભગ ૧૭૦૦૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ થઈ છે. અકિલા સાથે વાત કરતા મોહિત નિરંજને જણાવ્‍યું હતું કે, તેના પિતા પ્રભુદયાલ નિરંજન ખેડૂત છે. મોહિત બે ભાઈઓમાં નાનો છે. પિતા ઇચ્‍છતા હતા કે અમે ખેડૂત ન બનીએ પણ સારી નોકરી કરીએ. આ જ હેતુસર મોહિતે કોલકાતામાં કોલેજમાંથી અંગ્રેજી સાથે ગ્રેજયુએટ પૂર્ણ કર્યું. તે યુપીએસસીની તૈયારી પણ કરી રહ્યા હતા. મોહિત કહે છે, તે તેના પિતા સાથે ખેતરોમાં જતા, સખત મહેનત પછી પણ ઉપજ ન મળવાને કારણે ભારે નિરાશા અને નુકસાન થયું. આ પછી એક દિવસ નક્કી કર્યું કે તે આ જમીનની ફળદ્રુપતા જાળવવા અને વધારવા માટે કામ કરશે. દરમિયાન તેને આ કરવા માટે ઈશા ફાઉન્‍ડેશનના સ્‍થાપક સદગુરુ જગ્‍ગી વાસુદેવ દ્વારા પ્રેરણા મળી હતી. જેમ સદગુરૂએ માટી બચાવવા ભારતભરમાં બાઇક ભ્રમણ કર્યું તેમ મોહિતને સાયકલ યાત્રાનો વિચાર આવ્‍યો. ૧૬મી નવેમ્‍બર ૨૦૨૨ના રોજ તેણે માટી બચાવો અભિયાન સાથે સાયકલ ચલાવીને મિશનનો પ્રારંભ કર્યો ત્‍યારે તેના માતા રામસખી અને પિતા પ્રભુદયાલને આ વિશે ખ્‍યાલ નહોતો. યાત્રા શરૂ કર્યા બાદ ભાઇઓએ પરિવારને સમજાવ્‍યા હતા. આ યાત્રા માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે.

 સાયકલપર ભારત ભ્રમણ યાત્રામાં મોહિતની લોકોએ ખુબ મદદ કરી છે. ખાવા-રહેવા સહિત નો ખ્‍યાલ રાખ્‍યો છે. ૨૦૨૩ માં તેઓ કોઇમ્‍બતુર આશ્રમ પહોંચ્‍યા ત્‍યારે મહાશિવરાત્રીએ સદગુરૂને મળવાનો મોકો પણ મળ્‍યો હતો. યાત્રામાં નાગાલેન્‍ડથી આસામ જતા તે બાઇક પરથી સ્‍લીપ થઇ ગયા હતા અને જમણા હાથ પગમાં ફ્રેક્‍ચર આવ્‍યું હતું જેથી પાંચ મહિના સંપૂર્ણ બેડરેસ્‍ટ રહેતા સાયકલ યાત્રા સ્‍થગિત કરવી પડી હતી. સ્‍વસ્‍થ થતા ફરી આસામથી સાયકલ યાત્રા શરૂ કરી. પછી બિહાર, યુપી, હરિયાણા, રાજસ્‍થાન અને હવે ગુજરાત આવ્‍યા છે હવે અહિંથી વેસ્‍ટર્નદ્યાટ પકડી આશ્રમ પહોંચી યાત્રા સમાપ્ત કરશે.

મોહિત નિરંજને જણાવ્‍યું કે સાઈકલ પર ભારતના પ્રવાસ દરમિયાન તેઓ અત્‍યાર સુધીમાં ૧૯ રાજયોમાં ફર્યા છે અને વિવિધ સ્‍થળોએ લોકોને માટી વિશે જાગૃત કરવામાં આવ્‍યા છે. દરરોજ સાઇકલ પર ૬૦ થી ૧૫૦ કિલોમીટરની મુસાફરી કરે છે. એક વખત તેઓએ ઇમરજન્‍સીમાં એકજ દિવસમાં ૨૧૦ કિ.મી. સતત ૮ કલાક સાયકલ ચલાવી હતી. કુલ ટાર્ગેટ ૩૦૦૦૦ કિ.મી. સાયકલ ચલાવવાનો છે. જે કિ.મી. વધશે તે પૂર્ણ કરવા વિદેશ જઇ સાયકલ યાત્રા કરશે. તેઓ કહે છે સાયકલ યાત્રા કરૂ છુ છતાં મને થાક નથી લાગતો તેનું કારણ મારી સાધના છે. હું હઠ યોગ કરુ છુ, ધ્‍યાન કરૂ છુ. જેનાથી મને આગળ વધવાની શક્‍તિ મળે છે. સાધના શક્‍તિથી પહાડ, જંગલો, વરસાદ, તડકો સાયકલ પર પસાર કરતા હોય તેનો ખ્‍યાલ જ નથી આવતો. મેં સદગુરૂની સાધના શાંભવિ મહામુદ્રા શીખી છે અને શકિત ચલન પણ શિખ્‍યો છું. સાધના કરવાથી દરેક વસ્‍તુ જીવનમાં આપમેળે થાય છે એ મારો અનુંભવ છે.

સાયકલ યાત્રા દરમિયાન સાયકલ પર ટેન્‍ટ, એક બેગ જેમાં ખાવાનો સામાન, પાણીની, બાજુમાં કપડા, સાયકલ રીપેરીંગનો સામાન વગેરે સાથે લઇને ચાલે છે. આ સંપૂર્ણ સાયકલ યાત્રાનો ખર્ચ રૂપિયા ૬ લાખથી વધુનો થયો છે. મોહિત કહે છે, યાત્રા પૂર્ણ કર્યા પછી પણ માટી બચાવવાનું અભિયાન ચાલુ રાખીશ. હાલ ભારતના ૧૯ રાજયોમાં સાયલક યાત્રા કરી ચૂક્‍યો છુ. હવે ખેડૂતોને મળી માટી બચાવવા વિશે સમજાવાનો પ્રયત્‍ન કરીશ. જયારે પાલનપુરમાં માટી બચાવો અભિયાન સફળ રહેતા થરાદમાં આ અભિયાનમાં ૧૫૦૦ ખેડૂતો જોડાયા છે. અહિં માટીના વિવિધ ટેસ્‍ટ કરતી ભારતની સૌપ્રથમ લેબોરેટરી સ્‍થાપવામાં આવેલી છે. જે માટીની ગુણવતા દર્શાવી આપે છે. ત્‍યાં પણ મોહિત નિરંજને મુલાકાત લીધી.

આજે મોહિત ૨૩ વર્ષના છે. તેઓ કહે છે અહિં માટી બચાવવા ખુબ કામ થઇ રહ્યું છે. હું ખેતરો પર ફરી મુલાકાત કરું છુ. જેમકે બુંદેલ ખંડમાં માટી જાણે શ્વાસ પણ નથી લઇ શક્‍તી જયારે ગુજરાતમાં ઓર્ગેનિક ફાર્મિંગ વિશે લોકો જાગૃત થયા છે. હું નાના-નાના ગામડાઓમાં જઈને ખેડૂતોને મળી રહ્યું છુ અને તેમને જમીનના પોષક તત્‍વો બચાવવા અને રસાયણોનો ઉપયોગ ન કરવા અપીલ કરી રહ્યો છુ. જો આપણે આપણી માટી નહીં બચાવીએ તો આવનારી પેઢીઓ માટે પૌષ્ટિક ખોરાક નહીં મળે. જમીનની માટી ઓછી થવાથી વાતાવરણમાં કાર્બન છોડે છે જે તાપમાનમાં વધારો કરે છે અને આબોહવામાં ઝડપી ફેરફારોનું કારણ બને છે. આજે આપણી પાસે ૨૦૪૫ સુધીની માટી છે તેવું સંશોધકોએ કહ્યું છે. માટીમાં ઓર્ગેનિક કન્‍ટેન્‍ટ ૩ થી ૬ ટકા ઓછામાં ઓછુ હોવું જોઇએ. જયારે ગુજરાતની માટીમાં તેનું પ્રમાણ ૧ ટકો જ છે જોકે બીજી જગ્‍યાએ ૦.૫ ટકાથી પણ ઓછુ છે. એટલે કે જો આપણે માટીને નહીં બચાવીએ તો કોઇ જ ભવિષ્‍ય નહીં રહે.

મોહિત નિરંજને જણાવ્‍યું હતું કે હું પણ કોલેજમાં હતો ત્‍યારે અન્‍ય લોકોની જેમજ વિચારતો હતો કે મારે નોકરી કરવી છે, પૈસા કમાવવા છે, દેશ માટે ખુબ કામ કરવું છે પણ જયારે સદગુરૂએ સેવ સોઇલ અભિયાન શરૂ કર્યું ત્‍યારે એક ખેડૂત તરીકે મેં જોયું કે અમે જેટલી ખેતી કરીએ છીએ તેમાંથી વળતર મળતુ નથી. જયાં સુધી આપણી પ્‍લેટમાં હેલ્‍ધી ફુડ નહીં હોય ત્‍યાં સુધી કંઇજ નહિં વળે. હું તમામ લોકો પાસેથી માટીને બચાવવા તેમનો સાથ ઇચ્‍છુ છુ. સૌરાષ્ટ્ર ફર્યા પછી ગુજરાતના રાજયપાલશ્રી, મુખ્‍યમંત્રીશ્રીને અને અંતે રાષ્ટ્રપતિજીને પણ મળવાના છીએ. પંજાબમાં કેન્‍સરના દર્દીઓ વધુ છે તેમ ગુજરાતમાં પણ વધુ છે. આ પરિસ્‍થિતિ ખરાબ માટીને કારણે વધતી જાય છે. આજની યુવા પેઢી સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મમાં દરરોજ હેલ્‍ધી ફુડ, ન્‍યુટ્રીશ્‍યન કે માટી વિશે એક પોસ્‍ટ લખી હેશટેગ કોન્‍સીયસ પ્‍લેનેટ, હેશટેગ સેવ સોઇલ કરી સદગુરુને તેમજ મોદીજી, કૃષી મંત્રી સહિતના નેતાઓને ટેગ કરી માટી બચાવવા વિશે જણાવીએ તો દ્યણો ફેર પડી શકે છે. વધુ વિગત માટે ળંhitniranjan સોશિયમ મીડિયામાં મેસેજ કરી શકે છે અથવા savesoli.org પર સર્ચ કરી શકે છે. (૩પ.૧૪)

માટી બચાવવા કેન્‍દ્ર અને રાજય સરકારોએ નિયમો બનાવવા જોઈએ

રાજકોટઃ મોહિત નિરંજને કહ્યું કે માટી બચાવો એ એક મહત્‍વપૂર્ણ અભિયાન છે. ખાતરના ઉપયોગને કારણે દેશના લાખો ખેડૂતોના ખેતરની માટી બગડી રહી છે. જેને બચાવવી એ ખૂબ જ ગંભીર પડકાર છે. આ અંતર્ગત હું લોકોને જાગૃત કરવા માટે સાયકલ પર નીકળ્‍યો છું. અમારો ઉદ્દેશ્‍ય એ છે કે કેન્‍દ્ર અને રાજય સરકારો પોતપોતાના વિસ્‍તારોમાં નિયમો બનાવે જેથી લદ્યુત્તમ ખાતરનો ઉપયોગ થઈ શકે. જો જમીનમાંથી પોષક તત્‍વો ખતમ થઈ જશે તો ખેતીને અસર થશે. દેશના કરોડો લોકોના સ્‍વાસ્‍થ્‍ય પર પણ વિપરીત અસર થશે. તેથી લઘુતમ ખાતરનો ઉપયોગ કરવો તે લોકોના હિતમાં છે.

જો હું ન રોકાયો

હોત તો...

હું ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૫ ના રોજ ઉદયપુરથી નીકળ્‍યો અને ભિલવાડા રોકાવાનો પ્‍લાન કર્યો હતો. હું લોકલ લોકોને આગળનો રસ્‍તો પૂછીને આગળ વધુ છુ. હું આગળ વધતો ગયો પણ ખુબ ચઢાણ આવ્‍યું. હલ્‍દી દ્યાટી પસાર કરતા ૬ કલાક થઇ. આગળ જતા જંગલ આવતુ હતુ. અચાનક અંદરથી અવાજ આવ્‍યો અને હું જયા હતો ત્‍યાંજ રોકાવાનો સંકેત મળ્‍યો. એક પેટ્રોલપંપ નજીક ટેન્‍ટ લગાવી રોકાવાનું નક્કી કર્યું. આગળના રસ્‍તા વિશે પૂછતા એક ટ્રક ડ્રાઇવરે જણાવ્‍યું કે, તમે અહિં રોકાયા તે સારૂ કર્યું કારણ આગળ ચઢાણ છે અને જંગલ છે જયાં કેટલાક આદિવાસીઓ રાત્રે લૂંટફાટ કરે છે જે ટ્રક ડ્રાઇવરને પણ નથી છોડતા.

(2:25 PM IST)