<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

નગરપાલિકા ચૂંટણીઃ મતદાન મથકમાં મોબાઇલ પર પ્રતિબંધઃ ૬પ થી ૭૦ ટકા મતદાન થશેઃ જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત

કલેકટરે આપેલ વિગતોઃ મતદાન સવારે ૭ થી સાંજે ૬: ૧પમીએ સ્‍ટાફ રવાના થશે...

રાજકોટ તા. ૧૩: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આગામી રવિવારે તા. ૧૬ના રાજકોટ જીલ્લાની પાંચ પાલિકા જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદરની યોજાનાર સામાન્‍ય ચૂંટણી અંગે અને ૪ તાલુકાની તાલુકા પંચાયતની-૬ બેઠકની પેટા ચૂંટણી અંગે પત્રકારોને જણાવેલ કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે, પોસ્‍ટલ બેલેટ છપાઇ ગયા બાદ મોકલાયા છે અને મતદાન લેવાઇ રહ્યું છે, તેમજ પોતે ગઇકાલે ૪ પાલીકાની મુલાકાત લઇ, તમામ તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી હતી, અન્‍ય બાબતોની સમીક્ષા કરાઇ હતી.

કલેકટરે જણાવેલ કે ચૂંટણીમાં મતદાન મથક-મતકુટીર સુધી કોઇપણ મતદાર કે પોલીસ કર્મચારી પોતાનો મોબાઇલ નહિં લઇ જઇ શકે, ૧પમીએ બપોર સુધીમાં તમામ પોલીંગ સ્‍ટાફ પોતાના બૂથનો કબજો લઇ લેશે, દરેક બૂથ એક પોલીસ કર્મચારી, એક જીઆરડી જવાન તૈનાત રહેશે.કલેકટરે જણાવેલ કે એક બિલ્‍ડીંગમાં બે બૂથ હશે ત્‍યાં અને સંવેદનશીલ મતદાન મથક ઉપર વધારાનો પોલીસ સ્‍ટાફ તૈનાત કરાશે, તથા પોલીસની મોબાઇલ પેટ્રોલીંગ વાન રાઉન્‍ડ ધ કલોક ફરતી રહેશે.

શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે, ઇવીએમ તૈયાર કરી લેવાયા છે, હાલ દરેક સ્‍થળના સ્‍ટ્રોંગ રૂમમાં બધું સીલ કરી દેવાયું છે, મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૬ સુધીનો રહેશે, તેમણે આશા વ્‍યકત કરી હતી કે પાલીકા-ચૂંટણીમાં ૬પ થી ૭૦ ટકા આસપાસ મતદાન થવાની સંભાવના છે.

(3:53 PM IST)