<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

શહેર ભાજપમાં જૂથવાદ અપાર, મહિલા મેયરનું અપમાન - અવગણના અપરંપાર

કુંભમેળામાં ગાડીનો વિવાદ ટોપ ગિયરમાં નાખી નયનાબેનને બદનામ કરવાનો પ્રયાસ : ગાડી પર કપડા સુકવવાના મુદ્દે ષડયંત્રની ભીનાશ મહત્‍વના નિર્ણયોમાં મેયરની બાદબાકી : ‘ઠાકર' કરે એ ઠીક?: ‘દોષી'ને ઉપરના આર્શીવાદ : ગ્રાન્‍ટ ફાળવણીમાં ગરીમા ન જળવાઈ : સ્‍વાર્થના રાજકારણનું ‘ભરત'


રાજકોટ, તા. ૧૩ : શહેરના મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડિયા કોર્પોરેશનની સત્તાવાર કાર લઈને પ્રયાગરાજ કુંભમેળામાં સ્‍નાન કરવા ગયા તેનો વિવાદ વ્‍યાપક રીતે ચગ્‍યો છે. મેયર ૨ રૂપીયે કિલોમીટર લેખે નહિં પણ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨ના ઠરાવ મુજબ કિલોમીટરના રૂપિયા ૧૨ લેખે ભરપાઈ કરવાની તૈયારી દર્શાવી તે અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે છતા મેયરને બદનામ કરવાના પ્રયાસો છોડવામાં આવ્‍યા નથી. મહિલા મેયર શહેર ભાજપના તીવ્ર જૂથવાદનો ભોગ બની રહ્યાનું જાણકારોનું કથન છે. એક જૂથ પોતાને અનુラકૂળ રાજકીય ‘ભરત' ભરી રહ્યુ છે. બીજુ જુથ તેનો મક્કમ મુકાબલો કરી ‘વિજય' માર્ગે આગળ વધવા માગે છે. અપાર જૂથવાદ અને અપરંપાર અવગણના તથા અપમાનથી શહેરના પ્રથમ નાગરીક એકદમ વ્‍યથિત થઈ ગયા છે.

શ્રીમતી નયનાબેન મેયર જેવા માનભર્યા સ્‍થાને છે. પ્રદેશ ભાજપ દ્વારા તેમની પસંદગી થઈ છે. શહેર ભાજપના એક - બે અગ્રણીઓ અને કોર્પોરેશનના એકાદ પદાધિકારીઓ દ્વારા પ્રેરીત ખેલ મુજબ તેમને સતત પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેવુ ચિત્ર સ્‍પષ્‍ટ થયુ છે. કુંભ મેળામાં ગાડીનો વિવાદ સર્જી મેયરને બદનામ કરવા પાછળ રાજકીય દોરી સંચાર હોવાનું મેયરના સમર્થકોનું માનવુ છે. કુંભમેળામાં સાથે કોને લઈ જવા તે મેયરનો અધિકાર હોવા છતાં બાકીના મહિલા કોર્ર્પોરેટર અને કાર્યકર્તાઓમાં અસંતોષની આગ પ્રગટાવવા પ્રયાસ થઈ રહ્યો છે. મેયરે સંપૂર્ણ સાદગીથી પ્રવાસ કરેલ. નાસ્‍તો પણ ઘરેથી બનાવેલો જ ઉપયોગ કરેલ. કોર્પોરેશનમાંથી અન્‍ય કોઈ ખર્ચ નાખેલ નથી. ગાડી પર ચુંદડી સુકવ્‍યાની થોડી જ મિનિટોમાં ફોટો વાયરલ થઈ જાય અને એકધારો નેગેટીવ પ્રચાર ચાલે તે બાબત સ્‍વાભાવિક ન હોવાનું મેયરની નજીકના વર્તુળો જણાવે છે. 

મેયર પદ ચુંટાયેલી પાંખ માટે સર્વોચ્‍ચ પદ છે. પ્રોટોકોલ મુજબ મેયર શહેરના પ્રથમ નાગરિક ગણાય છે. કોર્પોરેશનની મહત્‍વની સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે. મેયરને ગાડી, બંગલા અને ઓફીસ પુરતા સીમીત કરી દેવામાં આવ્‍યા છે. લોકોની વચ્‍ચે રહીને પાર્ટી માટે સંઘર્ષ કરીને મેયર પદ સુધી પહોંચેલા નયનાબેન પેઢડિયાને માનસિક રીતે થકાવી દેવા માટે ચોકકસ લોકો દ્વારા જાતજાતના પ્રયોગો થઇ રહયાં છે. કોર્પોરેશનના કોઈ કાર્યક્રમમાં મેયર સંજોગોવસાત થોડા મોડા પડે તો કાર્યક્રમ ફટાફટ આટોપી લેવાય તેવું પણ બને છે. મહાનગરપાલિકામાં ઠાકર કરે એ ઠીક અને સંગઠનમાં સુપ્રિમો જ સર્વસર્વામાં જેવી છાપ છે. બંનેને પ્રદેશ કક્ષાના નેતાના આર્શીવાદ હોવાનું કહેવાય છે. ‘ત્રિપુટી' દ્વારા જ પાર્ટી અને કોર્પોરેશનનો વહીવટ ચાલી રહ્યો હોવાની વાત પ્રદેશ સુધી પહોંચી છે. મેયરની ગ્રાન્‍ટ અન્‍ય પદાધિકારીઓની ગ્રાન્‍ટ કરતા વધુ હોય તેવી પ્રણાલિકાનો ભંગ થયો છે. મેયર, ડેપ્‍યુટી મેયર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનની ગ્રાન્‍ટમાં વધારો કરીને સમાન કરી નાખવામાં આવી છે.

સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી મનસ્‍વી રીતે વહીવટ ચલાવી રહ્યાની રજૂઆત થોડા સમય પહેલા થયેલી અને હવે આક્રમક રીતે પ્રદેશમાં સામુહિક રજૂઆત કરવાની તૈયારી થઈ રહ્યાના નિર્દેશ છે. શહેર ભાજપનો જૂથવાદ ચરમસીમાએ છે. મેયર સાથેનો જવાબદારોનો વ્‍યવહાર પદની ગરીમાને શોભાસ્‍પદ ન હોવાની ચર્ચાએ જોર પક્‍ડયુ છે.

મેયર દ્વારા પ્રદેશ અને રાષ્‍ટ્રીય કક્ષાએ રજૂઆતની તૈયારી : વિસ્‍ફોટનો વર્તારો

રાજકોટ, તા. ૧૩ : શહેર ભાજપ સંગઠન અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં અપમાન - અવગણનાનો દોર ચાલુ રહેતા મેયર નયનાબેન પેઢડીયા સખત નારાજ થઈ ગયાનું અને પોતાને બદનામ કરતા તત્‍વોને ખુલ્લા પાડવા પ્રદેશ અને રાષ્‍ટ્રીય કક્ષાએ રજૂઆત કરવા વિચારી રહ્યાનું જાણવા મળે છે. તેમણે પાર્ટીમાં ટોચના નેતાઓનો સમય માગ્‍યો છે. પાર્ટી અને કોર્પોરેશનના વહીવટ બાબતે ચોંકાવનારી રજૂઆત કરે તેવી શકયતા છે. સહનશકિતની હદ આવી જતા મેયર રાજકીય નવાજૂનીના મુડમાં હોવાની ચર્ચા છે.

(4:21 PM IST)