<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રાજકોટમાં ધોળા દિવસે ચાર રસ્તા પર ૩૬ તોલા સોનાની ચોરી

બનાવને લઈ પોલીસ એક્શન મોડમાં:સીસીટીવી ફૂટેજના આધારે આજીડેમ ચોરીની ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓ અંગે શોધખોળ હાથ ધરવામાં આવી છે

રાજકોટ,તા.૧૨

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આજીડેમ ચોકડી ખાતે દિન દહાડે અજાણ્યા વ્યક્તિ દ્વારા મહિલાના પર્સમાં રહેલ ૩૬ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે આજીડેમ ચોરીની ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓ અંગે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

૩૨ વર્ષીય શીતલ આહીર નામની પરિણીતા દ્વારા રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ૩૬ તોલા સોનાના દાગીનાની ચોરી ફરિયાદ નોંધાવી છે. ગત બીજી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં આજીડેમ ચોકડી પાસે ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધની કલમ ૩૦૩ (૨) મુજબ ૧૭,૭૦,૦૦૦ રૃ.ના સાત જેટલા સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ ખાતે રહેતી શીતલ આહીર નામની પરિણીતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, ''બીજી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મારે માસીના દીકરાના લગ્નમાં ખારચિયા ગામ ખાતે જવાનું હોવાથી મારા પતિ સવારના ૦૯:૦૦ વાગ્યાના અરસામાં હરીપર પાળ ગામ ખાતે મૂકી ગયા હતા. ત્યાંથી અમે પાંચ જેટલા વ્યક્તિઓ ઓટો રીક્ષામાં કે.કે.વી. હોલ ખાતે આવ્યા હતા.''

પરિણીતાએ આગળ કહ્યું કે, ''કે.કે.વી. હોલથી અન્ય રીક્ષામાં બેસીને આજીડેમ ચોકડી પાસે આવ્યા હતા. આજીડેમ ચોકડીથી ખારચિયા જવા માટે અમે સરકારી બસમાં બેસવા જતા હતા ત્યારે ટ્રાફિક હોવાના કારણે અજાણી મહિલાઓ ધક્કામુક્કી કરતી હતી. બસ થોડી આગળ ચાલતા મેં મારી પાસે રહેલ લેડીસ પર્સ ચેક કરતા તેમાં રાખેલ ઘરેણાંનો ડબ્બો જોવા નહોતો મળ્યો. આમ અજાણ્યા વ્યક્તિએ નજર ચૂકવી પર્સમાં રહેલ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.'

(9:54 PM IST)