<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રવિવારે રાજકોટ જીલ્લાની પાંચ પાલિકાની ચૂંટણીઃ કાલે બપોરે સ્‍ટાફ પહોંચશે

જડબેસલાક પોલીસ બંદોબસ્‍તઃ નોટાનો પણ ઉપયોગ કરી શકાશેઃ કુલ ૧૬૮ બેઠકો ઉપર ૪૬૯ ઉમેદવારો મેદાનમાં :મતદાનના દિવસે ત્રણ કલાકની ફરજીયાત રજા આપવાની રહેશેઃ ૪ હજારથી વધુનો સ્‍ટાફઃ ૩ર૪ મતદાન મથકોઃ ૪ર વોર્ડમાં મતદાન

રાજકોટ, તા. ૧૪ :.  આગામી તા. ૧૬ ના રવિવારે  રાજકોટ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કૂલ ૬ તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી બાબત અધિકારીઓએ  જણાવ્‍યું હતું કે, પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, તેમાં જસદણ નગરપાલિકામાં ૧ થી ૭ વોર્ડ માટેની ૨૮ બેઠકો પર ૬૪ ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કરાવ્‍યું છે, જેમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ૧ થી ૧૧ વોર્ડ માટેની ૪૪ બેઠકો પર ૧૪૦ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્‍યું છે. ધોરાજી નગરપાલિકામાં ૧ થી ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો પર ૧૧૦ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્‍યું છે. ભાયાવદર નગરપાલિકામાં ૧ થી ૬ વોર્ડ માટેની ૨૪ બેઠકો પર ૬૮ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્‍યું છે. ઉપલેટા નગરપાલિકામાં ૧ થી ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો પર ૮૭ ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્‍યું છે, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીઓમાં કૂલ ૧૬૮ બેઠકો પર કૂલ ૪૬૯ ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અત્‍યાર સુધીમાં કૂલ સાત બેઠકો બિન-હરીફ જાહેર કરાઈ છે.

નગરપાલિકાની ચૂંટણીઓની સાથોસાથ તાલુકા પંચાયતની કૂલ ૬ બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ગોંડલની એક બેઠક, ઉપલેટાની બે બેઠક, જેતપુરની એક બેઠક અને જસદણની બે બેઠક થઈને કૂલ ૬ બેઠક પર કૂલ ૧૨ ઉમેદવારોએ નામાંકન કર્યું છે.

નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્‍પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ વહીવટી તંત્રના ૪૧૧૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તમામ કર્મચારીઓને તાલીમબધ્‍ધ  કરાયા છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે ૨૮૪ પોસ્‍ટલ બેલેટ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે. સર્વીસ વોટર્સ માટે કૂલ ૧૭૩ પોસ્‍ટલ બેલેટ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે. સમગ્ર ચૂંટણીની વિવિધ કામગીરી માટે ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે હેલ્‍પલાઈન તથા ફરીયાદ કરવા માટે ૦૨૮૧-૨૪૭૧૫૭૩ નંબર નક્કી કરવામાં આવ્‍યો છે. તમામ બુથ ઉપર ચૂંટણી ફરજના સ્‍ટાફ માટે પીવાનું પાણી, બેડીંગ, ભોજન સહિતની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કૂલ પાંય સખી મતદાન મથકો નિયત કરવામાં આવ્‍યા છે. ઉપરોક્‍ત તમામ બેઠકોનું મતદાન  રવિવારે  તા. ૧૬/૦૨/૨૦૨૫ના રોજ કરવામાં આવશે અને મત ગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૦૯.૦૦ કલાકથી કરવામાં આવશે. કાલે બપોરે ૧ર વાગ્‍યાથી દરેક બૂથ ઉપર સ્‍ટાફ પહોંચવો શરૂ થશે, આ માટે બસ તથા અન્‍ય તમામ વાહનોની વ્‍યવસ્‍થા કરાઇ છે. 

     તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની હાથ ધરાશે. આ ઉપરાંત મતદારો નોટાનો ઉપયોગ પણ કરી શકાશે, મતદાનના દિવસે ભાઈઓ, બહેનો, યુવાનો, દિવ્‍યાંગ મતદારો, વરિષ્ઠ મતદારો સહિત તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ જિલ્લાના નોડલ અધિકારીએ કરી છે. મતદાનના દિવસે શ્રમિકો, કામદારો, કર્મચારીઓને મતદાન કરવા ત્રણ કલાકની રજા જે તે સંસ્‍થાઓ, કંપનીઓ દ્રારા આપવામાં આવશે. દરેક મતદાર મતદાન કરી પોતાની ફરજ અદા કરે તે ઇચ્‍છનીય છે. (પ-૮)

(10:36 AM IST)