તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
મોરબી રોડ ૮૦ ફુટ રોડ પર પતિ પાછળ બેઠેલા વૃધ્ધાનો ૯૫ હજારનો ચેઇન ખેંચાયો
અંબિકા રેસીડેન્સીના ભરતભાઇ પડીયા સાળાના દિકરાના ઘરે બેસીને રાતે અગિયારેક વાગ્યે ટુવ્હીલર પર પોતાના ઘરે જતાં હતાં ત્યારે બે શખ્સ ઝોંટ મારી ભાગી ગયા

રાજકોટ તા. ૧૪: ચિલઝડપનો વધુ એક બનાવ બન્યો છે. મોરબી રોડ એંસી ફુટ રોડ પરથી વૃધ્ધ તેમના પત્નિને ટુવ્હીલરમાં બેસાડીને પસાર થઇ રહ્યા હતાં ત્યારે રાતે અગિયારેક વાગ્યે બાઇક પર આવેલા બે ચિલડપકાર વૃધ્ધના પત્નિના ગળા પર ઝોંટ મારી રૂા. ૯૫ હજારનો ચેઇન ખેંચી ગયા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ ફોર્જ એન્ડ ફોર્જ પાછળ અંબીકા રેસીડેન્સી શેરી નં. ૧ વિસોત કૃપા ખાતે રહેતાં અને નિવૃત જીવન જીવતાં ભરતભાઇ ઓધવજીભાઇ પડીયા (ઉ.વ.૬૯)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભરતભાઇ પડીયાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહું છું. મારે ત્રણ દિકરા છે. ગુરૂવારે તેરમીએ હું અને મારા પત્નિ રંજનબેન (ઉ.વ.૬૫) મારા જ્યુપીટર ટુવ્હીલરમાં બેસીને મારા સાળાના દિકરા પરેશભાઇ ગુણવંતભાઇ દુબલ કે જેઓ જુના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ સદ્દગુરૂ પાર્ક-૧માં રહે છે તેના ઘરે બેસવા ગયા હતાં.
રાતે અગીયારેક વાગ્યે તયાંથી પરત અમારા ઘર તરફ જતાં હતાં ત્યારે ૮૦ ફુટ રોડ બોમ્બે એપાર્ટમેન્ટ પાસે પહોંચતા બે શખ્સ બાઇક પર આવ્યા હતાં. જેમાં પાછળ બેઠેલા શખ્સે મારા પત્નિના ગળા પર ઝોંટ મારી દોઢ તોલાનો પેન્ડન્ટ સહિતનો ચેઇન ખેંચી લીધો હતો. જે આશરે ૯૫ હજારની કિંમતનો હતો.
ચિલઝડપ કરનારા શખ્સે ભુરા બ્લુ રંગનું જેકેટ પહેરેલુ હતું. અંધારૂ હોઇ આ બંને તુરત જ ભાગી ગયા હતાં. તેના બાઇકના નંબર પણ નોંધી શકાયા નહોતાં. પીઆઇ એસ. એસ. રાણેના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:47 PM IST)










