<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રિક્ષાવાળો હંસરાજનગરના વેપારીના ૧.૧૦ લાખના રેડીમેઇડ કપડાનું પાર્સલ લઇ ‘છૂ': શકમંદની પુછતાછ

અશોકભાઇ પુનવાણીએ ઘરેંથી કેસરી પૂલ પાસે ટ્રાન્‍સપોર્ટની ઓફિસે પાર્સલ પહોંચાડવા ભાડાની રિક્ષા રવાના કરાવી હતી અને પાછળ ટુવ્‍હીલરમાં તેઓ રવાના થયા હતાં: તે પહોંચી ગયા પણ રિક્ષાવાળો આવ્‍યો જ નહિઃ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના હંસરાજનગરમાં રહેતાં કપડાના વેપારીએ રૂા. ૧,૧૦,૦૦૦ના કપડાનું પાર્સલ ટ્રાન્‍સપોર્ટ મારફત ગોંડલ મોકલવું હોઇ પોતાના ઘર પાસેથી રિક્ષા ભાડે કરીને કેસરી પૂલ પાસે આવેલી ટ્રાન્‍સપોર્ટની ઓફિસે પહોંચવા રવાના કર્યુ હતું. પાછળ પાછળ તેઓ પણ ટુવ્‍હીલરમાં ત્‍યાં ગયા હતાં. પરંતુ  રસ્‍તામાં નજર ચુકવી રિક્ષાવાળા કપડાના પાર્સલ સાથે ગાયબ થઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં ન મળતાં ઠગાઇની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે હંસરાજનગર-૧ ભીડભંજન ખાતે રહેતાં અશોકભાઇ મોહનભાઇ પુનવાણી (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી સીએનજી રિક્ષાના આશરે ૩૦ થી ૩૫ વર્ષના ચાલક વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અશોકભાઇ પેડક રોડ પર જે. પી. ફેશન નામે કપડાની દૂકાનમાં વેપાર કરતાં હતાં. તેણે જણાવ્‍યું હતું કે હાલમાં મેં મારી દૂકાન બંધ કરી હોઇ ત્‍યાં પડેલા કપડા સહિતનો માલસમાન મારા ઘરે લાવ્‍યો હતો. આ માલ મારે અન્‍ય પાર્ટીને હું ઘરેબેઠા વેંચુ છું. તા. ૧૨/૨ના સાંજે પાંચેક વાગ્‍યે મારે મારા ઘરેથી કપડાનું પાર્સલ ગોંડલ રહેતાં મોઇનભાઇને મોકલવાનું હતું. આ માટે મેં અલગ અલગ સાઇઝના ૧૦૯ પેન્‍ટ, તથા ૧૦૮ નંગ શર્ટ મળી કુલ ૨૧૭ કપડા રૂા. ૧,૧૦,૦૦૦ના પ્‍લાસ્‍ટીકના બોરામાં પેક કર્યા હતાં અને આ કપડાનું પાર્સલ કેસરી હિન્‍દ પૂલ પાસે આવેલા ગુરૂકૃપા ટ્રાન્‍સપોર્ટ ખાતે પહોંચાડવાનું હોઇ જેથી એક સીએનજી રિક્ષા ઘર પાસેથી ભાડે કરી હતી. આ રિક્ષાના નંબર કે તેના ચાલકનું નામ મેં પુછ્‍યું નહોતું.

રિક્ષામાં કપડાનું પાર્સલ ચડાવી કેસરી પૂલ સુધી તેને જવા રવાના કર્યો હતો અને હું પણ પાછળ પાછળ મારુ ટુવ્‍હીલર લઇને રવાના થયો હતો. કેસરી પૂલના ગુરૂકૃપા ટ્રાન્‍સપોર્ટ ખાતે હું તો પહોંચી ગયો હતો પરંતુ મેં જે રિક્ષામાં કપડાનું પાર્સલ મોકલ્‍યું હતું એ રિક્ષાવાળો અહિ પહોંચ્‍યો નહોતો. શોધખોળ કરવા છતાં તે નહિ મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં અશોકભાઇએ જણાવતાં પ્ર.નગર પીઆઇ પી. આર. ડોબરીયાની રાહબરીમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યા બાદ  ડી. સ્‍ટાફના પીએસઆઇ આઇ. એ. બેલીમ અને ટીમે ગુનો ઉકેલવા તપાસ હાથ ધરી એક શકમંદને સકંજામા લઇ પુછતાછ હાથ ધરી છે.

(3:58 PM IST)