<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

‘રીક્ષા ગેંગ' ઝળકીઃ ઉલ્‍ટી ઉબકાનું બહાનું કરી રૂા. ૧ર હજાર સેરવી લઇ પ્રેમજીભાઇ મકવાણાને ઉતારી મુકયા

ઇન્‍દીરા સર્કલ બ્રીજ ઉપર બનાવઃ રીક્ષા ચાલક સહિત ચારની શોધખોળ

રાજકોટ તા. ૧૪: રૈયા ચોકડીએથી રીક્ષામાં બેસીને જઇ રહેલા યુવાનને રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્‍સોએ ઉલ્‍ટી ઉબકાનું બહાનું કરી યુવાનના ખીસ્‍સામાંથી રૂા. ૧ર હજાર રોકડા સેરવી લઇ ઇન્‍દીરા સર્કલ બ્રીજ ઉપર રીક્ષામાંથી ઉતારી મુકતા યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ વાવડી રોડ પર ન્‍યુ જય ભારત સોસાયટી શેરી નં. ૧/ર માં રહેતા પ્રેમજીભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ. ૩૧) એ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રેમજીભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું લેન્‍ડ માર્ક હોન્‍ડા શો રૂમમાં નોકરી કરૂં છું. ગઇકાલે બપોરના સમયે કસ્‍ટમર મિલનભાઇ પરસાણાની ફોર વ્‍હીલ કાર શોરૂમેથી લઇને રૈયા રોડ સૌરભ સોસાયટીમાં તેના ઘરે મુકવા ગયા હતા ત્‍યાં મિલનભાઇએ બીલનું પેમેન્‍ટ રૂા. ૧૧,૪૦૦ રોકડા પૈસા મેં મારા પેન્‍ટના ખીસ્‍સામાં રાખ્‍યા હતા. બાદ તેના ઘરેથી ચાલીને રૈયા ચોકડી સુધી આવ્‍યા બાદ ગોંડલ રોડ ચોકડીએ જવા માટે હું એક સી.એન.જી. રીક્ષામાં બેસીને નીકળ્‍યો હતો. રીક્ષામાં અગાઉથી ત્રણ પેસેન્‍જરો બેઠા હતા. રીક્ષા ઇન્‍દીરા સર્કલનો બ્રીજ ચડતા થોડે આગળ જતા રીક્ષામાં મારી બાજુમાં બેઠેલા પેસેન્‍જરને ઉલ્‍ટી ઉબકા થવા લાગતા મેં રીક્ષા ચાલકને રીક્ષા ઉભી રાખવાનું કહેતા ચાલકે રીક્ષા ઉભી રાખી હતી અને ચાલકે કહેલ કે ‘તમે બીજી રીક્ષામાં જતા રહેજો આ મારૂં સ્‍પેશીયલ ભાડુ છે' તેમ કહી મને રીક્ષામાંથી ઉતારી મુકયા બાદ ચાલક રીક્ષા લઇને જતો રહ્યો હતો. બાદ મેં મારા પેન્‍ટના ખીસ્‍સામાં જોતા રોકડા રૂપિયા જોવામાં ના આવતા ખીસ્‍સામાં ગ્રાહકે આપેલ રૂા. ૧૧,૪૦૦ અને મારા રૂા. ૬૦૦ મળી રૂા. ૧ર૦૦૦ની રોકડ રીક્ષામાં બેઠેલા શખ્‍સોએ કાઢી લીધા હોવાની ખબર પડતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે હેડ કોન્‍સ. કે. પી. સાગરે તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)