News of Saturday, 15th February 2025
પેંડા ગેંગના પરેશ પર જંગલેશ્વરની ગેંગનું ફાયરીંગ
રાજકોટમાં ગેંગવોરઃ મકરસંક્રાંતિએ પરેશ ઉર્ફ પરીયો, મેટીયો ઝાલા, યાસીન ભૂરો સહિતે ગોકુલધામમાં યુવતિની છેડતી કરી તેના મિત્ર જંગલેશ્વરના સોહેલને ધોકાવી ફ્રેકચર કરી નાંખતા બધા જેલમાં ગયા હતાં: પરેશ પાંચ દિવસ પહેલા જ છુટયો અને બદલો લેવા હુમલો કરાયોં: વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પરેશ બળદા ઘર બહાર હતો ત્યારે વર્ના કારમાં આવેલા સોહેલ સમા, તોસિફ સમા સહિતનાએ એક રાઉન્ડ ફાયરીંગ કર્યુઃ તાલુકા પોલીસે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યોઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા હોસ્પિટલે દોડી આવ્યાઃ તાલુકા પીઆઇ ડી.એમ. હરિપરા અને ટીમે ગુનો નોંધ્યોઃ અરોપીઓને ઝડપી લેવા ડીસીબી, એસઓજી, એલસીબી, ડી. સ્ટાફની ટીમો કામે લાગી

ફાયરીંગમાં ઘાયલ થયેલો પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩), તેની પાસેથી ઘટનાની વિગતો મેળવી રહેલા ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, હોસ્પિટલ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: શહેરના ગોંડલ રોડ વાવડી પુનિતનગરમાં વહેલી સવારે ફિલ્મી ઢબે ફાયરીંગ થતાં ચકચાર મચી ગઇ હતી. પેંડા ગેંગના સાગ્રીત અને જંગલેશ્વરના શખ્સ વચ્ચે ચાલતી માથાકુટ હવે ગેંગવોરમાં પલ્ટાઇ ગયાનું આ ઘટના પરથી જણાઇ આવ્યું છે. પુનિતનગર-૧૬માં રહેતાં અને પેંડા ગેંગના સાગ્રીત તરીકે ઓળખાતા પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩) નામના યુવાન પર વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે તે ઘર બહાર બેઠો હતો ત્યારે કારમા આવેલા જંગલેશ્વરના શખ્સોમાંથી કોઇએ એક રાઉન્ડ ફાયરીંગ કરતાં પરેશને ડાબા પગમાં ગોળી ખૂંપી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. મકરસંક્રાંતિની સાંજે પરેશે ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતી ચોવીસ વર્ષની યુવતિની છેડતી કરી વચ્ચે પડેલા જંગલેશ્વરમાં રહેતાં આ યુવતિના મિત્ર સોહિલ સમાને ધોકાથી છરીથી હુમલો કરી ફટકાર્યો હતો. આ ગુનામાં પરેશ સહિતના જેલમાં ગયા હતાં અને પાંચેક દિવસ પહેલા જ છુટયા હતાં. આ ડખ્ખાનો ખાર રાખી સવારે સોહેલ, તેના ભાઇ સહિતનાએ ભડાકો કર્યાનું ખુલ્યું હતું.
બનાવની વિગતો જણાવતાં હોસ્પિટલના બિછાનેથી પરેશ ઉર્ફ પરીયો બળદાએ કહ્યું હતું કે સાંજે અમે જસદણ તરફ દર્શન કરવા ગયા બાદ વહેલી સવારે પરત આવ્યા હતાં. સવારે સાડા પાંચેક વાગ્યે હું મારા ઘર બહાર બેઠો હતો. આ વખતે સફેદ રંગની વર્ના કારમાં જંગલેશ્વરનો સોહેલ સમા, તોૈસીફ સમા, સમીર મુર્ગો, મજુડો, સંજય સહિતના આવ્યા હતાં. કાર થોડે દૂર ઉભી રહેતાં મને શંકા જતાં જ હું પથ્થર ઉપાડવા ગયો ત્યાં જ મારા પર ફાયરીંગ થયું હતું. જેમાં મને ડાબા પગમાં ગોળી લાગી જતાં સોહેલ સહિતના કારમાં ભાગી ગયા હતાં. આ ઘટના બની ત્યારે નજીકમાં અન્ય કોઇ ઘટના બારામાં પોલીસ તપાસમાં આવી હોઇ પોલીસે કારનો પીછો કર્યો હતો. એ પછી મને મિત્રો સહિતે હોસ્પિટલે ખસેડયો હતો.
પરેશ બે ભાઇ અને એક બહેનમાં બીજો છે અને કુંવારો છે તે છુટક મજૂરી કરે છે. પરેશે વધુમાં કહ્યું હતું જંગલેશ્વરના શખ્સો સાથે અમારી ગેંગને માથાકુટ ચાલે છે. તાજેતરમાં ગયા મહિને સંક્રાંતિ ઉપર ફરીથી મારે સોહેલ સાથે તેની ગર્લફ્રેન્ડને કારણે ગોકુલધામ ક્વાર્ટરમાં માથાકુટ થઇ હતી. ત્યારે મારા અને મારા મિત્રો સહિતના વિરૂધ્ધ ગુનો નોંધાતા અમે જેલમાં ગયા હતાં. પાંચ દિવસ પહેલા જ હું જેલમાંથી બહાર આવ્યો હોઇ ખાર રાખી વળતો હુમલો કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને ઘાયલ પરેશની પૃછા કરી વિગતો મેળવી હતી. બીજી તરફ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરા સહિતના સ્ટાફે ફરિયાદ નોંધવા દોડધામ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ ટીમ પણ આરોપીઓને શોધી કાઢવા કામે લાગી હતી.
અગાઉની માથાકુટની વિગતો એવી છે કે મકરસંક્રાંતિની સાંજે ગોકુલધામ પાસે ક્વાર્ટરમાં યુવતિ ઘરે પોતાના મિત્ર જંગલેશ્વરમાં રહેતાં સોહીલ સમા સાથે બેઠી હતી ત્યારે પરીયો ઉર્ફ પરેશ ગઢવી, મેટીયો ઝાલા, યાસીન ઉર્ફ ભુરો અને અજાણ્યાએ આવી યુવતિની છેડતી કરી હતી.
યુવતિ ચારેક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત જંગલેશ્વરના સોહીલ સાથે સંપર્કમાં આવી હતી એ પછી અમે અવાર-નવાર બંને મળતાં હતાં. સંક્રાંતિના દિવસે યુવતિ ઘરે હતી અને મિત્ર સોહિલ પણ હાજર હતો ત્યારે આ વખતે મેટીયો ઝાલા, પરેશ ઉર્ફ પરીયો, યાસીન અને અજાણ્યાએ આવી યુવતિને બહાર બોલાવી હતી. આ વખતેં મેટીયાએ તેણીનો હાથ પકડી લઇ બિભત્સ માંગણી કરી ‘તું મારી સાથે આવ' તેમ કહેતાં તેણીએ ના પાડતાં મેટીયો સહિત ચારેયએ ઝપાઝપી કરી તેણીનું ટી-શર્ટ ફાડી નાખ્યુ હતું. એ વખતે તેણીનો મિત્ર સોહીલ વચ્ચે પડતાં ચારેયએ સોહિલને ધોકાથી માર માર્યો હતો. તેમજ મેટીયાએ છરી કાઢી સોહિલને મારવા ઘા ઉગામતાં તેણે હાથ આડા રાખતાં ઇજા થઇ હતી. દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં.આ હુમલામાં સોહિલને જમણા હાથે કોણીના ભાગે ફ્રેકચર અને ડાબા હાથે આંગળીમાં ઇજા થઇ હતી. તેમજ ડાબા ઢીંચણે માઇનોર ફ્રેકચર થયું હતું. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે. એચ. ચાવડાએ તે વખતે ગુનો નોંધતા પરેશ ઉર્ફ પરીયો ગઢવી, મેટીયો સહિતનાની ધરપકડ થઇ હતી અને જેલમાં ગયા હતાં. થોડા દિવસ પહેલા જ પરેશ ઉર્ફ પરીયો જેલમાંથી બહાર આવ્યો હતો અને આજે અગાઉનો બદલો લેવાના ઇરાદે જંગલેશ્વરના સોહીલ સહિતનાએ આવી ફાયરીંગ કર્યુ હોવાની વિગતો બહાર આવી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે. (૧૪.૬)
(2:29 PM IST)










