News of Saturday, 15th February 2025
૧૪ વર્ષની છાત્રાનું છાત્રએ અપહરણ કર્યુઃ કારમાં બળાત્કાર
સગીર વયની છાત્રા બગીચામાં નાની બહેન સાથે હતી ત્યારે ધો-૧૧નો સગીર છાત્ર પણ બે મિત્રો સાથે હતોઃ છાત્રા પાસે સ્નેપચેટ આઇડી માંગી, ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું, મોબાઇલ નંબર માંગ્યા પણ ફોન ન હોઇ બહેનપણીની આઇડીમાંથી વાતો કરીઃ અઠવાડીયુ વાતચીત શરૂ કરી અને ફસાઇ ગઇઃ ગઇકાલે બાળાને વાતચીત કરવાના બહાને ઉઠાવી લીધી : મહેંદી મુકાવવા નીકળેલી બાળાને જીવનનગર નજીકથી કાળા કાચવાળી ગાડીમાં બેસાડી આલાપ ગ્રીન સીટી નજીક પેટ્રોલ પંપ પાછળ લઇ ગયાઃ બે મિત્રોને નાસ્તો લેવા મોકલી છાત્રાને પાછળની સીટમાં લઇ જઇ બળજબરી આચરી લીધીઃ દિકરીને ઘરે આવવામાં મોડુ થતાં શોધખોળ શરૂ થતાં પરત જ્યાંથી બેસાડી હતી ત્યાં ઉતારી મુકીઃ વાલીએ પુછતાછ કરતાં સમગ્ર ઘટના જણાવતાં પોલીસ ફરિયાદ : રૈયા રોડ પર બનાવઃડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમે તુરંત કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૫: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં એક સગીર છાત્રા બગીચામાં નાની બહેન સાથે બેઠી હતી ત્યારે પોતાના મિત્રો સાથે એક સગીર છાત્ર પણ ત્યાં હોઇ તેણે સગીરા પાસે સ્નેપચેટ આઇડી માંગી બાદમાં ફ્રેન્ડશીપ કરવાના બહાને ફોન નંબર માંગ્યા હતાં. પણ બાળા પાસે મોબાઇલ ન હોઇ બહેનપણીની આઇડી આપી હોઇ તેના મારફત વાતચીત શરૂ કર્યા બાદ ગઇકાલે સાંજે સગીરાનું રૈયા રોડ જીવનનગર વિસ્તારમાંથી પોતાના બે મિત્રો સાથે મળી કારમાં અપહરણ કરી આલાપ ગ્રીન નજીક નાયરાના પેટ્રોલ પંપ પાસે કાર લઇ જઇ પોતાના બે મિત્રોને નાસ્તો લેવા રવાના કર્યા બાદ સગીરે કારમાં જ આ સગીરા સાથે બળાત્કાર ગુજારી લઇ એ પછી મિત્રો સાથે મળી જો કોઇને વાત કરીશ તો મારી નાખશું તેવી ધમકી આપી સગીરાને જવા દીધી હતી. ઘટના પોલીસ સુધી પહોંચતા ગાંધીગ્રામ પોલીસે તત્કાળ કાર્યવાહી કરી સગીર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી એકને અટકાયતમાં લીધો છે.
આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૧૪ વર્ષની વિદ્યાર્થીનીના માતાની ફરિયાદ પરથી સગીર અને તેના બે અજાણ્યા મિત્રો વિરૂધ્ધ બીએનેએસની કલમ ૧૩૭ (૨), ૮૪, ૬૪ (આઇ), ૬૫ (૧), ૩૫૧ (૩), ૫૪ તથા પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર બાળા ધોરણ-૯ની વિદ્યાર્થીની છે અને થોડા દિવસ પહેલા તે નાની બહેન સાથે બગીચામાં બેઠી હતી ત્યારે આરોપી સગીર વિદ્યાર્થી કે જે ધોરણ-૧૧માં ભણે છે તે પણ તેના બે મિત્રો સાથે બગીચામાં હતો. આ વખતે સગીરા અને આરોપી સગીર એકબીજાની સામે જોયા બાદ સગીરે છાત્રા પાસે જઇ સ્નેપચેટ આઇડી માંગી હતી. પરંતુ છાત્રાએ પોતે આ આઇડી ધરાવતી નથી અને મોબાઇલ પણ વાપરતી નથી તેમ કહી બહેનપણીની આઇડી આપી હતી. એ પછી સગીર આ આઇડી મારફત વાતચીત શરૂ કરી હતી.
એ દરમિયાન ગઇકાલે બાળા ઘરેથી રૈયા રોડ જીવનનગર તરફ બહેનપણીના ઘરે મહેંદી મુકાવવા જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળતાં તેના પિતા તેને ત્યાં મુકી આવ્યા હતાં. પિતા જતાં રહ્યા એ દરમિયાન સગીર અને તેના બે મિત્રો વર્ના કાર લઇને ત્યાં આવ્યા હતાં. સગીરે આ છાત્રાને બોલાવી કારમાં બેસી જવાનું કહેતાં તેણીએ મારે પ્રસંગમાં જવાનું છે, મમ્મી પપ્પા રાહ જોવે છે તેમ કહી કારમાં બેસવાની ના પાડતાં તેણીને સગીરના બે મિત્રોએ તારે આની સાથે અફેર છે બદનામ કરી દઇશું કહી ધમકાવી વાતચીત કરવાના બહાને કાળા કાચવાળી કારમાં ખેંચી લીધી હતી.
એ પછી કારને રૈયા રોડ આલાગ ગ્રીનસીટી તરફ નાયરાના પંપ પાછળના ભાગે લઇ જવાઇ હતી અને ત્યાં રસ્તાની સાઇડમાં ઉભી રાખી દેવાઇ હતી. આ પછી સગીરે પોતાના બે મિત્રોને નાસ્તો લેવાના બહાને બહાર મોકલી દીધા હતાં અને સગીરાને કારની પાછળની સીટમાં લઇ જઇ તેની પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી.
પરંતુ છાત્રાએ ના પાડતાં તેણે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ સગીરે પોતાના બે મિત્રોને બોલાવ્યા હતાં અને ફરીથી જીવનનગરમાં ઉતારી ત્રણેય ભાગી ગયા હતાં.
ભોગ બનનાર બાળા મોડે સુધી ઘરે ન આવતાં તેણીના મમ્મી, પપ્પા સહિતના લોકો શોધતા હતાં. એ દરમિયાન તેણીએ બહેનપણીના ઘરેથી ફોન કરતાં બધા ત્યાં પહોંચ્યા હતાં અને તેણીને ઘરે લઇ ગયા હતાં. ઘરે પહોંચ્યા પછી તે ગભરાયેલી હોઇ પરિવારજનોએ પુછતાછ કરતાં તેણીએ પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિગતો જણાવતાં પરિવારજનો ચોંકી ગયા હતાં.
ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણીમેડમ, રાઇટર હંસરાજભાઇ સહિતે ગુનો નોંધી એક સગીર વિદ્યાર્થીને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. સગીર વિદ્યાર્થીએ સગીર વયની છાત્રાનું બે મિત્રો સાથે મળી અપહરણ કરી કારમાં જ બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે.
(2:24 PM IST)










