News of Saturday, 15th February 2025
વાણીયાવાડીમાં પીવાના દુષિત પાણીની સમસ્યાનો કાયમી હલ લાવવા ડી.આઇ. પાઇપ લાઇન ફીટ કરાવો
વારંવાર ભુગર્ભના પાણી ભળી જવાની ફરીયાદો : વિસ્તારવાસીઓની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૧૫ : વાણીયાવાડી વોર્ડ નં. ૧૪ ના વિસ્તારમાં પીવાના પાણીમાં દુષિત પાણી ભળી જવાની અનેકવાર ફરીયાદો ઉઠી હોય ડી.આઇ. પાઇપ લાઇન નાખવા આ વિસ્તારના લોકોએ મ્યુ. કમિશ્નર સમક્ષ અરજ કરી છે.‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાણીયાવાડી વિસ્તારના રજુઆતકર્તાઓએ જણાવ્યુ હતુ કે આ વિસ્તારની પીવાના પાણીની લાઇનો ખુબ જુની હોય જર્જરીત થઇ ગઇ છે. જેના કારણે ભુગર્ભ ગટરના પાણી તેમા ભળી જવાથી વારંવાર દુર્ગંધવાળુ પાણી મળવાની લોકોમાં ફરીયાદ રહે છે.
દુષિત પાણી મળવાથી લોકોના આરોગ્ય સામે મોટુ જોખમ રહે છે. ઝાડાઉલ્ટી, તાવના કેસો નોંધાતા રહે છે. લોકોના આરોગ્યની સુરક્ષાનો પ્રશ્ન સર્જાયો છે.
૫૦ વર્ષ જુની લાઇન હોવાના કારણે આવુ થાય છે. જેથી વોર્ડ નં. ૧૪ ના વાણીયાવાડી વિસ્તારમાં નવી ડી.આઇ. લાઇન નાખવામાં આવે તો આ સમસ્યાનો કાયમી હલ આવી શકે. આ દિશામાં ત્વરીત પગલા ભરવા વાણીયાવાડીના લોકોએ માંગણી ઉઠાવી છે. આ બાબતે મ્યુ. કમિશ્નરને લેખિત રજુઆત થઇ છે.તસ્વીરમાં ‘અકિલા' ખાતે વાણીયાવાડીના લોકોવતી વિગતો વર્ણવતા મશરૂભાઇ ડાભી, પ્રિતેશભાઇ મહેતા, સતિષભાઇ માણેક, વનરાજસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:22 PM IST)










