News of Saturday, 15th February 2025
એસ.કે.ચોક પાસે પાણીના પ્લાન્ટમાં પાણીનો જગ આપવાની ના પાડી ત્રણ મહિલા પર સંચાલકનો હુમલો
રૈયાધાર શાંતીનગરના દિવ્યાબેન ડાભીની ગાંધીગ્રામ પોલીસમાં પ્લાન્ટ માલીક હર્ષ વાળા સામે તેમજ સામાપક્ષે દિગ્વીજય વાળાની ત્રણ મહિલા સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ મેઇન રોડ પર એસ.કે. ચોક પાસે આવેલ પાણીના પ્લાન્ટ પર પાણીનો જગ લેવા ગયેલા યુવાન સાથે માથકુટ થયા બાદ તેને સમજાવવા ગયેલી બે મહિલાઓ સાથે ઝધડો કરી પાણીનો જગ આપવાની ના પાડી પ્લાન્ટના સંચાલકે પ્લાસ્ટીકના પાઇપથી મારમારતા સામસામી ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર સીટી કોટયાર્ડ સામે શાંતીનગર શેરી નં. ૧ માં રહેતા દિવ્યાબેન નીતીનભાઇ ડાભી (ઉ.૨૩) એ ગાંધીગ્રામ પોલીસમાં ગાંધીગ્રામમાં રહેતા હર્ષ જયરાજભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ બે પરિવાર સાથે રહે છે. ગઇકાલે રાત્રે દિયર લલીતભાઇ તેના ઘર નજીક આવેલા પાણીના પ્લાન્ટ પર પાણીનો કેરબો ભરવા માટે ગયા હતા ત્યારે સાથે પ્લાન્ટના સંચાલક હર્ષે માથાકુટ કરી હતી બાદ દિયર ઘરે આવ્યા બાદ જાણ કરતા દિવ્યાબેન તથા દેરાણી બંશીબેન અને દેરાણીના બહેન ક્રિષ્નાબેન સતીષભાઇ મકવાણા ત્રણેય પાણીના પ્લાન્ટે જઇ ત્યાં બેઠેલા શખ્સને સમજાવેલ કે મારા દિયર સાથે કેમ તમે કારણ વગર ઝઘડો કરો છો તો પ્લાન્ટના સંચાલક હર્ષ વાળાએ ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ પ્લાસ્ટીકના પાઇપ વડે મારમારવા લાગ્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા બાદ ત્રણેય મહિલાઓને વધુ મારથી છોડાવ્યા હતા દિવ્યાબેન તેનો દેરાણી અને તેના દેરાણી અને તેના બહેન ત્રણેયને ઇજા થઇ હોઇ ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે સામાપક્ષે ગાંધીગ્રામ શેરીનં. ૧ માં રહેતા અને એસ.કે. ચોક પાસે પાણીનો પ્લાન્ટ ચલાવતા દીગ્વીજય જયરાજભાઇ વાળા (ઉ.વ.૨૫)એ ગાંધીગ્રામમાં રહેતા બંસીબેન ડાભી તેના જેઠાણી દિવ્યાબેન અને બંસીબેનના બહેન ક્રિષ્નાબેન મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. દીગ્વીજયે ફરિયાદમાં જણાવ્યું છે કે મારો નાનોભાઇ હર્ષ (ઉ.વ. ૧૮) પાણીના પ્લાન્ટ પર બેઠો હતો ત્યારે આ ત્રણેય મહિલાઓએ આવીને કહેલ કે કેમ તમે મારા દિયરને પાણીનો જગ આપતા નથી તેમ કહી હર્ષને ગાળો આપી ઝઘડો કરી ઝાપટો મારી હતી આ અંગે ગાંધીગ્રામપોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ એસ.એલ. ગોહિલે તપાસ હાથધરી છે. (
(3:07 PM IST)










