<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વાવડીમાં પેંડાગેંગના સાગરીત પર ફાયરીંગ બાદ મુર્ગો, ભાણો, નવાઝ યુપી ભાગે એ પહેલા ઝડપાયાઃ ચોથો પણ હાથવેંતમાં

એક મહિનાથી ચાલતી માથાકુટમાં સોશિયલ મિડીયા પર વોર થયા બાદ આઠ દિવસ રેકી કરી પરેશ પર ભડાકો કરાયો હતો : સોહિલ ઉર્ફ ભાણો, શાહનવાઝ ઉર્ફ નવાઝ અને સમીર ઉર્ફ મુર્ગોને કાર, પિસ્‍તોલ, કાર્ટીસ, રોકડ સાથે એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે પકડી લીધાઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ડીસીબીની ટીમ પણ સામેલઃ આગળની તપાસ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાએ હાથ ધરી : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલની બાતમી પરથી ત્રિપુટી ઝડપાઇ : કોલેજ સુધી ભણેલો મુર્ગો સંગદોષના કારણે ગુનાખોરીના રવાડે ચડયોઃ ૧૨ ગુનામાં સામેલઃ મોટે ભાગે તે યુપી રહે છેઃ પિસ્‍તોલ ત્‍યાંથી લાવ્‍યો હતોઃ ગુનામાં વપરાયેલી વર્ના કાર ભાણો અને નવાઝના મામા સંજલો ઉર્ફ સમીરની હતી

તસ્વીરમાં ઍસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, ઍસઓજી પીઆઇ સંજયસિંહ ઍમ. જાડેજા અને તેમની ટીમ, ઝડપાયેલા ત્રણેય આરોપીઓ, કબ્જે થયેલી કાર, પિસ્તોલ, કારટીસ, રોકડ જાઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર વાવડી પુનિતનગરમાં શનિવારે વહેલી સવારે ગેંગવોરની  ઘટનામાં પેંડા ગેંગ સાગરીત ગણાતા શખ્‍સ પર  જંગલેશ્વર ગેંગ દ્વારા ફાયરિંગ કરી હત્‍યાની કોશિષ કરવામાં આવી હતી. આ ગુનામાં  શહેર એસઓજીએ જંગલેશ્વર ગેંગના ત્રણને દબોચી લઈ કાર, પિસ્‍તોલ અને કારટીસ તેમજ રોકડ કબજે લીધા છે. આ ત્રણેય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગંભીર ગુનો આચરી આ ત્રિપુટી યુપી તરફ ભાગી જવાના પ્‍લાનમાં હતી. એ પહેલા દબાચી લેવાયા હતાં. સંક્રાંતિ ઉપર શરૂ થયેલા ડખ્‍ખા બાદ સામ સામે સોશિયલ મિડીયા પર વોર જામી હતી. એ પછી જંગલેશ્વર ગેંગ દ્વારા નવ દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને પેંડા ગેંગના સાગ્રીતને ડરાવવા તેના પર ભડાકો કરાયો હતો. નામચીન સમીર ઉર્ફ મુર્ગો આ પિસ્‍તોલ યુપીથી લાવ્‍યો હતો. તે મોટા ભાગે યુપીમાં જ રહે છે અને રાજકોટ આવતો જતો રહે છે. આ ગુનામાં ચોથો યુપીનો શખ્‍સ પણ હાથવેંતમાં છે.

 વાવડી પુનિતનગરમાં પેંડા ગેંગના પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩) પર કારમાં આવેલા જંગલેશ્વરના શખસોએ મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં એસઓજીના એએસઆઇ ફિરોઝભાઈ શેખ, હેડકોન્‍સ સિધ્‍ધરાજસિંહ જાડેજા તથા કોન્‍સ કિશોરભાઈ ઘુઘલની બાતમીના આધારે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઇ પઠાણ (ઉ.વ.૨૬ ધંધો. ભંગારનો રહે. એકતા કોલોની શેરી નં ૦૭ જંગ્‍લેશ્વર), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્‍તાકભાઇ વેતરણ (ઉ.વ.૧૯ ધંધો. અભ્‍યાસ રહેવાસી. જંગ્‍લેશ્વર શેરી નં. ૦૭ હુશેની ચોક રાજકોટ હાલ રહે. દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્‍વાજા એપાર્ટમેન્‍ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટી) તથા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉ.વ.૨૧,. મજુરી રહે. જંગ્‍લેશ્વર શેરી નં.૬ હુશેની ચોક)ને પકડી લઈ દેશી બનાવટની સિલ્‍વર તથા બ્‍લેક પીસ્‍ટલ એક રૂ.૨૫ હજારની, જીવતા કારતુસ નંગ ૦૨ રૂ.૨૦૦ના તથા વર્ના કાર નંબર જી.જે.૧૩ સી.ઇ ૦૦૧૩ તેમજ રોકડા રૂપીયા ૨૭,૦૦૦ મળી રૂપિયા ૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ ગુન્‍હાહિત ઇતીહાસ ધરાવે છે. સમીર ઉર્ફે મુર્ગો ચોરી, મારામારી, દારૂ, જુગાર, હત્‍યાની કોશિશ સહિત ૧૨ ગુનામાં સંડોવાઈ ચુકયો છે. જ્‍યારે શાહનવાઝ ઉર્ફે નવાઝ રાયોટિંગના ગુનામાં અને સોહીલ ઉર્ફે ભાણો રાયોટિંગના બે ગુંના, જુગાર સહિત ૪ ગુનામાં સંડોવાઈ ચુકયો છે.

તપાસમાં ખુલ્‍યા મુજબ સંક્રાંતિને દિવસે સોહિલ ઉર્ફ ભાણાની ગર્લફ્રેન્‍ડ કે જે ગોકુલધામ ક્‍વાર્ટરમાં રહે છે તેની પરેશ ઉર્ફ પરીયો (જેના પર ફાયરીંગ થયું તે) તથા તેના સાથીદારોએ છેડતી કરી હતી અને વચ્‍ચે પડેલા સોહિલને ફ્રેકચર કરી નાખ્‍યું હતું. જેમાં પાછળથી એટ્રોસીટીની કલમ પણ ઉમેરાઇ હતી. આ ગુનામાં પરેશ સહિતના જેલમાં ગયા હતાં. થોડા દિવસ પછી છુટયા હતાં અને સોશિયલ મિડીયા પર બંને ગેંગ વચ્‍ચે વોર ચાલુ થઇ હતી. છેલ્લે અઠવાડીયાથી જંગલેશ્વર ગેંગ દ્વારા પેંડા ગેંગના પરેશ સહિતની રેકી શરૂ થઇ હતી અને શનિવારે સવારે તેને ભયભીત કરવા ફાયરીંગ કરાયું હતું. આ ઘટનાને અંજામ આપી સમીર ઉર્ફ મુર્ગો, શાહનવાઝ ઉર્ફ નવાઝ, સોહિલ ઉર્ફ ભાણો યુપી ભાગી જવાની વેતરણમાં હતાં. પરંતુ એ પહેલા ઝડપાઇ ગયા હતાં.

સમીર ઉર્ફ મુર્ગો મોટે ભાગે યુપી જ રહે છે અને ત્‍યાંના ભૈયા સાથે સંપર્ક ધરાવે છે. આ ગુનામાં યુપીનો એક શખ્‍સ પણ સામેલ હોઇ તે પણ હાથવેંતમાં છે. કાર સોહિલ અને શાહનવાઝના સગા મામા રમાના દિકરા એવા સમીર ઉર્ફ સંજલો જુણેજાની છે. આટો મારવા જવાનું કહી તેની પાસેથી કાર લેવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ભરત બી..બસીયાની સુચના મુજબ એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ.બી.ઘાસુરા, એન. વી. હરીયાણી, એમ.બી.માજીરાણા તથા એએસઆઇ ફિરોઝભાઈ શેખ , ધર્મેશભાઇ ખેર,  વિરેન્‍દ્રસિંહ તેમજ  હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, ઇન્‍દ્રસિંહ, અરૂણભાઇ, દિગ્‍વીજયસિંહ, ઉપેન્‍દ્રસિંહ, રણછોડભાઇ, મહાવીરસિંહ,  કોન્‍સ કિશોરભાઇ ઘુઘલ, મુકેશભાઇ,અનોપસિંહ,અમિતકુમાર, યોગરાજસિંહ, હાર્દીકસિંહ, કોન્‍સ. મોનાબેન, ડ્રા. હેડકોન્‍સ. શ્‍યામભાઈ તથા ધર્મેન્‍દ્રસિંહ તેમજ ડીસીબી પીએસઆઇ એ.એન.પરમાર તથા એમ.કે.મોવલીયા તથા એ.એસ.આઇ રણજીતસિંહ પઢેરીયાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓનો કબ્‍જો તાલુકા પોલીસે સંભાળ્‍યો છે. આગળની તપાસ પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમ કરી રહી છે.

(3:17 PM IST)