<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ગીતાનગર રોડ પર ભંગારના ધંધાર્થી હિરેન ખુંટને મિત્ર પરેશે પૈસા માટે પાઇપના ઘા ફટકાર્યા

મારા અગિયાર હજાર આજે ને આજે આપી દે કહી હુમલોઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૭: ગીતાનગર રોડ પર ભંગારનો ડેલો ચલાવતાં અને ત્‍યાં જ રહેતાં યુવાન પર તેના જ મિત્રએ પૈસાની ઉઘરાણી મામલે લોખંડના પાઇપથી હુમલો કરી ગાળો દેતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે વાણીયાવાડી ગીતાનગર મેઇન રોડ રિધ્‍ધી સિધ્‍ધીના ડેલા અંદર રહેતાં અને ભંગારનો ધંધો કરતાં હિરેન કાંતીલાલ ખૂંટ (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથ દામજી મેપા પ્‍લોટ પીપળીયા હોલ પાસે સહકાર રોડ પર રામકૃપા ગોલા સામે રહેતાં તેના જ મિત્ર પરેશ ગોવિંદભાઇ દાસોટીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

હિરેન ખુંટે જણાવ્‍યું હતું કે હું અપરિણીત છું અને મારા ભંગારના ડેલમાં જ રહુ છું. ૧૪મીએ બપોરે સાડા ત્રણેક વાગ્‍યે હું ડેલે હતો ત્‍યારે મારો મિત્ર પરેશ ગોવિંદભાઇ દાસોટીયા આવ્‍યો હતો અને કહેલુ કે તારે મને ૧૧ હજાર આપવાના બાકી છે તે ક્‍યારે આપીશ? જેથી મેં તેને કાલે આપી દઇશ તેમ કહ્યું હતું. પણ પરેશે મારે આ રકમ અત્‍યારે જ જોઇએ છે તેમ કહી મારી સાથે બોલાચાલી કરી ગાળો દીધી હતી અને લોખંડનો પાઇપ પડયો હોઇ તે ઉપાડી માથાના ભાગે તેમજ પીઠના ભાગે ત્રણ ચાર ઘા મારી દીધા હતાં. મને માથામાંથી લોહી નીકળવા માંડયું હતું. દેકારો થતાં બાજુમાંથી ઘનશ્‍યામભાઇ, અમરભાઇ, સહદેવભાઇ, રાજભાઇ સહિતના આવી ગયા હતાં અને મને છોડાવ્‍યો હતો. બાદમાં સારવાર માટે મધુરમ્‌ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. માથામાં ટાંકા લેવા પડયા હતાં. હિરેન વધુ સારવાર માટે ત્‍યાંથી ગત રાતે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે. તેણે કહ્યું હતું કે મેં સિત્તેર હજાર વ્‍યાજે લીધા હતાં. તેના વ્‍યાજના અગીયાર હજાર તત્‍કાળ માંગી ઝઘડો કરી મારા જ મિત્રએ પાઇપના ઘા ઝીંક્‍યા હતાં. હેડકોન્‍સ. પી.એન. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:13 PM IST)