તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 17th February 2025
કાર્યની સફળતામાં ટીમવર્ક, ટાઇમીંગ, ટેકનીક અને ટ્રાન્સપરન્ટ વર્ક જરૂરી છેઃ પૂ. ધીરગુરૂદેવ
ઐતિહાસિક જૈનબોર્ડિંગ અને મહાવીર ભવનનો ઉદ્ઘાટન ઉત્સવ સંપન્ન બીજાની તકલીફ જાણે અને દાન કરે તો મહાલાભ થયા વિના રહે નહિઃ પૂ. જયશેખરસુરીશ્વરજી

રાજકોટ, તા. ૧૭: શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવની અસીમ કૃપાથી ૧પ કરોડના ખર્ચે નવનિર્મિત શશીકાંત જી. બદાણી-જૈન બોર્ડિગ અને ડો. સી.જે. દેસાઇ મહાવીર ભવન તથા સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી-મહાવીર હોલના ઉદ્ઘાટન પુર્વે રાષ્ટ્રીય શાળાના પટાંગણે અબતક પરિવાર પ્રેરિત નવકારશી બાદ શશીકાંત બદાણીએ સતીશ મહેતાનું સન્માન કરેલ.
બેન્ડની સુરાવણીએ નયનરમ્ય બગીમાં દાતાઓ સહિત ભાવિકોની શોભાયાત્રા મહાવીર હોલમાં પહોંચતા માનવ મહેરામણી ઉમટી પડયું હતું. ડુંગર દરબાર ડોમમાં ભાવિકોની વ્યવસ્થા કરાયેલ.
શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા આચાર્ય પૂ. જયશેખર વિજયજી મ.સા. પૂ. સુશાંતમુનિજી તથા પૂ. ગુણીબાઇ મ.સ., પૂ. કિરણભાઇ મ.સ., પૂ. હંસાબાઇ મ.સ., પૂ. સ્મિતાબાઇ મ.સ., પૂ. સોનલબાઇ મ.સ. આદિ તથા દેશ-વિદેશના ભાવિકોની હાજરી હતી. ટ્રસ્ટી મુકેશ કામદારે સહુને આવકાર્યા બાદ સમારોહ પ્રમુખ જયંતભાઇ કામદારનું સન્માન મહેન્દ્ર મહેતાએ કરેલ.
પૂ. ધીરગુરુદેવ ફરમાવેલ કે, કોઇપણ કાર્ય સફળ અને સુપર બનાવવા ટીમવર્ક, ટાઇમીંગ વર્ક, ટેકનીક વર્ક અને ટ્રાન્સપરન્ટ વર્ક અતિ જરૂરી છે. આ ભવન નિર્માણમાં આ સુત્રને ચરિતાર્થ કરવામાં આવ્યા છે.
સંકુલના દાતાઓનું મોમેન્ટોથી ટ્રસ્ટી મંડળના હસ્તે સન્માન કરાયું હતું. આર્કિટેકટ રીખવ અને હેમલ સંઘવી, નિર્માણ સંયોજક વિમલ પારેખ, વિપુલ પંચમીયા, બાંધકામ નિર્માતા પ્રણવ ઠકરાર અને જીવદયાના લાભાર્થી મીરા અનિલ ઓમાનવાલા, તનસુખ અને કિશોર દોશીનું સન્માન કરાયું હતું.
જયારે નામકરણમાં રંજના જયંત કામદાર, રીટા અભય શાહ, જશવંતી જૂઠાણી, અશોક ભીમાણી વગેરે તથા વિવિધ યોજનામાં લાભુબેન મુલચંદ કુંભાણી, શારદાબેન આર. દોશી વગેરેએ અનુદાન જાહેર કરેલ.
તેમજ શશીકાંત બદાણી પ્રેરિત ગૌતમપ્રસાદનો ૧પ૦૦ ભાવિકોએ લાભ લઇને યુગો સુધી ઝળહળશે ધીરગુરૂવરના સંભારણાના મીઠા ગીતથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.
(3:20 PM IST)










