<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

રેલ્‍વે સ્‍ટેશનો પર વધતા જનસૈલાબ પાછળ તંત્રની બેદરકારી : ટ્રેનની ક્ષમતા કરતા અનેકગણી ટિકીટો શા માટે ઇસ્‍યુ કરવામાં આવે છે?

કુંભ મેળાના કારણે શ્રધ્‍ધાળુઓના વધતા પ્રવાહમાં રેલતંત્રએ કમાણીનો નુસ્‍ખો અપનાવ્‍યો પરંતુ પ્‍લેટફોર્મની ક્ષમતા કરતા હજારો વધુ પેસેન્‍જરો અને અનઅધિકૃત લોકો ઉમટી રહયા હોવાથી દિલ્‍હીમાં સર્જાયેલ ૧૮ લોકોના ભોગ લઇ જનાર ધક્કામુક્કીની ઘટના અને આજે આસનોલ રેલ્‍વે સ્‍ટેશન પર સર્જાયેલી પ્રચંડ ભીડની સમસ્‍યા સર્જાતી હોવાનું તારણ

રાજકોટ, તા., ૧૭: છેલ્લા એક મહિનાથી પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં સ્‍નાન કરવા પહોંચનાર શ્રધ્‍ધાળુઓની સંખ્‍યા પ૩ કરોડને પાર પહોંચી છે ત્‍યારે સમાપન પહેલા કુંભમાં સ્‍નાન કરવાની તાલાવેલી પુરી કરવા હજુ પણ લાખો શ્રધ્‍ધાળુઓના રસ્‍તા પ્રયાગ તરફ ફંટાઇ રહયા છે. ત્‍યારે દિલ્‍હી સ્‍ટેશન પર ધક્કામુક્કીના કારણે સર્જાયેલી દુર્ઘટના પાછળ રેલ તંત્રની બેદરકારી કારણભૂત હોવાનું જાણકારોનું કહેવું છે. કુંભ મેળા દરમિયાન રેલ તંત્રએ અસંખ્‍ય વધારાની ટ્રેનો દોડાવી છે તેની ના નહિ પરંતુ  ટ્રેનની પેસેન્‍જરની ક્ષમતા કરતા  અનેકગણી ટીકીટ (વેઇટીંગ) ઇસ્‍યુ કરી દેવાતી હોવાથી ટ્રેનો અને પ્‍લેટફોર્મ ઉપર પ્રચંડ ભીડ જોવા મળી રહી છે.

આજે પણ આસનોલ સ્‍ટેશને દિલ્‍હી જેવુ સ્‍ટેમ્‍પેડ થતા નસીબ જોગે રહી ગયું હતું. પ્રયાગરાજથી પસાર થતી ૧૯ જેટલી ટ્રેનોના આજે રૂટ બદલાયા છે. તો સંગમ સ્‍ટેશન સુધીની યાતાયાત અટકાવી દેવામાં આવી છે ત્‍યારે રેલ તંત્રની વ્‍યવસ્‍થાના વખાણ થવાની સાથે તંત્રની બેદરકારી પણ ઉડીને આંખે વળગી રહી છે. રેલ તંત્રના જાણકાર અધિકારીઓના કથન મુજબ ટ્રેનની એક બોગીમાં ૭ર ની ક્ષમતામાં પેસેન્‍જરોની બર્થ રહેલી હોય છે. એક ટ્રેનમાં આશરે ૧૦૦૦ જેટલા મુસાફરો આરામદાયી રીતે મુસાફરી કરી શકે છે. પરંતુ કમાણી વધુ કરવાના આશયથી બોગી કે ડબ્‍બાની ક્ષમતા કરતા અનેકગણી પેસેન્‍જર ટીકીટ ઇસ્‍યુ કરી દેવાતી હોવાથી પેસેન્‍જરોએ અસહ્ય તકલીફો ભોગવવી પડી રહી છે. કુંભ મેળો છે ત્‍યારે જ નહિ પરંતુ રાજકોટથી ચોક્કસ સ્‍થળોએ ઉપડતી વિકલી ટ્રેનોમાં પણ દર વખતે આવી સમસ્‍યા સર્જાતી જ રહે છે તેવું જાણકારોનું કહેવું છે. બસ સ્‍ટેશન અને વિમાનઘરો ઉપર કયારેય આવી સ્‍થિતિ સર્જાતી જોઇ છે? તેવો પ્રશ્ન જાણકારો પુછી રહયા છે. તેમનું કહેવું છે કે, ક્ષમતા કરતા બે-પાંચ ટકા ટીકીટો વધુ ઇસ્‍યુ કરવામાં આવે તો કેન્‍સલેશનના સંજોગોમાં વેઇટીંગ ટીકીટો કલીયર થઇ શકે. આમ કરવાના બદલે રેલ તંત્ર દ્વારા અનેકગણી ટીકીટો ઇસ્‍યુ કરવામાં આવે છે એટલું જ નહિ પરંતુ અનઅધિકૃત લોકોને પ્‍લેટફોર્મ ઉપર પ્રવેશતા અટકાવવા માટેનું વ્‍યવસ્‍થા માળખુ પણ પડી ભાંગે છે. ત્‍યારે દિલ્‍હી જેવી કરૂણાંતીકા સર્જાય છે. માટે રેલ તંત્રેએ તાકીદે આ મુદે યોગ્‍ય નિર્ણય કરવો જોઇએ.

સૌરાષ્‍ટ્ર મેઇલનો સમય ફરીથી સાંજનો કરવા ઉઠતી માંગણી

કોવીડ પહેલા સાંજે ૬ નો સમય ૩.૩૦ નો કરાયા બાદ ફેરફાર કરાયો જ નથી :  જનતા અને મેઇલ વચ્‍ચે માત્ર ૧૦ મીનીટનો ફર્ક રહેતો હોવાથી ભારે સમસ્‍યા સર્જાય છે

રાજકોટઃ રેલ તંત્ર દ્વારા રાજકોટથી મુંબઇ તરફ જતી સૌરાષ્‍ટ્ર મેઇલનો સમય કોવીડના સંજોગોમાં હંગામી ધોરણે બપોરે ૩.૩૦નો કરવામાં આવ્‍યો હતો જે ફરી તેના મૂળ સમય સાંજે ૬ વાગ્‍યા મુજબ કરવા પેસેન્‍જરોમાંથી માંગણી બળવત્‍નર બની રહી છે. હાલમાં રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પરથી મુંબઇ માટે જનતા બપોરે ૩.ર૦ વાગ્‍યે જયારે મેઇલ બપોરે ૩.૩૦ વાગ્‍યે ઉપડતો હોવાથી માત્ર ૧૦ મીનીટના ટુંકા ગાળામાં મુંબઇ તરફની બબ્‍બે ટ્રેનો રવાના થતી હોવાથી દરરોજ ભારે ભીડ સાથે રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પર અફડાતફડી સર્જાતી હોવાથી સૌરાષ્‍ટ્ર મેલનો સમય ફરી સાંજે ૬ વાગ્‍યે કરવો જોઇએ તેવી માંગણી જાણકારો અને પેસેન્‍જરોમાં પ્રવર્તી રહી છે.

(4:55 PM IST)